Select Page

કોપરસીટી મર્ચન્ટ એસો.ના પ્રમુખ પદે કીર્તિભાઈ પટેલની સર્વાનુમતે વરણી

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને અભિનંદન આપતો ઠરાવ કરાયો

  • કીર્તિભાઈ કલાનિકેતન સામાજીક, સહકારી તથા વેપારી સંગઠનો સાથે ૧૮ થી વધુ સંસ્થામાં જોડાયેલા છે
  • કીર્તિભાઈ કલાનિકેતનના પ્રમુખ પદે કોપરસીટી મર્ચન્ટ એસો. દ્વારા વેપારીઓના હિતમાં અનેક કાર્યો થશે

વિસનગર શહેરમાં કોપર સીટી ગ્રુપ વેપારી એકતાનુ મજબૂત સંગઠન છે. વિસનગર શહેરમાં વિવિધ પ્રકારે વેપાર કરતાં અને પ્રોફેશનલ વ્યવસાય કરતા વેપારી મિત્રોના જુદા જુદા ૭૫ સંગઠન જોડાયેલા છે. આવા વિવિધ ૭૫ વેપારી એસોસિએશન અને વેપારી મંડળનું સંયુક્ત સંગઠન એટલે કોપર સીટી મર્ચન્ટ એસોસીએશન વિસનગર. આ સંગઠનમાં કુલ સભાસદ સંખ્યા ૫૬૦૦ થી વધુ છે. આ કોપર સીટીની કારોબારી સભા મળી હતી. જેમાં કોપર સીટી મર્ચન્ટ એસોસિએશનના નવિન પ્રમુખ તરીકે કીર્તિભાઈ પટેલ કલાનીકેતનની આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે વરણી થતા દરેક વેપારી મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. શુકવારના રોજ રોટરી ક્લબ હોલમાં કોપર સીટી મર્ચન્ટ એસોસીએશનની કારોબારી સભા મળી હતી. જેમાં વિવિધ ૭૫ એસોસિએશનના પ્રમુખ અને કોપર સીટી મેનેજમેન્ટે હાજરી આપી હતી. જેમાં ચાલુ પ્રમુખ પરેશભાઇ પટેલની મુદત પુર્ણ થતી હોઈ પ્રમુખ તેમણે નવા પ્રમુખ તરીકે કીર્તિભાઈ પટેલ કલાનિકેતનની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને નટુભાઈ પટેલ, કરશનભાઇ પટેલ, અજિતભાઈ ચૌધરી અને કેશવલાલ શેઠે ટેકો આપ્યો હતો. આ સાથે જે ૭૫ એસોસિએશનના પ્રમુખો દ્વારા તાલીઓના ગડગડાટ વચ્ચે કીર્તિભાઈ પટેલને પ્રમુખ તરીકે સર્વાનુમતે વધાવી લીધા હતા.
કીર્તિભાઈ પટેલ કલાનિકેતને જે સંસ્થામાં મહત્વનો હોદ્દો સંભાળ્યો છે તે સંસ્થામાં નવુ જોમ જોવા મળ્યુ છે. ત્યારે વિસનગર શહેરનુ સૌથી મોટુ સંગઠન કોપરસીટીના પ્રમુખ બનતા આ સંસ્થામાં અગાઉ કરતા પણ વધુુ ધમધમાટ જોવા મળશે. સાથે સાથે વેપારીઓના હિતમાં અનેક કાર્યો થશે. પરેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, કોપર સીટી મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે ગત વર્ષોમાં જે તક આપી અને સહકારા આપ્યો તે માટે સૌનો આભાર વ્યક્ત કરું છું. અને નવિન પ્રમુખ કીર્તિભાઈ પટેલ કે જેમની કોપરસીટી ગ્રુપની દરેક સેવાકીય પ્રવૃતિમાં પાયાની ભૂમિકા રહેલી છે તેમને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છું. તેમના પ્રમુખ કાળ દરમિયાન હું પૂર્વ પ્રમુખ તરીકે સતત તેમના પડખે ઊભો રહીશ તેની ખાતરી આપું છું. રાજુભાઈ કે પટેલ એ પણ જણાવેલ કે કોપર સીટી એસોસીએશન એ વેપારી સંગઠન સાથે સોસીયલ સેવા સંસ્થા છે. તેની સ્થાપનામાં દરેક મેમ્બરનો ફાળો છે, જેમાં કીર્તિભાઈ પટેલનું વિશેષ યોગદાન રહ્યુ છે. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને ટોરેન્ટ પાવર મેનેજમેન્ટ માટે બ્લડ બેંકમાં ૬૭ લાખ ની ગ્રાન્ટ ફાળવણી બદલ આભાર અને અભિનંદન ઠરાવ કરવામાં આવ્યો હતો. પછી નવિન પ્રમુખ કીર્તિભાઈ પટેલ ઉપર તમામ પ્રમુખ મિત્રોએ અભિનંદન વર્ષા કરી હતી.
કીર્તિભાઈ પટેલ કલાનિકેતન પોતે એક સહકારી અને સામાજિક આગેવાન છે.તેઓ સાતસો પીપલ્સ ક્રેડીટ સોસાયટીમાં ચેરમેન પદે, વિસ ઈન્ડિયા ક્રેડીટ સોસાયટીના ચેરમેન પદે, કોપર સીટી ક્રેડીટ સોસાયટીમાં મેનેજિંગ ડિરેક્ટર પદે, બ્લડ બેંકમાં મેનેજીંગ ડિરેકટર પદે તથા વિશ્વ પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ માં પ્રમુખ પદે જવાબદારી સંભાળી રહ્યા છે. આમ વિવિધ ૧૮ થી વધુ સામાજિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ અને વેપારી સંગઠનમાં ઉચ્ચ હોદ્દાઓમાં સેવા આપે છે. જેમણે વિસનગર શહેર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ સ્થાને પણ સફળ સૂકાન સંભાળ્યું હતું. કીર્તિભાઈ પટેલને સેવા અને પ્રમાણીકતાના ગુણ પોતાના પિતા તરફથી વારસામાં મળ્યા છે. વિસનગરની પ્રજાની સેવા માટે પોતાના ધંધા કરતાં વધુ સમય ફાળવી રહ્યા છે. જેમણે વિસનગરના એક કર્મવિર સેવકની છાપ ઉભી કરી છે. કોપર સીટી મર્ચન્ટ એસોસીએશનના અન્ય હોદ્દેદારોની નિમણુંક કરવાની સત્તા નવિન પ્રમુખ કીર્તિભાઈ પટેલને આપી હતી. કોપરસીટી મર્ચન્ટ એસોસીએશનની કારોબારી સભા એટલે ૭૫ એસો.ના પ્રમુખોની સભા. આ સભાનું સંચાલન નિમેષભાઈ શાહ દ્વારા થયું હતું. જેમણે સ્વાગત પ્રવચન સાથે કોપર સીટીના વિવિધ કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. ડાયાબિટીસ કેમ્પના અહેવાલ અજિતભાઈ ચૌધરીએ આપ્યો હતો. આભારવિધી કરશનભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોરોનામાં આર્થિક જરૂરિયાત મંદ માતા અને પિતા ગુમાવનારા ૩૪ જેટલા બાળકોને કુલ ૧,૪૬,૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવી હતી જે દર વર્ષે અપાય છે. આ યોજનાના ચાલુ વર્ષના દાતા અશ્વિનભાઈ પટેલ અંબીકા હતા. કોપર સીટી ગ્રુપ દ્વારા ગત વર્ષે ૨૪ થી વધુ વિવિધ સેવાઓ વિસનગર શહેરમાં કરવામાં આવી હતી. જેની નોંધ લઇ સર્વેએ પરેશભાઇ માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે તેઓ નિવૃત્તિ તરફ નથી પણ વધુ સક્રિય જવાબદારી તરફ રહેશે, કોપર સીટીના એક ફાઉન્ડેશન મેમ્બર છું જે હું ભૂલી શકીશ નહીં.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us