Select Page

પંચાયતમાં ગ્રામસભા બોલાવ્યા વગર
વિસનગર તાલુકાના વહીવટદારોએ વિકાસકામના ઠરાવો બદલતા વિવાદ

વિસનગર તાલુકામાં ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ગ્રાન્ટો તથા યોજના હેઠળ ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરી ગામમાં જરૂરી વિકાસકામો કરવા આયોજન કરવામા આવ્યુ છે. જેમાં વિસનગરમાં બીજા નંબરના સુપર એમ.એલ.એ. કહેવાતા મંત્રી ઋષિભાઈ પટેલના નજીકના એક સાથીદારના ઈશારે તાલુકાના ચાર-પાંચ નાના કાર્યકરોએ દરેક ગામના વહીવટદાર તલાટીશ્રીઓ પાસે વિકાસકામોના ઠરાવોમાં ફેરફાર કરાવતા અત્યારે આ મુદ્દે વિવાદ ઉભા થયા છે જો કે જે ગામોમાં સરપંચો કાર્યરત છે તે ગામમાં
હજુ સુધી વિકાસ કામોના ઠરાવો બદલાયા હોવાનું જાણવા મળ્યુ નથી.
વિકાસ કામના ઠરાવો બદલતા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે
ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકાસ કામના ઠરાવો કરવામા આવે છે. ત્યારે વહીવટદાર સાશનમાં ગ્રામજનોને અવગણી વિકાસ કામના ઠરાવોમાં ફેરફાર કરવામા આવતા લોકોમાં ભાજપ સામે રોષ તથા કચવાટ વધ્યો છે. વિકાસ કામના ઠરાવો બદલાતા સરપંચો, આગેવાનો તથા ગ્રામજનોમાં આત્મ સન્માન ઘવાયાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. તાલુકામાં પોતાનું પ્રભુત્વ સાબીત કરવા કારણ વગરનો જે વિવાદ ઉભો કરવામા આવ્યો છે તેના કારણે આવનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપને મોટુ નુકશાન થઈ શકે છે. લોકસભાની ચુંટણીઓ પણ આવી રહી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિકાસ કામના ઠરાવો બદલાવાના વિવાદથી લોકસભામાં પણ ભાજપને સહન કરવું પડે તેવી અવદશા થઈ છે.
ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજનાઓ હેઠળ ગ્રામ પંચાયતોના સરપંચો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગ્રામસભામાં
વિકાસકામોની ચર્ચા કરી તેનો ઠરાવ કરે છે. જો કોઈ સરપંચને વિકાસકામના ઠરાવમાં ફેરફાર કરવો હોય તો તેમને ફરીથી ગ્રામસભા બોલાવી તેની ચર્ચા કરવી પડે. ગ્રામસભા બોલાવ્યા વગર ગ્રામજનોને અંધારામાં રાખી વિકાસ કામના ઠરાવમાં ફેરફાર કરી શકાય નહી. અત્યારે વિસનગર તાલુકાની પ૧ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન છે. ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે તલાટી કમ મંત્રીઓની નિમણુંક કરવામા આવી છે. તાજેતરમાં સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજનાઓ હેઠળ ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામજનોની માંંગણી પ્રમાણે ઠરાવ કરી ગામમાં વિકાસકામો કરવાનું આયોજન કરવામા આવ્યુ હતુ. ત્યારે વિસનગરમાં બીજા નંબરના સુપર એમ.એલ.એ. કહેવાતા મંત્રી ઋષિભાઈ પટેલના નજીકના એક સાથીદારના ઈશારે ભાજપના નામે ચાલતા ચાર-પાંચ સામાન્ય કાર્યકરોએ તાલુકાના અન્ય હોદ્દેદારો આગળ પોતાનું રાજકીય વર્ચસ્વ બતાવવા માટે દરેક ગ્રામ પંચાયતોના વહીવટદાર તલાટીશ્રીઓને પંચાયતમાં કરાયેલ વિકાસકામોના ઠરાવમાં ફેરફાર કરવા સુચના આપી હતી. ભાજપના આ કાર્યકરોના દબાણથી મોટા ભાગના વહીવટદાર
તલાટીશ્રીઓએ
ગ્રામસભા બોલાવ્યા વગર વિકાસ કામના ઠરાવમાં ફેરફાર કરતા કેટલાક ગામોમાં વિવાદો ઉભા થયા છે. જો કે આ કાર્યકરોએ જે ગામમાં સરપંચો કાર્યરત છે તે ગામમાં વિકાસ કામના ઠરાવમાં ફેરફાર કરવાની સુચના કે દબાણ કર્યુ નથી. આ તો પંચાયતના વહીવટદારોએ નોકરીમાં ખોટી કનડગત ન થાય તેવા ડરથી ગ્રામસભા બોલાવ્યા વગર ગ્રામજનોને અંધારામાં રાખી ગ્રામસભામા આયોજન કરાયેલ ઠરાવમાં ફેરફાર કર્યા હોવાનું ચર્ચાય છે. જયારે વિસનગરમાં બીજા નંબરના એમ.એલ.એ. કહેવાતા મંત્રી ઋષિભાઈ પટેલના નજીકના સાથીદારે પોતાની આગળ પડછાયાની જેમ ફરતા ચાર-પાંચ કાર્યકરોને હાથો બનાવી તાલુકાના હોદ્દેદારોનું રાજકીય પ્રભત્વ ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું પણ કાર્યકરોમાં ચર્ચાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us