Select Page

પાલિકા પ્રમુુખ વર્ષાબેન પટેલે મુખ્યમંત્રી સમક્ષ ૧૦ મહત્વના મુદ્દાની રજુઆત કરીકેબીનેટ મંત્રીની આક્રમક ઈચ્છા શક્તિ પ્રમાણે વિકાસ શક્ય

વિધાનસભા કે લોકસભાની ચુંટણીમા છેલ્લા ૨૭ વર્ષથી વિસનગર શહેર અને તાલુકો ભાજપની પડખે ઉભો રહ્યો છે. જેમાં ભાજપમા વિરોધ કરનારાની ગણના થાય છે પરંતુ વર્ષોથી પડખે રહેનારની કોઈ ગણના નથી. મહેસાણામા મુખ્યમંત્રીની ઉપસ્થિતીમા યોજાયેલ કાર્યક્રમમા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ શહેરના વિકાસને લગતા ૧૦ મુદ્દાની ધારદાર રજુઆત કરી હતી. હવે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં અન્યાય કરવામાં આવેલ શહેરમાં મહત્વના વિકાસ કામોની મંજુરીનો કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના બાવડાના બળ પ્રમાણે લાભ મળશે.
વિસનગર શહેર તાલુકાએ ૨૭ વર્ષથી એકધારૂ ભાજપને બહુમતી અપાવી છે. તેની ભાજપે કોઈ કદર કરી નથી. રાજકીય દ્વેષભાવમા મહત્વના વિકાસમા વિસનગરને સતત અન્યાય કરવામાં આવ્યો છે. ઋષિભાઈ પટેલ કેબિનેટ મંત્રી બન્યા પછી સિવિલ હોસ્પિટલ તથા એમ.એન.કોલેજમા કરોડોની ગ્રાન્ટ ફળવાય અને બાયપાસની કાર્યવાહી આગળ વધી. આ સીવાય ગુજરાતની દરેક પાલિકાઓને સરખેભાગે મળતી ગ્રાન્ટ મુજબજ વિસનગરને ગ્રાન્ટ મળી છે. મહત્વના વિકાસ માટે વિશેષ ગ્રાન્ટનો ક્યારેય લાભ મળ્યો નથી. તા.૯-૬-૨૦૨૩ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહેસાણામા એક દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દુધ સાગર ડેરીના હોલમાં જીલ્લાની પાલિકાઓના પ્રશ્નોની રજુઆત સાંભળવાની તક આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. પાલિકામાથી પ્રમુખ વર્ષાબેન પટેલ, દંડક મેહુલભાઈ પટેલ અને પક્ષના નેતા અમાજી ઠાકોરે હાજરી આપી હતી.
ભાજપમા પડખે ઉભા રહેનારની કોઈ કદર નથી
પ્રમુખ વર્ષાબેન પટેલ વિસનગરના મહત્વના વિકાસ કામ માટે રજુઆત કરવાની તક મળતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી કે, જી.યુ.ડી.સી.એ. ભુગર્ભ ગટર લાઈન નાખી છે. પરંતુ સાફ કરવા કોઈ સાધન નહી હોવાથી મોટુ જેટીંગ મશીન ફાળવવુ, શહેર મધ્યેથી પસાર થતી ગટરની કેનાલની ગંદકીમાથી મુક્ત કરવા કમલ પથ બનાવવામા આવે તો આંતરીક રસ્તાઓને જોડતી સુવિધા ઉપલબ્ધ થાય બાયપાસનો જોબ નંબર ૨૦૧૨માં આપવામાં આવ્યો છે. તો જમીન સંપાદનની કામગીરી ઝડપી કરવી. જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલ ગટર લાઈન પ્રોજેક્ટ ફેલ હોવાથી નવો પ્રોજેક્ટ મંજુર કરવો. શહેરના ત્રણેય રેલ્વે ફાટકો ઉપર ખુબજ ટ્રાફીક રહે છે તો ઓવરબ્રીજ બનાવવા, વર્ષ ૨૦૧૫મા પાટીદાર અનામત આંદોલન સમયે વોટર બ્રાઉઝરને આગ લગાવતા સળગી ગયુ હતુ. ફાયર વિભાગમા નવુ વોટર બ્રાઉઝર ફાળવવા, વોટર વર્કસમા સફાઈ કામદારો માટે આવાસ બનાવવા માટે આર્થિક ગ્રાન્ટ ફાળવવા, સાંસ્કૃતિક નગરીમાં કાર્યક્રમ માટે કોમ્યુનિટી હોલની ગ્રાન્ટ ફાળવવા તથા સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.
ઋષિભાઈ પટેલ ત્રમ ટર્મ ધારાસભ્ય પદે રહી સતત ચોથી વખત ચુંટાયા પરંતુ વિસનગર શહેરના મહત્વના વિકાસ કાર્ય કરી શક્યા નથી. નિતીનભાઈ પટેલ મહેસાણા અને કડીના ધારાસભ્ય પદે રહી તેમની હાક અને વગથી બંન્ને સેન્ટરોનો અભુતપુર્વ વિકાસ કરી બતાવ્યો છે. ત્યારે સરકારમા તેમજ અધિકારીઓ સામે નમ્રતા પુર્વકનો સ્વભાવ છોડી વર્ષોથી અન્યાયનો ભોગ બનેલ શહેરના વિકાસ માટે ઋષિભાઈ પટેલને આક્રમક બનવુ પડશે. બાકી સારી છાપ ઉભી કરવા આમજ ચાલશે તો ઋષિભાઈ પટેલનો રાજકીય વિકાસ થશે પરંતુ વિસનગરનો વિકાસ થશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us