Select Page

પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની કોંગ્રેસમાં ઘર વાપસી

ભાજપ અને આમ આદમી પાર્ટીમાં આંટો મારી આવ્યા બાદ

ચુંટણીઓમાં પક્ષ પલટો કરવાના કારણે હવે ગોંવિદભાઈ ગાંધી કયા પક્ષમાં જશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. સત્તા ટકાવી રાખવા ભાજપમા જોડાઈને ટીકીટ નહી મળતા આપને સ્વિકારી છેવટે ગોવિંદભાઈ ગાંધીએ પુર્વ મંત્રી તેમજ કોંગ્રેસ ના ઉમેદવાર કિરીટભાઈ પટેલના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસમા ઘર વાપસી કરી છે.
વિસનગર પાલિકાના પુર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલના હસ્તે પંજાનો ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પરંતુ લગ્ને લગ્ને કુવારાની જેમ ચુંટણીએ પક્ષ પલટો કરતા ગોવિંદભાઈ ગાંધી કોંગ્રેસમાં કયા સુધી રહેશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ગોવિંદભાઈ ગાંધી મુળ કોંગ્રેસના જેઓ પાટીદાર અનામત આંદોલન સમયે વિસનગર પાલિકાની ચુંટણીમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનમાં અપક્ષમાંથી ચુંટણી લડયા હતા. સવા વર્ષ પ્રજ્ઞાબેન પટેલ અને શકુન્તલાબેન પટેલના અઢી વર્ષના પ્રમુખકાળ બાદ ગોવિંદભાઈ ગાંધી પ્રમુખની ખુરશી સંભાળી હતી. જેની મુદત શરત પ્રમાણે સવા વર્ષની હતી. વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ઋષિભાઈ પટેલની જીત થતા પાલિકામાં હલચલ મચી હતી. વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનું લગભગ ભગવાકરણ નિશ્વીત હતુ. ત્યારે પ્રમુખની ખુરશી બચાવવા માટે ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાયા હતા. ગોવિંદભાઈ ગાંધીએ આવનાર પાલિકાની ચુંટણીમાં ભાજપની ટીકીટ માટેનું ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પાસેથી કમીટમેન્ટ પણ મેળવ્યુ હતુ. પરંતુ પાલિકાની ચુંટણીમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આપેલુ વચન પાળી નહી શકતા ગોવિંદભાઈ ગાંધીએ ભગવો ખેસ ઉતારી અપક્ષમાંથી ચુંટણી લડયા હતા અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપમાં સભ્ય નોધણી ઝુંબેશમાં પણ ગોવિંદભાઈ ગાંધીએ ભારે જહેમત ઉઠાવી હતી. વિધાનસભાની ચુંટણીમાં ભાજપે વિસનગર સીટમાં ઋષિભાઈ પટેલને રીપીટ કર્યા ત્યારે ધારાસભ્ય ને તેમના નિવાસસ્થાને
ગોવિંદભાઈ ગાંધી શુભેચ્છા પાઠવવા ગયા હતા તે ઘણાએ જોયું હતું પરંતુ બરોબર સેટીંગ નહી થતા કે ગમે તે કારણોસર છેવટે ગોવિંદભાઈ ગાંધીએ તેમના મુળ પક્ષમાં કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. ગોવિંદભાઈ ગાંધી આખા બોલા અને સ્વભાવે ભોળા છે. ત્યારે સોંગદખાઈ ભોળપણનો લાભ ઉઠાવી વારંવાર પક્ષ પલટો કરાવી તેમની રાજકીય કારર્કિદી કોઈ ખતમ કરાવી રહ્યુ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us