કોંગ્રેસ અને વિકાસમંચના શાસનને સારૂ કહેવડાવ્યુખોબલે ખોબલે મત મેળવનાર ભાજપ પાલિકા થકી વિકાસ કરવામાં નિષ્ફળ
તંત્રી સ્થાનેથી…
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થયેલા પક્ષના પગપેસારાથી સ્થાનિક લેવલે વિકાસની ઘોર ખોદાઈ છે. પક્ષના સીમ્બોલ ઉપર ચુંટણી લડાતી હોવાથી મેન્ડેટ લેવા માટે જે રીતે પુંછડી પટપટાવામાં આવે છે તેના કારણે નિવૃત્ત અધિકારીઓ, સારા વેપારીઓ તથા બુધ્ધીજીવી વર્ગના લોકો ચુંટણીથી અળગા રહે છે. વિસનગર પાલિકામાં વર્ષો પહેલા શીવાકાકા, આર.ટી.મણીયાર, સાંકળચંદ કાકા જેવા આગેવાનોની છત્રછાયામાં ચુંટણી થતી હતી. જેમાં અનુભવી, બુધ્ધીજીવી વર્ગના લોકો ચુંટણીમાં ઉમેદવારી કરતા હતા. જે આગેવાનો ચુંટાતા હતા અને સ્વભંડોળની ઓછી આવક તથા સરકારની સામાન્ય ગ્રાન્ટમાંથી પણ અભૂતપૂર્વ વિકાસ કરી બતાવતા હતા. પરંતુ જ્યારથી પક્ષના સીમ્બોલથી ચુંટણીની શરૂઆત થઈ ત્યારથી સારા આગેવાનો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીથી અળગા થતા ગયા અને હાલમાં ભાજપના શાસનમાં જે અવદશા જોવા મળી રહી છે તે દશા થઈ. વિસનગર પાલિકામાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી કોંગ્રેસ અને વિકાસમંચનુ શાસન હતુ. જેમાં અપક્ષ વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૧૨ સભ્યો હતા. જેમની ઉપર સંકલન સમિતિના સભ્યોની નજર હતી. ગઠબંધનના શાસન દરમ્યાન પ્રજ્ઞાબેન પટેલ, શકુન્તલાબેન પટેલ તથા ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખ કાળમાં અભૂતપૂર્વ વિકાસ કામ થયા. પાલિકામાં કોંગ્રેસ અને વિકાસમંચનુ શાસન તેમજ રાજ્ય સરકારમાં ભાજપનુ શાસન હોવાથી કોઈ સહકાર નહોતો. છતા આવડત, અક્કલ અને હોશીયારીથી ગઠબંધનના શાસને વિકાસ કરી બતાયો. ગઠબંધનના શાસનમાં અલગ અલગ પક્ષના સભ્યો હતા છતાં વિકાસની વાત આવે ત્યારે એક થઈ જતા હતા. અત્યારે વિસનગર પાલિકામાં ભાજપના સભ્યોની સંખ્યા ૩૧ ની છે. સ્પષ્ટ બહુમતી છે. ભાજપના સીમ્બોલથી સભ્યો ચુંટાયા છે. તેમ છતાં અંદરોઅંદર એટલો વિખવાદ છે કે જેના કારણે વિકાસ કામ આગળ વધતા નથી. પાલિકાની ચુંટણી બાદ દોઢ વર્ષ કોરોના મહામારીના કારણે બગડ્યુ. હાલમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે, પરંતુ પાલિકામાં જુથવાદ અને વિખવાદના વાયરસના સંક્રમણના કારણે મોટાભાગના સભ્યો પોઝીટીવ છે. ટેન્ડરોમાં મળતીયા કોન્ટ્રાક્ટરો માટે કરવામાં આવતા પ્રયત્નોના કારણે સારા કોન્ટ્રાક્ટરો કામ કરવા માગતા નથી. સભ્યોના મળતીયા કોન્ટ્રાક્ટર કામ કરતા નથી. જે કોન્ટ્રાક્ટરોને પાલિકા તંત્ર કહી શકતુ નથી. જેના કારણે મહત્વના વિકાસ કામ થતા નથી. ઘુસેલી કમિશન પ્રથાએ ઉધઈની જેમ વિકાસને કોરી ખાધો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના શહેરની પાલિકામાં ભલે કરોડોના ટેન્ડરીંગ થતા હોય, પરંતુ ખોખલો વિકાસ છે. પાલિકાની ચુંટણીમાં ઋષિભાઈ પટેલ તથા ભાજપના આગેવાનોએ સભાઓ ગજવીને વિસનગર શહેરના અભૂતપૂર્વ વિકાસનો ચિતાર મતદારો સમક્ષ મુકી દીધો હતો. મતદારો ભ્રમમાં આવીને ખોબલે ખોબલે મત આપ્યા અને ભાજપના ૩૧ સભ્યોના હાથમાં વિસનગર પાલિકાનુ સુકાન સંભાળવા આપ્યુ. ત્યારબાદ પાલિકાની જે દશા થઈ છે તે સૌની નજરમાં છે. ભાજપ શાસીત પાલિકાના સભ્યો ઉપર કોઈ અંકુશ નથી. શહેરમાં મહત્વના વિકાસ કાર્યો થાય તેની કોઈને પડી નથી. કોન્ટ્રાક્ટરોની તરફદારી કરાવાવાળા સભ્યો છે, પરંતુ વિકાસ કામની તરફદારી કરવાવાળા સભ્યો નથી. સ્પષ્ટ બહુમતી ધરાવતા ભાજપના નિષ્ફળ શાસનના કારણે કોંગ્રેસ અને વિકાસમંચનુ ગઠબંધનનુ શાસન સારૂ હતુ તેવુ હવે જાહેરમાં સાંભળવા મળી રહ્યુ છે. પાલિકાના શાસન ઉપર દેખરેખ રાખનાર કોઈ નથી. વિસનગરની પ્રજા પીડાઈ રહી છે ત્યારે ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી કરનાર ભાજપના આગેવાનો સત્તાનો નશો માણી રહ્યા છે.