Select Page

કેબીનેટ મંત્રીએ સમય ફાળવતા રજુઆતકર્તાઓની વણઝાર

આરોગ્ય લક્ષી ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર જાહેર થાય તેવી લોકલાગણી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સરકારની ભલે મહત્વની જવાબદારી સંભાળતા હોય પરંતુ જેમને ચુંટણીમાં મદદ કરી છે અને મત આપ્યા છે તેમની થોડી ઘણી અપેક્ષા તો હોયજ. કેબીનેટ મંત્રી બન્યા બાદ વિસનગરમાં ત્રણ દિવસનો સમય ફાળવતા વિવિધ કામ માટે રજુઆતકર્તાઓની વણઝાર લાગી હતી. કેબીનેટ મંત્રી કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેતા હોવાથી ઈમરજન્સી માટે કોઈ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે તેવી લાગણી જન્મી છે.
વિધાનસભાની ચુંટણી બાદ નવી સરકારમાં વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની જવાબદારી હોવાના કારણે કામગીરીનુ ભારણ વધતા કેબીનેટ મંત્રી પાસે વિધાનસભા મત વિસ્તારના લોકોના પ્રશ્નો માટે સમય રહેતો નથી. વળી સરકારના પ્રવક્તા હોવાના કારણે દિવસ દરમ્યાન લેવામાં આવેલા મહત્વના નિર્ણયનો મીડિયા સમક્ષ ચીતાર આપવાનો, સરકારમાં સેકન્ડ નંબરના સી.એમ. તરીકેની ઋષિભાઈ પટેલ જે જવાબદારી સંભાળી રહ્યા છે તે વિસનગર માટે ગૌરવની બાબત છે. પરંતુ વિસનગરના વિકાસ માટે અને લોકો માટે સમય ફાળવી શકતા નથી તે ચીંતાનો વિષય છે.
ઋષિભાઈ પટેલે કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા ત્યારબાદ ઘણા લાબા સમય પછી તા.૧૧-૨ થી ૧૩-૨ સુધી વિસનગરમાં ત્રણ દિવસો સમય ફાળવ્યો હતો. જોકે કયા સમયે ધારાસભ્ય કાર્યાલયે હાજર રહેવાના છે તેની કોઈ જાણકારી નહી હોવાથી સામાન્ય લોકોને ધક્કા ખાવા પડ્યા હતા તો કેટલાકને રાહ જોઈને બેસી રહેવુ પડ્યુ હતુ. જેમણે ગાંધીનગરના વિઝા આપ્યા છે તે મતદારોને રાહ જોઈને બેસી રહેવુ ન પડે તેવી વ્યવસ્થા થાય તેવી ચર્ચાઓ થઈ હતી.
વિસનગરમાં ફાળવેલા ત્રણ દિવસમાં મોટાભાગનો સમય કાર્યક્રમોમાં હાજરી આપવામાં ગયો હતો. જ્યારે ધારાસભ્ય કાર્યાલયમા તો રોજના એક બે કલાક ફાળવ્યા હતા. જેમાં પણ રજુઆતકર્તાઓની વણઝાર જોવા મળી હતી. ચુંટણી પછી ઋષિભાઈ પટેલ વિસનગર આવતા હતા. પરંતુ લોકો સુધી જાણ થતી નહોતી. ત્યારે ઘણા લાબા સમય બાદ ધારાસભ્ય કાર્યાલયમાં સમય ફાળવતા કેબીનેટ મંત્રીનો લોકોએ લાભ લીધો હતો.
કેબીનેટ મંત્રી સરકારી કાર્યક્રમોમાં સતત વ્યસ્ત હોય છે. જેના કારણે તેમનો મોબાઈલ ઉપર સંપર્ક થઈ શકતો નથી. કેબીનેટ મંત્રીના અંગત મદદનીશ પણ કામના ભારણથી કે ગમે તે કારણોસર વિસનગરના આગેવાનોના ફોન ઉપાડતા નથી. ત્યારે ઈમરજન્સીના ખરા સમયે કેબીનેટ મંત્રીનો સંપર્ક થતો નથી. કેબીનેટ મંત્રીના નજીકના વફાદાર આગેવાન સિધ્ધપુર હાઈવે ઉપર ફસાયા હતા. પોલીસે પકડ્યા હતા. ત્યારે આગેવાન સાચા હોવા છતા કેબીનેટ મંત્રીનો સંપર્ક નહી થતા પોલીસની કામગીરીનો ભોગ બન્યા હતા. બીજા એક આગેવાનના માતાની તબીયત બગડતા ઈમરજન્સીમાં જરૂર પડી હતી. જેમાં પણ સંપર્ક થયો નહોતો. ત્યારે વિસનગર તાલુકા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે તેવી પણ લોકલાગણી છે.
કેબીનેટ મંત્રીની ગાંધીનગર
સચીવાલયની
ઓફીસનો સ્ટાફ બદલાઈ ગયો છે. સરકાર દ્વારા નિયુક્ત અંગત મદદનીશ વિસનગરના કાર્યકર્તા કે આગેવાનોને ઓળખતા નથી જેથી ચાલુ દિવસે ગાંધીનગર ઓફીસનો ફોન કરવા છતા પણ યોગ્ય જવાબ મળતો નથી. મોટેભાગે આરોગ્યલક્ષી ઈમરજન્સી ઉભી થાય છે. લોકો કેબીનેટ મંત્રીના નજીકના આગેવાનોનો સંપર્ક કરે છે. ત્યારે ફોન ઉપર જવાબ નહી મળતા કાર્યકર તેમજ આગેવાનો લાચારી અનુભવી રહ્યા છે. કેબીનેટ મંત્રી દિવસ અને સમય નક્કી કરી ધારાસભ્ય કાર્યાલયમાં સમય ફાળવે તેમજ ઈમરજન્સીમાં સંપર્ક થાય તેવી વ્યવસ્થા કરે તેવી મતદારોમાં લાગણી વર્તાઈ હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us