રાજસ્થાન સરકારના બે ડેમ બનાવવાના નિર્ણય સામે
- રાજસ્થાનની સઈ અને સાબરમતી નદી ઉપર નવા બુઢા માઢિયા ખાતે ડેમ બનાવવા કાર્યવાહી
- કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડેમનુ પાણી નહી રોકાય તેની ખાત્રી આપતા લોકોમાં હાશકારો
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે જેથી રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા ધરોઈ ડેમમાં પાણી લાવતી સઈ અને સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાં નવાબુઢા અને માઢિયા ખાતે બે ડેમ બનાવી ધરોઈ ડેમમાં આવતુ પાણી રોકવાની કોશીષ કરી રહ્યાના સમાચારો પ્રસિધ્ધ થયા હતા. ધરોઈ ડેમથી પીવાનુ પાણી મેળવતા સાત મોટા શહેરો અને ૭૦૦ ઉપરાંત ગામોમાં આ સમાચારો વાયુ વેગે પ્રસરતા લોકોમાં ભારે શંકા કુશંકાઓ જોવા મળી હતી. ખેરાલુના જાગૃત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા સમાચારો મળ્યાના ગણત્રીના કલાકોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધી પત્ર લખી ડેમનુ પાણી બચાવવા માંગણી કરી છે. ધરોઈડેમ એ ઉત્તર ગુજરાતની જીવાદોરી છે. આ ડેમ આધારે ૭ શહેરો અને ૭૦૦ ઉપરાંત ગામડાઓમાં પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવે છે. રાજસ્થાન ટી.વી.મીડીયા અને પ્રિન્ટ મિડીયા દ્વારા સમાચારો પ્રસિધ્ધ કરાયા કે, ધરોઈ ડેમના કેચમેન્ટ વિસ્તારની સઈ અને સાબરમતી નદી ઉપર નવા બુઢા અને માઢિયા ખાતે બે મોટા ડેમ બનાવવામાં આવશે. આ ડેમો બનાવવાથી ૧૮ ગામો વિસ્થાપિત થશે અને દોઢ લાખ લોકોની રોજગારી છીનવાઈ જશે. જેથી હજારો કરોડનુ નુકશાન થશે. છતાં રાજસ્થાન ની કોંગ્રેસ સરકારે ૨૫૦૦ કરોડના ખર્ચે બે ડેમ બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. આ બાબતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, રાજસ્થાનનુ પાણી ધરોઈ ડેમમાં આવતુ કોઈ રોકી શકે નહી તેવો કરાર ડેમ બન્યો ત્યારે થયો છે. ડેમ બન્યો ત્યારે ક્યા રાજ્યને કેટલુ પાણી મળશે તેની ટ્રીટ્રી (સંધી ) થયેલી છે. સાબરમતી નદીનુ પાણી રોકવાની પ્રવૃતિ રાજસ્થાન સરકાર કરી શક્તી નથી. કેન્દ્ર સરકારને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. તેમજ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ રાજસ્થાન સરકારને પત્ર લખી ડેમ બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.
ઉપરોક્ત બનાવ બાબતે ધરોઈ ડેમ જે વિસ્તારમાં આવ્યો છે તેવા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તા.૮-૮-૨૦૨૩ના રોજ પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે, ધરોઈ ડેમના ઉપરવાસમાં રાજસ્થાન સરકાર દ્વારા બે નદી ઉપર ડેમ બાંધવા રૂા.૨૫૦૦/- કરોડના ટેન્ડર બહાર પાડ્યા છે. ધરોઈ ડેમનો મુખ્ય સ્ત્રોત રાજસ્થાનનુ પાણી છે. રાજસ્થાન સરકાર બે નદી ઉપર ડેમ બાંધે તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના લોકોને પીવાનુ પાણી અને સિંચાઈનુ પાણી મેળવવામાં ખુબજ મુશ્કેલી પડે તેમજ ભવિષ્યમાં આ વિસ્તારના ખેડુતોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય તેમ છે. આ બાબતે ઘટતી કાર્યવાહી કરી જળસંપતી વિભાગ ન્યુ દિલ્હીને જાણ કરી કાર્યવાહી કરવી. સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યુ હતુ કે, આ રાજકીય સ્ટંટ છે. ડેમ બનાવવો શક્ય નથી.