Select Page

ખોબલે ખોબલે મત આપનારના ફોન ઉપાડવાની ફુરસદ નથીમંત્રી ઋષિભાઈ પટેલ મેડિકલ હેલ્પલાઈનનુ વચન ક્યારે પાળશે?

આરોગ્ય મંત્રી વિસનગરના હોય ત્યારે ઈમરજન્સીમાં મેડિકલ સેવા મળી રહે તેવી સૌની અપેક્ષા હોયજ. પરંતુ ઘણા ખરા કિસ્સામાં મેડિકલ સેવા માટે ફોન ઉપડતા નહી હોવાનુ જાણવા મળ્યુ છે. ખોબલે ખોબલે મત આપનારના ફોન ઉપાડવાની ફુરસદ રહી નથી. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ મેડિકલ સેવા માટે હેલ્પલાઈન નંબરનુ આપેલુ વચન પાળે તેવી લોકો અપેક્ષા રાખીને બેઠા છે.
એક તરફ ઋષિભાઈ પટેલ મેડિકલ માટે અડધી રાત્રે ફોન કરવાનુ જણાવે છે ત્યારે તેમના અંગત પી.એ. ફોન ઉપાડતા નથી
વિસનગરને ઘણા વર્ષ બાદ મંત્રીપદ મળ્યુ છે. વિસનગરના લોકોએ ૨૭ વર્ષથી ભાજપ ઉપર વિશ્વાસ રાખ્યો ત્યારે તેના મીઠા ફળનો સ્વાદ ચાખવા મળે તેવી સૌની અપેક્ષા હોય. સવા વર્ષના મંત્રી પદ બાદ નવી સરકારમાં કેબીનેટ મંત્રી બન્યા પછી ઋષિભાઈ પટેલ સુધી પહોચવુ આસપાસના લોકોએ અઘરૂ કરી નાખ્યુ છે. વિસનગરમાં ઋષિભાઈ પટેલ આવે ત્યારે એજ સહજતા અને સરળતાથી લોકો મળી શકે છે. પરંતુ ગાંધીનગર કે બહાર કોઈ કાર્યક્રમમાં હોય ત્યારે કેબીનેટ મંત્રી સુધી મેસેજ પહોચાડવો કઠીન બની જાય છે. ખાસ કરીને ઈમરજન્સી તબીબી સારવારમાં વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ આરોગ્ય મંત્રીનો ઝડપી સંપર્ક કરવાની ફરજ પડે છે. ત્યારે કેબીનેટ મંત્રીના અંગત પી.એ. સચીનભાઈ દરજી ફોન ઉપાડતા નહી હોવાની મોટાભાગના લોકોની ફરિયાદ છે. શહેરના એક આગેવાનના સબંધી બહારગામથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. બે-ત્રણ દિવસ રજળપાટ બાદ પણ ઓપરેશન થયુ નહોતુ. આ આગેવાને મંત્રીના અંગત મદદનીશ સચીનભાઈ દરજીનો સંપર્ક કરતા એવો જવાબ મળ્યો હતો કે ધારાસભ્ય કાર્યાલય જઈને ઓનલાઈન અરજી કરાવો. હાર્ટની બીમારી કે અન્ય તબીબી ઈમરજન્સીમાં ઓનલાઈન અરજી કરવા જવાનુ? પછીજ સારવાર મળે એ કેવુ?
નોંધપાત્ર બાબત છેકે બે અઠવાડીયા પહેલા શહેર ભાજપ મહામંત્રી રણછોડભાઈ દેસાઈએ વિસનગર ધારાસભ્ય કાર્યાલયમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના લોકસંપર્ક દરમ્યાન રબારી સમાજના એક વ્યક્તિની સારવાર માટે ભલામણ કરી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મેડિકલ સારવારમાં રાહ નહી જોવાની અડધી રાત્રે ફોન કરવાનો. ત્યારબાદ ઋષિભાઈ પટેલે તાત્કાલીક અમદાવાદ સિવિલમાં ફોન કરી સારવારની વ્યવસ્થા કરાવી હતી. જ્યારે તેમના અંગત મદદનીશ ઓનલાઈન અરજી કરવાનો આગ્રહ રાખે છે. આરોગ્ય મંત્રી વિસનગરના હોવાથી બહારના લોકો સારવાર માટે વિસનગર ભાજપના આગેવાનોનો સંપર્ક કરે તે સામાન્ય બાબત છે. ત્યારે ફોન ઉપર જવાબતો શુ પણ ફોનજ ઉપડતા નહી હોવાથી આગેવાનો લાચાર પડી જાય છે.
સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવતા મંત્રી ઋષિભાઈ પટેલ સતત વ્યસ્ત રહેતા હોવાથી તેમનો ફોન રીસીવ ન થાય તે બનવા જોગ છે. પરંતુ તેમના અંગત પી.એ. એવા તો કયા કામમાં વ્યસ્ત હોય છેકે ફોન ઉપાડતા નથી. આરોગ્ય લક્ષી સેવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે એક હેલ્પલાઈન નંબર આપવાનુ વચન આપ્યુ હતુ. જે વચન પુરૂ કરે તો તાલુકાના લોકોને આરોગ્ય સેવા મળી રહે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts