Select Page

ઈન્ફ્લુએન્જાના વેરીયન્ટથી ઉધરસ શરદીના દર્દિઓમાં વધારો

ઘર કરી ગઈ હોય તેટલી હદે પીડાદાયક ઉધરસથી લોકો ત્રસ્ત

ર્ડા.કેતનભાઈ જોષીનુ સુચન
• સગર્ભા માતાઓ, નાના બાળકો તથા વૃધ્ધોએ ખાસ સાચવવુ
• કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે હાથ ધોવા, માસ્ક પહેરવુ તથા ભીડમાં જવાનુ ટાળવાથી H3N2 થી બચી શકાય

અત્યારે ઘેર ઘેર શરદી ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. પરંતુ આ વખતની ઉધરસ જાણે ઘર કરી ગઈ હોય તેટલી હદે થતા લોકો ત્રાસી ગયા છે. હોસ્પિટલ અને ક્લીનીક દર્દિઓથી ઉભરાઈ રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરવાનુ ટાળતા અત્યારે મીની કોવીડના ડરથી કાંપી રહ્યા છે. કોરોનાની જેમ આ વાયરસ ફેલાતો હોવાથી સાવચેતી રાખવા ર્ડાક્ટરોની સલાહ છે.
શિયાળાનો અંત આવે અને ઉનાળાની શરૂઆત થાય ત્યારે ઠંડી ગરમીની ઋતુમાં મોટાભાગના લોકો શરદી ઉધરસમાં સપડાય છે. ફેફસા હચમચાવી નાખે તેવી સખત ઉધરસ કેવી હોય તે લોકોએ કોરોના અનુભવ્યુ છે. કોરોના કાળનો છેલ્લો વાયરસ ઓમીક્રોનના એક વર્ષ બાદ ફરીથી ઘેર ઘેર શરદી ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. બદલાતી ઋતુની શરદી ઉધરસ વધુમાં વધુ અઠવાડીયામાં મટી જાય છે. પરંતુ આ વખતે જે લોકોને ઉધરસ થઈ છે તેમને ઉધરસ મટવાનુ નામ લેતી નથી. ફેફસામાંથી અવાજ આવે તેવી ઢોહા ઉધરસ ખાતા જોવા મળી રહ્યા છે. સતત ઉધરસથી ગળામાં અસહ્ય દુઃખાવો થાય છે. ઘણા લોકોની આખી રાત ઉધરસ ખાવાથી ઉંઘ હરામ થઈ ગઈ છે. પીડાદાયક ઉધરસમાંથી મુક્ત થવામાં ૨૫ થી ૩૦ દિવસનો સમય લાગી રહ્યો છે. આ વખતની આટલી ઉધરસ જોતા લોકો ચિંતામાં મુકાયા છેકે આટલી જોખમી ઉધરસ કેમ થાય છે.
જાણકારોના મત પ્રમાણે આવી સ્થિતિ પાછળ એક વાયરસ જવાબદાર છે. કોરોના જેવા લક્ષણો જણાતા ઘણા લોકો કોવીડ ટેસ્ટ કરાવી રહ્યા છે. પરંતુ રીપોર્ટ નેગેટીવ આવે છે. આ ICMR એ આ વાયરસ સામે જોખમનુ એલાર્મ આપી દીધુ છે. કોરોનાની જેમ આ વાયરસથી સંક્રમિત લોકોમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા વધારે છે. જે રીતે કોરોના સીધો ફેફસા ઉપર હુમલો કરે છે તેજ રીતે આ વાયરસના કારણે ફેફસામાં ગંભીર સંક્રમણ થઈ રહ્યુ છે. કોરોના જેમ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તેવીજ રીતે આ વાયરસ સંક્રમણથી ફેલાય છે.
આ બાબતે કોરોના કાળમાં અનેક દર્દિઓની સેવા કરનાર વિસનગરના જાણીતા ફીજીશીયન ર્ડા.કેતનભાઈ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, આ ઈન્ફ્લુએન્જાનો વેરીયન્ટ છે. H3N2 પ્રકારનો વાયરસથી થયેલી ઉધરસ લાંબા સમય સુધી હેરાન કરે છે. રૂટીન વાયરસની જેમ અઠવાડીયામાં ઉધરસ મટતી નથી. મહિના સુધી હેરાન કરે છે. ૧૦૦ એ એકાદ દર્દિમાં ઓક્સીજન લેવલ પણ ઓછુ કરે છે. સગર્ભા માતાઓ, નાના બાળકો તથા વૃધ્ધો ખાસ સાવચેતી રાખે તે જરૂરી છે. રૂટીન વાયરસમાં બજારમાંથી દવા લાવીને લેતા મટી જાય છે. પરંતુ ઈન્ફ્લુએન્ઝાના આ વેરીએન્ટના સંક્રમણનો ભોગ બનનાર તબીબની દેખરેખમાં સલાહ પ્રમાણે દવા લે તે જરૂરી છે. કોરોનાની ગાઈડલાઈનનુ જે રીતે પાલન કરતા હતા તે રીતે હાથ ધોવા, માસ્ક પહેરવુ અને ભીડમાં જવાનુ ટાળવાથી આ વાયરસના સંક્રમણનો ભોગ બનતા અટકી શકાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us