Select Page

રોડની સાઈડમાં લોખંડની ગાર્ડ નહી લગાવતા અકસ્માતમાર્ગ મકાન વિભાગની બેદરકારીથી કાર કેનાલમાં પડી

રોડની સાઈડમાં લોખંડની ગાર્ડ નહી લગાવતા અકસ્માતમાર્ગ મકાન વિભાગની બેદરકારીથી કાર કેનાલમાં પડી

વિસનગર માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારી બાબુઓને ખીસ્સા ભરવાની પડી છે. પરંતુ લોકોના જાન માલની પડી નથી. કોન્ટ્રાક્ટરોના બીલો મંજુર થઈ જાય છે પરંતુ કામ પુરા થતા નહી હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. કડા રોડ ઉપર સાઈડમાં લોખંડના ગાર્ડ લગાવવામાં નહી આવતા વાહન ચાલક અર્ટીકા કાર સાઈડમાં લેવા જતા છેતરાયા હતા અને કાર કેનાલમાં પડી હતી. વિસનગર માર્ગ મકાન વિભાગની ઓફીસ ઉપર કોઈનો અંકુશ નહી હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ મનમાનીભર્યા વિકાસ કરી રહ્યા છે. જેમાં લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. વિકાસ કામ પુર્ણ નહી થવાના કારણે અકસ્માત થાય તો જવાબદાર સરકારી બાબુઓ ઉપર ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવો રોષ જોવા મળ્યો હતો.
જુની લોખંડની એંગલો કાઢી બારોબાર વેચી મારી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા
વિસનગર માર્ગ મકાન વિભાગની ભ્રષ્ટ નિતિ રીતીના કારણે વાહન ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે. વિસનગરથી કડા ગાંધીનગર રોડ ઉપર જમણી સાઈડે વરસાદી પાણીના નિકાલની કેનાલ પસાર થાય છે. અગાઉ ડબલ રોડ હતો ત્યારે કેનાલ તરફ રોડની સાઈડે લોખંડના ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ફોર લેન રોડની કામગીરીના કારણે લોખંડની એંગલો કાઢી લેવામાં આવી હતી. આ લોખંડની એંગલો બારોબાર વેચી મારી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનુ ચર્ચાય છે. આમ પણ માર્ગ મકાન વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેની સૌની ખબર છે છતા ભાજપ સરકાર ભ્રષ્ટાચાર રોકી શકતી નથી.
આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાડીના સામેના ભાગેથી દર્શન હોટલ આગળ થઈને અંધજન મંડળ સામેના સદુથલા રોડ સુધી કેનાલ આવેલી છે. ત્યારે ફોરલેન રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતા કેનાલ બાજુ રોડની સાઈડમાં લોખંડની ગાર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે અજાણ્યા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તા.૬-૪-૨૦૨૩ ના રોજ એક નવી રજીસ્ટર્ડ નંબર વગરની અર્ટીકા લોખંડના ગાર્ડના અભાવે કેનાલમાં પડી હતી. કારમાં બેઠેલા મુસાફરોને ઈજા થતા નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કેનાલમાં કાર પડેલી જોઈ રોજીંદી અવરજવર કરતા લોકોએ માર્ગ મકાન વિભાગની અધૂરી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પહેલા લોખંડના ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તો નવો ફોરલેન રોડ બન્યા બાદ કેમ ગાર્ડ લગાવવામાં આવ્યા નથી તેવા પ્રશ્નો થયા હતા. નવાઈની બાબત તો એ છેકે સાઈડમાં કેનાલ છે તેવી ચેતવણી આપતુ સાઈન બોર્ડ પણ મુકવામાં આવ્યુ નથી. માર્ગ મકાન વિભાગ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જુની લોખંડની એંગલો કાઢવામાં આવી હતી તેનો કોઈ હિસાબ નહી હોવાની અને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ચર્ચા કરતા અકસ્માત સ્થળે માર્ગ મકાન વિભાગ વિવાદોમાં ઘેરાયુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us