Select Page

ખેરાલુ એસ.ટી.ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા ધરમ ધક્કા

  • વિદ્યાર્થીનીઓના મફત પાસ કઢાવવામાં વધારાના નાણાં પડાવતી સ્કુલો-કોલેજોની ચર્ચા
  • ઓન લાઈન પાસ નિકળે તેવી વ્યવસ્થા કયારે કરાશે ?

ખેરાલુ એસ.ટી ડેપોમાં વિદ્યાર્થી પાસ કઢાવવા માટે જાય ત્યારે કર્મચારીઓની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓને ખુબજ હૈરાનગતી ભોગવવી પડે છે. જેની ફરીયાદ ખેરાલુ તાલુકા રેલ્વે અને રોડ પેસેન્જર એસોશિએશનને મળતા તા.૯-૩-ર૩ ના રોજ વિભાગીય નિયામક મહેસાણાને લેખીત ફરીયાદ કરવામા આવી છે.
ખેરાલુ તાલુકા રેલ્વે અને રોડ પેસેન્જર એસોશિએશનના પ્રમુખ જે.આઈ.બારોટ અને મહામંત્રી દિનેશચંદ્ર રાણા દ્વારા પત્ર લખી ફરીયાદ કરાઈ છે. તેના કેટલાક અંશ જોઈએ તો ખેરાલુ ડેપોના વહીવટી કર્મચારી નિયત સમયે ટેબલ ઉપર હાજર રહેતા નથી. પ્રવાસી જનતા, વિદ્યાર્થી કે મુસાફરોને જરૂરી વિગતો કે જાણકારી મેળવવા કોઈ કર્મચારી નિયત સમયે હાજર ન રહેતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. વિદ્યાર્થીઓને પાસ કઢાવવા લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે. કોઈ વિદ્યાર્થી આજુબાજુના ગામ કે દુર ગામડેથી ખેરાલુ કે અન્ય જગ્યાએ થી આવતો હોય ત્યારે તેનો પાસ પુરો થયો હોય અને પાસ કઢાવવા ડેપો માં આવે ત્યારે પાસ કાઢનાર કર્મચારી હાજર રહેતા નથી. સવારે ૮-૦૦ કલાકના બદલે ૯ કે ૯-૩૦ કલાક સુધી પાસ કાઢી આપનાર કર્મચારી હાજર ન હોવાથી વિદ્યાર્થીનો સમય બગડે છે અને વિદ્યાર્થીને રેગ્યુલર ભાડુ ખર્ચીને શાળાએ જવુ પડે છે. અથવા તો વિદ્યાર્થી પાસ કઢાવવાની લ્હાયમાં શાળાએ જવાનું છોડી દે છે જેના કારણે વિદ્યાર્થીનો અભ્યાસ બગડે છે.
પાસ ઈશ્યુ કરનાર કર્મચારીને ફરજ પર સવારે ૮-૦૦ થી સાંજે પ- ૦૦ સુધી હાજર રહેવાનું હોય છે. છતા કર્મચારીઓ હાજર જોવા મળતા નથી. પુછપરછ ઉપર વિદ્યાર્થી પુછવા જાય કે પાસ કયારે નિકળશે ત્યારે જવાબ મળે કે થોડીવાર બેસો કર્મચારી આવે ત્યારે પાસ નિકળશે. હોળી-ધુળેટીની રજાઓમાં વિદ્યાર્થી પાસ કઢાવવા આવતા ઓફીસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભાડુ ખર્ચીને અભ્યાસ અર્થે જવું પડયુ હતુ.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ડીઝીટલ ઈન્ડીયાની વાતો કરે છે ત્યારે બીજી તરફ એસ.ટી. વિભાગ દ્વારા જુની-પુરાણી બાબા આદમ વખતની પધ્ધતિઓને કારણે વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ધરમ-ધક્કા ખાવા પડે છે. એસ.ટી.વિભાગ દ્વારા ઓનલાઈન પાસ સિસ્ટમ અપનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં સરળતા રહે અને ઓનલાઈન પેમેન્ટ કરી વિદ્યાર્થી ઘર બેઠા એસ.ટી.પાસ મેળવી શકે. હાલમાં એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી છેકે ગ્રામ્ય વિસ્તારની સ્કુલો અને શહેરી વિસ્તારની કોલેજો વિદ્યાર્થીનીઓને સ્કુલ- કોલેજમાં મફત પાસની વ્યવસ્થા કરી આપે છે તેના બદલામાં વિદ્યાર્થી દીઠ દર મહિને રૂા. ૧૦/-, ૧પ/- કે ર૦/- વધારાના પડાવી લેવાય છે. જેમા એસ.ટી.કર્મચારી અને સ્કુલ કોલેજના કર્મચારીઓની ભાગ બટાઈ થાય છે. ખેરાલુ અને સતલાસણા તાલુકામાં દર મહિને ર૦ હજાર ઉપરાંત પાસ નિકળે છે. જેમાં વિદ્યાર્થીનીઓને લુંટવાનું ચાલુ છે જો કે આ ચર્ચાને પ્રચાર સાપ્તાહિક સમર્થન આપતુ નથી પરંતુ ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી દ્વારા આ બાબતે તપાસ કરીને સાચી બાબતો ઉજાગર કરવી જોઈએ. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ઓનલાઈન પાસની વ્યવસ્થા થાય તે જરૂરી છે.
મહેસાણા ડીવીઝનના ૧ર ડેપો આવેલા છે જેમાં ખેરાલુ સિવાયના ૧૧ એસ.ટી.ડેપોમાં વિદ્યાર્થીનીઓના મફત પાસ જેતે ડેપોમાંથી સીધા મળે છે જયારે ખેરાલુ એસ.ટી.ડેપોમાં એવી વ્યવસ્થા છે કે વિદ્યાર્થીનીઓના મફત પાસ જેતે સ્કુલો કોલેજો દ્વારા કાઢી આપવામા આવે છે. અને સ્કુલો કોલેજોના કલાર્કો અને ખેરાલુ એસ.ટી.ડેપો ના પાસ કાઢી આપનાર કર્મચારીઓની સાંઠ ગાંઠથી ફરજીયાત સ્કુલો કોલેજોમાંથી જ મફત વિદ્યાર્થીની પાસ આપવામા આવે છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. શું આ બાબતે વિભાગીય નિયામક મહેસાણા તપાસ કરી સાચી હકીકત પ્રજા સમક્ષ લાવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ તેની સાચી તપાસ થાય તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us