Select Page

ખેરાલુ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધિરનારી મંડળીના રૂા.૧.૦૩ કરોડના કૌભાંડમાં ૩૩ લોકો સામે ફરિયાદનો આદેશ

ખેરાલુ પ્રાથમિક શાળાઓના શિક્ષકની નાણાં ધીરનાર મંડળીમાં ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીના ઓડિટમાં રૂા.૧.૦૩ કરોડનુ કૌભાંડ પકડાયુ હતુ. જેમાં મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર ઉપર અનેક રાજકીય દબાણો આવ્યા હતા છતાં છેવટે જવાબદાર લોકો વિરૂધ્ધમાં ૩૦ દિવસમા ફરિયાદ નોંધાવા આદેશ કરતા પંથકના શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેરાલુ તાલુકા પ્રાથમિક શાળાઓની શિક્ષકોની નાણાં ધિરનારી મંડળીના હાલના પ્રમુખ અને વ્યવસ્થાપક કમિટિને આદેશ કર્યો છે કે, મંડળીમાં નાણાંકીય ગેરરીતી જણાયેલ હોવાથી કૃષિ અને સહકાર વિભાગની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે. જેથી ૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાનના હોદ્દેદારો સામે સબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેની એક નકલ મોલકી આપવી તેમજ ૩૦ દિવસમાં ફરિયાદ નોંધવામાં કસુર થાય તો હાલની કિમિટિને મદદગારીમાં ગણી જીલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે તેમ જણાવ્યુ છે. કૌભાંડ તો ક્યારનુએ ચાલતુ હતુ પરંતુ મંડળીમાં સમયસર પૈસા જમા થઈ જતા હતા. કોરોના કાળના લોક ડાઉન સમયે નાણાં મંડળીમાં સમયસર જમા ન થતા મંડળીના હોદ્દેદારોને શંકા ગઈ હતી તે પછી વર્ષ ૨૦૨૧-૨૨ની જનરલ પહેલા ઓડીટ કરાવવા માંગણીઓ થઈ હતી. જેથી વાર્ષિક અહેવાલમાં કલમ-૮૬ મુજબ થનારી તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫-૩-૨૦૨૨ના રોજ સ્પેશિયલ ઓડીટર એમ.એસ.પટેલ દ્વારા ઓડીટ પુર્ણ કરતા સમગ્ર કૌભાંડ ઉજાગર થયુ હતુ. સ્પેશિયલ ઓડીટરે જીલ્લા સહકારી રજીસ્ટ્રારને અહેવાલ સુપ્રત કર્યો હતો. જીલ્લા રજીસ્ટ્રારે ચોકસી અધિકારી તરીકે સુશિલ જૈનની નિમણુક કરી હતી. ચોકસી અધિકારી દ્વારા ૧-૪-૨૦૧૦ થી ૩૧-૩-૨૦૨૨ સુધીના હિસાબો ઓડીટ કરતા રૂા.૧,૦૩,૨૮,૫૦૪/-તફાવત જણાયો હતો. મંડળીના હાલના અને પુર્વે હોદ્દેદારો દ્વારા ૧૦-૫-૨૦૨૩ના રોજ જીલ્લા રજીસ્ટ્રાર સમક્ષ તફાવતની રકમ ભરવા ૧૦ દિવસની મુદ્‌ત માંગી હતી. ત્યારબાદ મંત્રી જસુભાઈ દેસાઈ દ્વારા રૂા.૬૦,૨૫,૫૩૭/-ની રકમ જમા કરાવી હતી. બાકીની રકમ રૂા.૪૩,૦૨,૯૬૭/- ભરવાના રહી ગયા છે. હવે રજીસ્ટ્રાર દ્વારા હુકમ કરી દેવાયો છે કે, ૩૩ જવાબદાર હોદ્દેદારો સામે ફરિયાદ દાખલ કરો.
કૈૌભાંડમા જે લોકોને કોઈ લાભ મળ્યો નથી તેવા ૩૩ પૈકી કેટલાક હોદ્દેદારોના પ્રેશરથી તફાવતની તમામ રકમ પોલીસ ફરિયાદ પહેલા ભરી દેવા દોડધામ શરૂ થઈ છે. જેની સામે ફોજદારી કાર્યવાહી થવાની છે તેવા લોકોમાં એક-બેને બાદ કરતા તમામ શિક્ષકો છે. જેથી વકીલની સલાહ પ્રમાણે ફરિયાદ દાખલ થાય તે પહેલા તફાવતના તમામ નાણાં મંડળીમાં ભરાઈ જાય તો આગોતરા જામીન લેવામાં સરળતા રહે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
જે ૩૩ હોદ્દેદારો સામે ફોજદારી ફરિયાદ થશે તેના નામો જોઈએ તો મંત્રી જસુભાઈ વિરસંગભાઈ દેસાઈ, હજુરજી જહાજી ઠાકોર, શૈલેષકુમાર સોમાભાઈ પટેલ, હેમરાજભાઈ મુળજીભાઈ ચૌધરી, મોંઘજીભાઈ ઘેમરભાઈ ચૌધરી, મુકેશભાઈ વેલજીભાઈ ચૌધરી, મધુકાન્તાબેન અમૃતલાલ રાવલ, ચમનજી કાનાજી ઠાકોર, બિપીનકુમાર જેઠાલાલ પટેલ, જીવાભાઈ નરસંગભાઈ ચૌધરી, ભીખીબેન ડાહ્યાભાઈ પટેલ, મહેશભાઈ વેલજીભાઈ ચૌધરી, ધર્મિષ્ઠાબેન મોંઘજીભાઈ દેસાઈ, ચંદુલાલ પુનાજી અસારી, કાનજીભાઈ કાળુભાઈ ચૌધરી, કમલેશકુમાર સોમાજી મકવાણા, પ્રહેલાદભાઈ પરષોત્તમભાઈ પરમાર, દશરથસિંહ જગતસિંહ ચૌહાણ, ભરતકુમાર મથુરભાઈ પટેલ, મનીષકુમાર બી.પટેલ, રાકેશકુમાર ગીરધરલાલ પટેલ, સારીકાબેન જીવણજી ઠાકોર, કિરણકુમાર દલસંગભાઈ ચૌધરી, જગતસિંહ હરિસિંહ ચૌહાણ, જયંતિભાઈ પ્રભુદાસ ચૌધરી, રજનીકાન્ત આહજીભાઈ પરમાર, ઈન્દ્રકુમાર છોટાલાલ પટેલ, દશરથજી છગાજી ઠાકોર, વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિ, સુંભાજી પુજાજી ઠાકોર, પીન્કીબેન શંકરલાલ પંચાલ અને નયનાબેન ડાહ્યાભાઈ પટેલ ઉપર ફોજદારી કાર્યવાહી થવાની શક્યતા છે.
બિન સત્તાવાર મળતી માહિતી મુજબ મંડળીમાંથી શિક્ષકો નાણાં ઉપાડી રહ્યા છે. નાણાં હાલ એક સાથે ન ઉપડી જાય તે માટે જ્યારે ફિક્સ ડિપોઝીટ પાકે ત્યારેજ નાણાં ચુકવવાનુ મૌખિક આદેશ હાલના સત્તાધારી સભ્યોએ કર્યાનું ચર્ચાય છે. જોકે મંડળી નાણાંકીય રીતે સધ્ધર હોવાથી બંધ થઈ જવાની નથી તેવુ પણ શિક્ષકોમાં ચર્ચા થઈ રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us