Select Page

રૂા.૨૦૦૦ ની નોટ રદ કરી ફરી ભ્રષ્ટાચાર વિરોધી સર્જીકલ સ્ટ્રાઈક

રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી બાદ ઈન્કમટેક્ષ વિભાગની નોટીસો ભુલતા નહી

તંત્રી સ્થાનેથી…

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તા.૧૯-૫-૨૦૨૩ ના રોજ ભારત દેશના ચલણમાંથી રૂા.૨૦૦૦ ની નોટ પાછી ખેચવાના પરિપત્રથી દેશમાં ફરી વર્ષ ૨૦૧૬ ની નોટબંધીનો માહોલ ઉભો થયો છે. ૮ નવેમ્બર ૨૦૧૬ ની રાત્રે ૮-૦૦ કલાકે “મેરે પ્યારે દેશવાસીઓ”થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કરી રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધીની જાહેરાત કરતાજ અફડા તફડી સર્જાઈ હતી. જોકે રૂા.૨૦૦૦ ની નોટબંધીમાં અગાઉની નોટબંધીની જેમ દેશની જનતા હેરાન ન થાય તેનો ખાસ ખ્યાલ રાખ્યો છે. રૂા.૨૦૦૦ ની નોટ ૩૦  મી સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. બેંકમાં રૂા.૨૦૦૦ ની નોટ ભરવા તેમજ બદલવા માટે પુરતો સમય આપવામાં આવ્યો છે. રૂા.૨૦૦૦ ની બેંક ખાતામાં ગમે તેટલી નોટ ભરી શકાશે અને રોજ રૂા.૨૦,૦૦૦ ની મર્યાદામાં એટલે કે ૨૦૦૦ ની ૧૦ નોટ બેંકમાંથી બદલી શકાશે. નવેમ્બર ૨૦૧૬ માં નોટબંધી કરી ત્યારે નાણાંકીય વ્યવહાર ખોટવાય નહી તે માટે સરકાર દ્વારા ૨૦૦૦ ની નોટ બહાર પાડી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮-૧૯ માંજ ૨૦૦૦ ની નોટ પ્રીન્ટ કરવાનુ બંધ કર્યુ હતુ. આ વખતે નોટબંધી ક્લીન નોટ પોલીસી અંતર્ગત કરવામાં આવી હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. એક સર્વે પ્રમાણે ૨૦૨૩ ની સ્થિતિએ દેશના કુલ ચલણમાં ૩.૬૨ લાખ કરોડ એટલે કે ૧૦.૮ ટકા રૂા.૨૦૦૦ ચલણી નોટ સ્વરૂપમાં હતી. રીઝર્વે બેંકે તેના આદેશમાં ૨૦૦૦ ની નોટ નહી આપવા બેંકોને આદેશ કરી દીધો છે. ૨૦૧૬ ની નોટબંધી બાદ રોકડની વિશ્વસનીયતા ઉપર અસર ન થાય તે માટે ૨૦૦૦ ની નોટ બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી બજારમાંથી ૨૦૦૦ ની નોટ નાણાંકીય વ્યવહારમાંથી અદ્રશ્ય થઈ હતી. કાળુ નાણું ધરાવતા મોટાભાગના લોકો રૂા.૨૦૦૦ ની નોટનો સંગ્રહ કરતા હતા. દેશમાં ઈડી દ્વારા પાડવામાં આવેલ દરોડામાં બ્લેક મનીમાં મોટાભાગનો હિસ્સો રૂા.૨૦૦૦ ની નોટમાં જોવા મળતો હતો. ચુંટણીની આચારસંહિતામાં પકડાયેલ નાણામાં પણ મોટે ભાગે રૂા.૨૦૦૦ ની નોટો જોવા મળતી હતી. બ્લેક મનીના મોટા વ્યવહારોમાં કોથળા અને બોક્ષમાં રૂા.૨૦૦૦ ની નોટોનીજ હેરાફેરી થતી હતી. આમ ૨૦૦૦ ની નોટોથીજ કાળા નાણાંની સંગ્રહખોરી થતી હતી. ત્યારે ભારતીય રીઝર્વ બેંક દ્વારા રૂા.૨૦૦૦ ની નોટો પાછી ખેચી લેવાની જાહેરાત ભ્રષ્ટાચાર વિરોધી સર્જીકલ સ્ટ્રાઈક હોવાનુ પણ કહેવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાનમાં ઈન્ડીયન ફેક કરન્સીનું મોટુ બજાર છે. રૂા.૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધીના પાંચ વર્ષ બાદ પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મુકી છે. પાકિસ્તાનના લોકો ઘઉંના લોટ માટે લાઈનોમાં ઉભા છે. પેટ્રોલ ડીઝલ મોંઘુ બની ગયુ છે તેની પાછળ નોટબંધીની અસર હોવાનું માનવામાં આવે છે. ૨૦૦૦ ની નોટબંધીની પણ લાંબા સમયે પાકિસ્તાન ઉપર અસર જોવા મળશે. જોકે બેંકમાં રૂા.૨૦૦૦ ની નોટ બદલવામાં કોઈ ડેક્લરેશન નહી માગતા શાસક પક્ષે ભ્રષ્ટાચારને પોષવા માટે નિર્ણય કર્યો હોવાનુ વિરોધ પક્ષ દ્વારા સ્ટેટમેન્ટ કરવામાં આવી રહ્યુ છે. વર્ષ ૨૦૧૬ ની નોટબંધીમાં જન ધન ખાતાના ધારકોને લાઈનમાં ઉભા રાખીને પૈસા પાત્ર લોકોએ નોટો બદલાવી હતી. આ વખતની રૂા.૨૦૦૦ ની નોટબંધીમાં બેંકમાં નોટો જમા કરાવવા કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. જેથી બ્લેક મનીમાં રહેલી રૂા.૨૦૦૦ ની નોટો જમા કરાવવા ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા લોકોના બેંક ખાતામાં નોટો જમા કરાવવા માટેના પેતરા થશે. વર્ષ ૨૦૧૬ ની નોટબંધી બાદ જેમના ખાતામાં મોટી રકમ જમા થઈ હતી તે ઈન્કમટેક્ષના રડારમાં આવતા પાછળથી ખુલાસા કરવાનો સમય આવ્યો હતો. રૂા.૨૦૦૦ ની નોટબંધીમાં પણ જેમના ખાતામાં મોટી રકમ જમા થઈ હશે તેમને પાછળથી ઈન્કમટેક્ષ વિભાગ પુછે કે આટલી રકમ ક્યાંથી આવી તો નવાઈ નહી કહેવાય. જેમણે મોટી સંખ્યામાં રૂા.૨૦૦૦ ની નોટો જમા કરાવી હોય તેવા ખાતાધારકોની બેંક પાસે ઈન્કમટેક્ષ વિભાગ માહિતી માગીને ખુલાસો પુછી શકે છે. જેથી કમિશનની, મદદ કરવાની કે અન્ય લાલચમાં આવી અન્ય કોઈની રૂા.૨૦૦૦ ની નોટો ખાતામાં જમા કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us