પહેલા એકબીજાની ઓફીસ ઉપર જવાબદારી ઢોળી અરજદારને ફેરવ્યામાર્ગ મકાન વિભાગે માહિતી અધિકાર કાયદાના ધજીયા ઉડાડ્યા
વિસનગર માર્ગ મકાનની પેટા વિભાગ ઓફીસનો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. એક અરજદાર દ્વારા માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી માગવામાં આવી હતી. ત્યારે માર્ગ મકાન વિભાગે માહિતી અધિકારના કાયદાના ધજીયા ઉડાડ્યા છે. પ્રથમ માહિતી આપતી ઓફીસેથી આપવાની થાય છે તેમ એક બીજાની ઓફીસ ઉપર જવાબદારી નાખવામાં આવી. ત્યારબાદ અરજદારે અપીલ કરતા લાગતી વળગતી પાર્ટીઓની સંમતી વગર માહિતી આપી શકાય નહી તેવો ઉડાઉ જવાબ આપતા અરજદારે હવે ઉઠા ભણાવતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને શબક શીખવવા મન બનાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
માર્ગ મકાન પેટા વિભાગ વિસનગરની ઓફીસમાં લાલ કલરની નોટો બતાવ્યા વગર કામ થતુ નહી હોવાની ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે. લાલ કલરની નોટો જોઈ વિસનગરનુ અહીત થતી મંજુરી આપવામાં પણ વિચારતા નથી. વિસનગરના વરસાદી પાણીનો નિકાલ કરતા વહેળા ઉપર એપ્રોચ રોડ બનાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે મંજુરીની આડમાં વહેળામાં પાઈપલાઈન નાખવામાં આવી છે. ત્યારે પાલિકાના પૂર્વ કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલે અલગ અલગ ત્રણ સર્વે નંબરના માલિકોને એપ્રોચ રસ્તા માટે શરતો સાથે આપેલ પરવાનગી, પરવાનગી માટે અન્ય કચેરીઓની મેળવેલ એન.ઓ.સી. તથા એન.ઓ.સી. માટે કરેલ કાર્યવાહીની વિગતો તથા નકલો મેળવવા માટે તા.૧૩-૨-૨૦૨૩ ના રોજ માર્ગ મકાન વિભાગ મહેસાણાની ઓફીસમાં આર.ટી.આઈ. કરી હતી. જેમાં મહેસાણા ઓફીસ દ્વારા તા.૧૭-૨-૨૦૨૩ ના પત્રથી નકલો આપવા માટે વિસનગર ઓફીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૨-૨-૨૦૨૩ ના પત્રથી વિસનગર ઓફીસે મહેસાણા ઓફીસને પત્ર લખી નકલો આપવા જાણ કરી હતી. તા.૩-૩-૨૦૨૩ ના પત્રથી મહેસાણા ઓફીસે વિસનગર ઓફીસને પત્ર લખ્યો હતો કે, એપ્રોચ રસ્તા માટેની આપની ઓફીસ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. આ રેકર્ડ વિસનગરની કચેરી પાસે ઉપલબ્ધ હોવાથી સમયમર્યાદામાં અરજદારને માહિતી પુરી પાડવી. આ પત્ર મળ્યા બાદ તા.૬-૩-૨૦૨૩ ના રોજ વિસનગર ઓફીસ દ્વારા મહેસાણા ઓફીસને પત્ર લખવામાં આવે છેકે એપ્રોચ રસ્તાની પરવાનગી આપની કક્ષાએથી આપવામાં આવી હોવાથી અરજદારને માગેલ માહિતી પુરી પાડવી. આમ તા.૧૩-૨ થી તા.૬-૩ એમ કુલ ૨૨ દિવસ માર્ગ મકાન વિભાગની બન્ને ઓફીસોએ માહિતી આપવા એક બીજા ઉપર જવાબદારી નાખી અરજદારને ફેરવ્યા હતા. છેવટે ફુલચંદભાઈ પટેલે અપીલ સત્તાધિકારી અને અધિક્ષક ઈજનેરશ્રીને અપીલ કરી હતી. જે અપીલ બાદ માર્ગ મકાન વિભાગ મહેસાણાએ જે ત્રણ સર્વે નંબરોમાં એપ્રોચ રસ્તાની મંજુરી આપી છે તેમને તા.૩-૪-૨૦૨૩ થી પત્ર લખી આપની સંમતિ વગર અરજદારને માહિતી આપી શકાય નહી કે જાહેર કરી શકાય નહી. માટે એપ્રોચ રસ્તાની પરવાનગી લગત માહિતી અરજદારને આપવી કે નહી તે બાબતે લેખીત રજુઆત સંમતી મોકલી આપવા માટે જાણ કરવામાં આવી છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા અરજદારને એપ્રોચ રસ્તાની મંજુરી આપવા માટે જે રીતે ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે તે જોતા કહી શકાય કે મંજુરીમાં જરૂર કંઈક રંધાયુ છે. સરકારે લોકોને રાઈટ ટુ ઈન્ફર્મેશનનો હક્ક આપ્યો છે ત્યારે માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચારી બાબુઓ આ કાયદાની ફજેતી કરી રહ્યા હોવાનુ જોવા મળે છે.