Select Page

વિસનગરમાં રાજકીય ડખલગીરીના કારણે ટીડીઓ ટક્તા નથી

વિસનગરમાં રાજકીય ડખલગીરીના કારણે ટીડીઓ ટક્તા નથી


વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ બદલાતા અથવા ટી.ડી.ઓ વારંવાર રજા ઉપર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસકામો વિલંબિત થાય છે. વિસનગરમાં રાજકીય આગેવાનોની ખોટી ડખલગીરીના કારણે એકાદ બાદ કરતા કોઈ ટી.ડી.ઓ લાંબો સમય ટક્તા નથી કે ટકવા દેવામાં આવતા નથી. ત્યારે ધારસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરમાં રહેવામાગતા હોય તેવા કાયમી કે ઈન્ચાર્જ ટી.ડી.ઓની નિમણુક કરે તેવી તાલુકાના આગેવાનોની લાગણી છે.
ટી.ડી.ઓ.મેઘાબેન ભગતનેકોરોનાની અસર થતા તેઓ રજા ઉપર ઉતર્યા છે. પરંતુ રાજકીય ડખલગીરીના કારણે હવે તેઓ વિસનગરમાં લાંબુ ટકે તેમ ન હોવાની ચર્ચા
વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.ની ખુરશીમાં રાજકારણની પનોતી બેઠી હોય તેમ છેલ્લા ઘણાસમયથી કાયમી કે ઈન્ચાર્જ કોઈ ટી.ડી.ઓ. લાંબો સમય ટકતા નથી. વિસનગરમાં રાજકીય ડખલગીરીના કારણે વાતાવરણની જેમ વારંવાર ટી.ડી.ઓ બદલાય છે. જેના કારણે સરકારની વિવિધ ગ્રાન્ટો અને યોજનાઓમાં ગામડામાં થતા વિકાસકામોમાં વિલંબ થાય છે. મનરેગા યોજનાના કામો તો થતા જ નથી. અત્યારે તાલુકા પંચાયતના કાયમી ટી.ડી.ઓ મેઘાબેન ભગત કોરોનાની બિમારીના કારણે તા.૧૮-૩-૨૦૨૩ના રોજથી રજા ઉપર ઉતર્યા છે. જેમની જગ્યાએ મહેસાણાના વહીવટી કુશળ નાયબ ટી.ડી.ઓ મનુભાઈ એમ.પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મનુભાઈ પટેલે છેલ્લા બે વર્ષમાં ચાર થી પાંચ વખત ટી.ડી.ઓ.નો ચાર્જ સંભાળ્યો છે. ટી.ડી.ઓ. મેઘાબેન ભગત તાલુકા પંચાયતની વહીવટી કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. કોઈપણ આગેવાનની ખોટી ભલામણ ચલાવતા નથી. જોકે વિસનગર તાલુકો કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારનો તાલુકો હોવાથી તેઓ ગામડાના વિવાદીત પ્રશ્નોનો ઉકેલ લાવવા તાલુકા પંચાયતના હોદ્દેદારોનુ ધ્યાન દોરે છે. ત્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારો દરેક વિવાદનો ઉકેલ લાવવામાં સક્ષમ હોવા છતાં ગમે તે કારણે અત્યારે તેઓ વિવાદીત પ્રશ્નોનો ઉકેલ લાવી શક્તા નથી. જેથી પંચાયતધારાના નિયમો મુજબ તાલુકા પંચાયતનો વહીવટ કરવામાં ટી.ડી.ઓ.નુ મનોબળ તુટી જાય છે. વિસનગરમાં બહારના આગેવાનોની ખોટી ડખલગીરીના કારણે ભાજપ સાશિત તાલુકા પંચાયતમાં કોઈ ટી.ડી.ઓ. લાંબો સમય ટકતા નથી. અગાઉ કોંગ્રેસના સાશનમાં ઈન્ચાર્જ ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરીએ આશરે પોણા ત્રણ વર્ષ તાલુકા પંચાયતનો વહીવટ કર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ટી.ડી.ઓ. બદલાતા નહતા. જ્યારે ભાજપના શાસનમાં વાતાવરણની જેમ ગમે ત્યારે ટી.ડી.ઓ. કેમ બદલાય છે. તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તાલુકા પંચાયત દ્વારા થતા વિકાસકામો અને વહીવટમાં ખોટી ડખલગીરી કરનાર કાર્યકરોને અંકુશમા નહી લાવેતો આવનારી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં તેની વિપરીત અસર જોવા મળશે. મેધાબેન ભગત જેવા વહીવટી કુશળ બાહોશ કાયમી ટી.ડી.ઓ. બદલાતા રહેશે અને મહેસાણાના નાયબ ટી.ડી.ઓ. મનુભાઈ પટેલ જાણે બદલી અધિકારી હોય તેમ વિસનગરમાં ટી.ડી.ઓનો ચાર્જ સંભાળતા રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us