Select Page

પાલિકામાં ભાજપના સભ્યો શહેરના સ્વચ્છતા કાર્યક્રમમાં નિરસ

પાલિકામાં ભાજપના સભ્યો શહેરના સ્વચ્છતા કાર્યક્રમમાં નિરસ

સ્વચ્છતા એજ સેવા શ્રમદાન કાર્યક્રમની મીટીંગમાં કોઈ ફરક્યુ નહી

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી બાદ કમિટિઓની રચના માટેની મીટીંગ મળશે તેમાં લાભ લેવા માટે પાલિકાના ભાજપના તમામ સભ્યો હાજર રહેશે. પરંતુ શહેરની સ્વચ્છતામાં કોઈને રસ નથી. સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમની વિસનગર પાલિકામાં મીટીંગ મળી હતી. જેમાં એકત્રીસમાંથી પ્રમુખ સહિત ફક્ત ચાર સભ્યોએ હાજરી આપી હતી. કયા વિસ્તારમાં સફાઈ કરવી તે માટેની મીટીંગ હતી. શહેરની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે. ત્યારે જનતાની સુખાકારીના કાર્યક્રમ માટે પાલિકા સભ્યોને કોઈ રસ નથી. જેના કારણેજ શહેરમાં અનેક જગ્યાએ ગંદકી જોવા મળે છે.
પાર્ટીમાં મહેનત કરીને આગળ આવ્યા હોય તેમનેજ મળેલા હોદ્દાની કદર હોય. પરંતુ વગના આધારે ટીકીટ મેળવી રામના નામે પથરા તરે તેમ ભાજપના નામે ચુંટાઈ આવ્યા હોય તેવા ચુંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દાની કોઈ કદર હોતી નથી. વિસનગર પાલિકામાં ભાજપના મોટાભાગના સભ્યોને પોતાના હોદ્દાની, ભાજપની કે શહેરની જનતાની સુવિધા કે સુખાકારીની કંઈ પડી ન હોય તેમ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ છે. જેમની ઈચ્છા શક્તિથી સરકાર દ્વારા સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૧-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા એજ સેવામાં શ્રમદાન કાર્યક્રમ યોજવાનો હોઈ તેના આયોજન માટે તા.૨૭-૯-૨૦૨૩ ના રોજ પાલિકામાં મીટીંગ બોલાવવામાં આવી હતી. આ મીટીંગ માટે પાલિકા સભ્યોના વ્હોટ્‌સએપ ગૃપમાં તમામ સભ્યોને સાંજે ૪-૦૦ કલાકે હાજર રહેવા માટે જાણ કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં બે જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમ કરવાનો હતો. જેમાં શાળા કોલેજના તેમજ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા. સાંજે ૫-૦૦ કલાક સુધી ભાજપના મોટાભાગના સભ્યો નહી દેખાતા છેવટે ઈન્ચાર્જ પ્રમુખ વિષ્ણુજી ઠાકોરની અધ્યક્ષતામાં મીટીંગ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પીનાબેન શાહ, વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટ તથા પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદીએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં દરેક વોર્ડમાં બે જાહેર સ્થળોએ કેટલાક વ્યક્તિઓ સ્વચ્છતા એજ સેવામાં શ્રમદાન કરશે અને તેનુ પ્રતિનિધિત્વ કોણ કરશે તેની ચર્ચા કરવામાં આવી હતી. વિસનગરમાં અત્યારે ચારે કોર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાના કેસો પણ જોવા મળી રહ્યા છે. આવા કાર્યક્રમોથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છતા કરી શકાય તેમ હતી. પરંતુ ભાજપના સભ્યોને તો લાભ લેવાની પડી છે લોકોની સુખાકારીની ક્યા પડી છે? કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારમાં સરકારના આવા કાર્યક્રમો પુરા ઉત્સાહથી અને સફળ રીતે થવા જોઈએ. પરંતુ કાર્યક્રમોમાં હાજરી નહી આપવી એ સભ્યોની ખાસીયત છે. ભાજપના સભ્યોની આવી નિરસતાના કારણે વિકાસની ઘોર ખોદાઈ છે અને ચારે કોર ગંદકી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us