કાર્યકરોએ જવાબ માગ્યો-પહેલા અમારા કામનો રિપોર્ટ આપો
વિસનગર ભાજપ બુથ સમિતિની નિરસ કામગીરી
વિસનગરમાં શહેર-તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શહેર અને તાલુકાના ગામોના હોદ્દેદારો અને મુખ્ય કાર્યકરોને બુથ સમિતિ બનાવવા જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં બુથ સમિતીનુ કામ કરનાર હોદ્દેદારો પાસે પ્રમુખે કામગીરીનો રિપોર્ટ માગતા કેટલાક હોદ્દેદારો તો એવો જવાબ આપી રહ્યા છે કે, તમે અમારા કામનો રિપોર્ટ માગો છો તો અમારા એકેય કામ કેમ થતા નથી તેનો પહેલા તમે રિપોર્ટ આપો. હોદ્દેદારોના આવા જવાબ સાંભળી પ્રમુખના પણ મોં સિવાઈ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે.
તાજેતરમાં કર્ણાટક વિધાનસભાની ચુંટણી પરિણામોમાં ભાજપને મોટો ફટકો પડતા ગુજરાતમાં ભાજપ સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. ભાજપના પ્રદેશના નેતાઓ આવનારી લોકસભા-૨૦૨૪ની ચુંટણીમાં ભાજપનો તમામ (૨૬) બેઠકો ઉપર વિજય મેળવી ફરીથી કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવા કટિબધ્ધ બન્યા છે. ભાજપ દ્વારા તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજી સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોનો ઉત્સાહ વધારી રહ્યા છે. વિસનગર શહેર-તાલુકા ભાજપ દ્વારા ભાજપના બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ અંતર્ગત શહેર અને તાલુકાના ગામોના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરોને બુથ સમિતિ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. બુથ સમિતિનુ કામ ક્યાં પહોચ્યું તેનો રિપોર્ટ લેવાની જવાબદારી શહેર અને તાલુકાના પ્રમુખોની છે. ત્યારે પ્રમુખ પોતાની જવાબદારી નિભાવવા બુથ સમિતિનુ કામ કરનાર સ્થાનિક હોદ્દેદારો પાસે કામગીરીનો રિપોર્ટ માગી રહ્યા છે. જેમાં કેટલાક હોદ્દેદારો બુથ સમિતિની કામગીરીનો રિપોર્ટ આપવાને બદલે એવો સણસણતો જવાબ આપી રહ્યા છે કે, અમે પાર્ટીના દરેક કાર્યક્રમોમાં રાત-દિવસ નિષ્ઠાપુર્વક મહેનત કરીએ છીએ. કોઈપણ ચુંટણીમાં મતદારોને રિઝવવા તેમને હાથ જોડીએ છીએ. તેમના કામો પુરા કરવાનુ વચન આપીએ છીએ. છતાં અમારૂ કોઈ કામ થતુ નથી. જો તમે તમારી કામગીરીનો અમારી પાસે રિપોર્ટ માગો છો તો પછી અમારા વિસ્તારના એકેય કામ કેમ થતા નથી તેનો તમે પહેલા રિપોર્ટ આપો. અમારા વિસ્તારનુ કોઈ કામ થતુ ન હોય તો અમે કયા મોંઢે લોકો આગળ ફરીથી જઈએ. સ્થાનિક હોદ્દેદારોના આવા જવાબો સાંભળી બંન્ને પ્રમુખના પણ મોં સિવાઈ ગયા હતા. અત્યારે વિસનગર ભાજપ સંગઠનમાં હોદ્દેદારો અને કાર્યકરોમાં કોઈ કામો નહી થતા ભારે નારાજગી ઉભી થઈ છે. જો કાર્યકરોની નારાજગી દુર કરવામાં નહી આવે તો આવનારા સમયમાં શહેર-તાલુકા ભાજપ સંગઠનમાં મોટો વિસ્ફોટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના નારાજ હોદ્દેદારો ગ્રૃપ બનાવી એક સાથે સામુહિક રાજીનામા આપવાનો તખ્તો ગોઠવી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે.