Select Page

મંત્રી ઋષિભાઈ પટેલની મેરેથોન મીટીંગથી હેરિટેજ કોલેજની ટીએસ મંજુર

મંત્રી ઋષિભાઈ પટેલની મેરેથોન મીટીંગથી હેરિટેજ કોલેજની ટીએસ મંજુર

સચિવાલય ઓફીસમાં અધિકારીઓ સાથે સતત બે કલાક ચર્ચા કરી તમામ પ્રશ્નનો નિકાલ કરાયો

વિસનગરની એમ.એન.કોલેજના હેરિટેજ લુક સાથે રિનોવેશનની વહિવટી મંજુરી બાદ બે વર્ષથી કામગીરી આગળ વધતી નહોતી. ત્યારે લોકસંપર્કના દિવસે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ગાંધીનગર સચીવાલય ઓફીસમાં સતત બે કલાક અધિકારીઓ સાથે મીટીંગ કરી તમામ વહિવટી પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. કેબીનેટ મંત્રીની આ કામગીરી જોઈ ઉચ્ચ શિક્ષણ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ આવાક થઈ ગયા હતા.
ગુજરાત સરકારે રાજ્યની પાંચ સરકારી કોલેજોને હરિટેજનો દરજ્જો આપી આ કોલેજના રિનોવેશન માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂા.૧૦ કરોડની મંજુરી આપી હતી. હેરિટેજ કોલેજમાં વિસનગરની એમ.એન. કોલેજને સ્થાન આપી કોલેજના રિનોવેશન માટે રૂા.૨.૩૮ કરોડ ફાળવ્યા હતા. કોલેજના જુના બીલ્ડીંગના સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા વગર રિનોવેશન કરવાનુ હોવાથી હેરિટેજ બાંધકામના અનુભવી આર્કિટેક દ્વારા એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યો હતો. વહિવટી મંજુરી મળી ગઈ હતી પરંતુ માર્ગ મકાન વિભાગ પાસે તાંત્રીક મંજુરી લેવાની થતી હતી. જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ખોટી હેરાનગતીથી એક વર્ષ નિકળી ગયુ હતુ. વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂા.૩૩૩ લાખ, ત્યારબાદ વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માં ક્રમાનુસાર ૩૩૩ લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાં એમ.એન.કોલેજને કેટલા ફાળવ્યા તે બહાને માર્ગ મકાન વિભાગ ખોટો સમય બગાડતા હતા.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ તેમના મત વિસ્તારમાં ચાલતા કામોનો સમયાંત્તરે રીવ્યુ લેતા હેરિટેજ એમ.એન. કોલેજની કામગીરી અધિકારીઓની ખોટી ચસમપોશીમાં અટવાઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારે તા.૨૩-૫-૨૦૨૩ ને મંગળવારના રોજ લોકસંપર્કના દિવસે ગાંધીનગર સચીવાલય ઓફીસમાં મંત્રીશ્રીએ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બોલાવી સતત બે કલાક મેરેથોન મીટીંગ કરી હતી. આ મીટીંગમાં તમામ નડતરરૂપ વહિવટીય પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતા તેજ દિવસે સાંજે હેરિટેજ રિનોવેશન કામગીરી માટે તાંત્રીક મંજુરી આપવામાં આવી હતી. આ મીટીંગમાં એમ.એન.કોલેજમાં પ્રિન્સીપાલ આર.ડી.મોઢ પણ હાજર રહ્યા હતા. હેરિટેજ કોલેજો માટે વહિવટી મંજુરી મળવા છતા છેલ્લા બે વર્ષથી કાર્યવાહી આગળ વધતી નહોતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલની અધિકારીઓ સાથેની મેરેથોન મીટીંગના કારણે તાંત્રીક મંજુરી મળતા હવે ટેન્ડરીંગ થશે અને રિનોવેશન કામગીરી શરૂ થશે. લોકસંપર્કના દિવસે એક તરફ મુલાકાતીઓનો મેળો જામેલો હતો. ચેમ્બરમાં ૪૦ થી ૫૦ મુલાકાતીઓ બેઠા હતા. ત્યારે મંત્રીશ્રીની આ મીટીંગને લઈ અધિકારીઓ આવાક થયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us