દાહોદ કરતા મોટુ કૌભાંડની આશંકા – ચાચરીયા ગામમાં વિકાસ અદ્રશ્ય થયો ખેરાલુ તાલુકા પંચાયતના આશિર્વાદથી લાખોનાં કૌભાંડની શક્યતા
ખેરાલુ તાલુકા પંચાયતમાં વિકાસ કામો કાગળીયા ઉપર બતાવી કરોડોના કૌભાંડો થાય છે. છતાં તંત્ર દ્વારા સબ સલામતનો રાગ આલાપવામાં આવે છે. ખેરાલુ તાલુકાના ચાચરીયા ગામમાં વિકાસ કામો કાગળ ઉપર બતાવી સરપંચ, તલાટી અને વહિવટદારો દ્વારા વ્યાપક ગોટાળા કર્યાની શંકા રાખી ગામના જાગૃત નાગરિક દ્વારા ગામના જાગૃત નાગરિક ચૌધરી જશવંતભાઈ અવચળભાઈ દ્વારા માહિતી અધિકારના કાયદા અન્વયે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી કરેલા વિકાસ કામો જેવા કે, આયોજન, એ.ટી.વી.ટી., ટાઈડ, અન ટાઈડ, ગ્રામકક્ષા, તાલુકા કક્ષા, નાણાપંચ, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, ધારાસભ્ય ફંડ, એમ.પી. ફંડ, જિલ્લા પંચાયત સ્વભંડોળ અને મનરેગાના વિકાસકામો વનીકરણની વિગતવાર માહિતી ૨૧-૩-૨૦૨૫ના રોજ માંગવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ માહિતી ૩૦ દિવસમાં આપવી જોઈએ પરંતુ વ્યાપક ભ્રષ્ટાચાર ઉજાગર થશે તેવી બીકે અરજદારને બે મહિના સુધી રખડાવ્યો હતો. છેવટે સાંસદ સભ્યએ મધ્યસ્તી કરતા અરજદારને માહિતી અપાઈ છે. જેમાં વિકાસ કામો કર્યા વગર બારોબાર નાણાં ચાઉ થઈ જવાનો આક્ષેપ કરાયો છે.
ખેરાલુ તાલુકાનું ચાચરીયા ગામ જિલ્લા પંચાયતના સભ્ય સ્વ. અવચળભાઈ ચૌધરી તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ભીખાલાલ ચાચરીયાના ગામ તરીકે ઓળખાય છે. ભાજપના દિગ્ગજ નેતાઓના ગામમાં સરપંચ અને તલાટીઓ વિકાસ કામો કર્યા વગર નાણાં ચાઉ કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો દિગ્ગજ નેતાઓ જિલ્લામાં નેતાગીરી કર્યા વગર પોતાના ગામનું ધ્યાન રાખે તે જરૂરી કહેવાશે.
ચાચરીયા ગામના જાગૃત નાગરિક ચૌધરી જસવંતભાઈ અવચળભાઈ દ્વારા માહિતી અધિકાર પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ચાર વર્ષની વિગત માંગી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ એક જે કામના બે વખત નાણાં ચુકવાયા છે. જે કામ એક વખત કર્યા પછી ફરીથી બીલ ચુકવાયુ છે. ચાચરીયા માત્ર ૧૦૦૦ ઉપરાંતની વસ્તીનું ગામ છે. છતાં જો આવા કૌભાંડો થતા હોય તો ખેરાલુ તાલુકા સહિત વિધાનસભામાં કેટલા કૌૈભાંડો હશે. આ બાબતે વિજીલન્સમાં તપાસ થાય તો મોટા ભાગના તલાટીઓ અને વહિવટદારો ને જેલમાં હવા ખાવી પડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલ જે માહિતી અધિકાર પ્રમાણે માહિતી મળી છે તેમાં થયેલા કૌભાંડો તો દાહોદના કૌભાંડોને પણ પાછા પાડે તેવા છે. ચાચરીયામાં પ્રજાપતિ રમેશભાઈ અંબારામના ઘરથી દેવીપુજક મણાભાઈ સોમાભાઈના ઘર સુધી ૧,૦૪,૮૭૯/- રૂપિયાનુ સી.સી.રોડનુ કામ થયુ છે જેની તારીખ ૧૫-૩-૨૦૨૧નો થયેલુ જણાવ્યુ છે ત્યારબાદ ચાચરીયા ગામે પ્રજાપતિ રમેશભાઈ અંબારામભાઈના ઘરથી દેવીપુજક મણાભાઈ સોમાભાઈના ઘર સુધી સી.સી.રોડનુ કામ તા.૨૫-૧૦-૦૦૨૧ના રોજ પુર્ણ થતા ૧,૦૬,૦૯૬/- રૂપિયા ચુકવાયા છે. આમ એક જ કામમાં સાત મહિનામાં બે વખત નાણાં ચુકવાયા છે. આ કામની જસવંતભાઈ અવચળભાઈ ચૌધરીએ તપાસ કરતા સ્થળ ઉપર કામગીરી એકજ વખત થઈ છે. જિલ્લા પંચાયત સદસ્ય અવચળભઆઈ ચૌધરીની વર્ષ ૨૦૧૬-૧૭ની ૨,૫૦,૦૦૦/- રૂપિયા ગ્રાન્ટમાંથી ચાચરીયા ખાતે ખેરાલુ સુંઢિયા રોડની બાજુમાં મંદિર તરફ દિવાલનુ કામ ફાળવાયુ હતુ જેના નાણાં ૨૧-૯-૨૦૨૧ના રોજ ચુકવાઈ ગયા છે જશવંતભાઈ ચૌધરીએ સ્થળ તપાસ કરતા ક્યાંય વિકાસ કામ જોવા મળ્યુ નથી તેમ જણાવે છે.
ગુજરાતમાં દાહોદ ખાતે મનરેગાનું મોટુ કૌભાંડ જાહેર થયુ છે. તેના કરતા પણ મોટા કૌભાંડ ખેરાલુમાં થયા છે. આંબા કૌભાંડ, સતલાસણાનુ પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ, સતલાસણાનું મનરેગા કૌભાંડ જેવા કૌભાંડની યોગ્ય તપાસ થાય તો દાહોદ જિલ્લાના કૌભાંડ કરતા પણ મોટા કૌભાંડ ઉજાગર થાય તેમ છે. ગુજરાત સરકાર દ્વારા ખેરાલુના આંબા કૌભાંડમાં લોકપાલ પાસે તપાસ કરી જેમાં વ્યાપક કૌભાંડને દબાવી દેવામાં આવ્યુ છે. લોકપાલ તરીકે ખરેખર નિષ્ઠાવાન સરકારી કાર્મચારીની નિમણુક થવી જોઈએ પરંતુ લોકપાલ તરીકે ૧૧ મહિનાનો કરાર આધારિત વ્યક્તિ પ્રજાને શ ુન્યાય અપાવી શકે. આંબા કૌભાંડમાં લાભાર્થીને આંબાના નાણાં મળે અને તેની પાસેથી આંબાના છોડના બીલ લેવા જોઈએ પરંતુ દલા તરવાડીની જેમ રીંગણા લઉ બે ચાર જેવો ઘાટ ઘડાયો છે. આંબાના ઓછા છોડ આપી વ્યાપક કૌભાંડ ઉપર ઢોક પિછોડ થયો છે. તેવુ ચાચરીયા ગામના અદ્રશ્ય વિકાસ કામોમાં પણ થશે જો ખેરાલુ અને સતલાસણા તાલુકામાં યોગ્ય તપાસ થાય તો દાહોદના કૌભાંડને લોકો ભુલી જાય તેવુ કૌભાંડ જાહેર થાય તેમ છે.