Select Page

૧૪ જૂન વિશ્વ રક્તદાન દિવસેવિસનગર વોલન્ટરી બ્લડબેંક અને તેની ટીમને સલામ

૧૪ જૂન વિશ્વ રક્તદાન દિવસેવિસનગર વોલન્ટરી બ્લડબેંક અને તેની ટીમને સલામ

તંત્રી સ્થાનેથી…
વિશ્વમાં મેડીસીનની બાબતમાં ઘણા બધા સંશોધન થયા તબીબી ક્ષેત્રે અદ્યતન સાધનો પણ શોધાયા. મહામારી જેવા રોગને નાથવા મહિનાઓમા વેકસીનની શોધ થાય છે. તબીબી ક્ષેત્રે અદ્યતન સંશોધનોથી ઝડપી અને ખુબજ સારી સારવાર શક્ય બની છે.પરંતુ હજુ સુધી કુત્રિમ લોહી બનાવી શકાયુ નથી. કૃત્રિમ લોહી બનાવવા ઘણા સંશોધનો થયા. પરંતુ તે માટેના તમામ પ્રયત્નો વ્યર્થ સાબીત થયા છે. તબીબી સારવારમાં માત્ર લોહી એક એવી વસ્તુ છે જે રક્તદાતા માનવી પાસેથી મેળવી શકાય છે. ઓસ્ટ્રેલીયાના જાણીતા જીવ વિજ્ઞાની કાર્લ લેન્ડસ્ટાઈનરનો આપણે એટલા માટે આભાર માનવો જોઈએ કે તેમણે રક્ત સમુહ પ્રણાલીની શોધ કરી ન હોત તો અત્યાર સુધીમાં રક્તના અભાવે કરોડો લોકોએ જીવ ગુમાવ્યો હોત. આ મહાન વૈજ્ઞાનિકના જન્મ દિવસ એટલે કે ૧૪મી જૂને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષે પાંચ કરોડ બોટલ લોહીની જરૂરીયાત ઉભી થાય છે. તેની સામે ૮૦ લાખ બોટલ લોહી રક્તદાતા દ્વારા મળે છે. આ પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં છે. નિયમિત રક્તદાન કરનાર રક્તદાતાઓનુ સન્માન થાય તેમજ પ્રોત્સાહન મળે તે માટે વિશ્વ રક્તદાન દિવસ ઉજવાય છે. જરૂરીયાત પ્રમાણે રક્તદાન ઓછુ થવાથી રક્તદાનની જાગૃતિ ફેલાવવાની તાતી જરૂરીયાત છે. લોહીનો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી આપણુ લોહી એ બીજા માટે જીંદગી બની જાય છે. રક્તદાનએે બીજા કોઈના જીવન માટે જીવનદાન બની જાય છે. એટલે જ રક્તદાનને મહાદાન કહેવાય છે. એક વખત કરેલુ રક્તદાન અન્ય ત્રણ લોકોના જીવ બચાવી શકે છે. ૧૮થી ૬૦ વર્ષની વય સુધી ૪પ કિલોથી વધુ વજન ધરાવતા રક્તદાન કરી શકે છે. એકવારમાં ૩પ૦ મિલીગ્રામ રક્ત આપી શકાય છે. જેની પૂર્તિ શરીરમાં ર૪ કલાકમાં થઈ જાય છે. જે નિયમિત રક્તદાન કરે છે તેમને હૃદય સબંધી બીમારીઓ થવાનુ જોખમ ઓછુ રહે છે. વિસનગર પંથકમાં રક્ત મળી રહે તે માટે ડૉ.મિહીરભાઈ જોષી, ડૉ.મહેશભાઈ ગાંધી, કિરીટભાઈ શાહ જેવા દિર્ધદ્રષ્ટી ધરાવતા સમાજસેવી તબીબો દ્વારા જીવન જયોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વિસનગર વોલન્ટરી બ્લડ બેંકની સ્થાપના કરી. આ બ્લડ બેંકનો વિકાસ થાય તે માટે તેનું સંચાલન આર.કે. જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ અને તેમની ટીમને સોપ્યું. સંસ્થાના પ્રમુખ રાજુભાઈ પટેલને કિર્તિભાઈ પટેલ કલાનિકેતન કોપરસીટી મરચન્ટ એસોસીએશન વિસનગર, સ્વસ્તિક મિત્ર મંડળ વિગેરેનો સહયોગ મળ્યો. બ્લડબેંકનું સંચાલન હાથમાં લીધા બાદ એક કરોડ રૂપિયા ઉપરાંતનુ દાન મેળવી કંમ્પોનન્ટ સેન્ટર શરૂ કર્યું. જેનો કારણે રક્તદાન થકી મળેલી એક બોટલમાંથી પ્લાઝામાં, પ્લેટલેટ અને સાદુ બ્લડ છુટુ પાડતા ત્રણ દર્દીનો જીવ બચાવવો શક્ય બન્યો. મરચન્ટ એસો.ના વિવિધ વેપારી મંડળોના સહયોગથી અવાર નવાર કેમ્પ કરી દર્દીના જીવન માટે બહુમુલ્ય રક્તની બોટલ એક્ઠી કરવામા આવે છે. હાલમાં રોજની એવરેજ ૧૩ બોટલની માંગ છે. નાત જાતના કે વિસ્તારના ભેદભાવ વગર રક્તની બોટલ આપવામાં આવતી હોવાથી ડીસા, પાલનપુર, સિધ્ધપુર, દાતા, હિંમતનગર, વિજાપુર, કડી જેવા ચારે બાજુના વિસ્તારમાંથી જરૂરીયાત પડે ત્યારે બ્લડ લેવા આવે છે. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે વિસનગરના દાતાઓ દ્વારા આકર્ષક ભેટ આપવામા આવે છે. રક્તનુ મહત્વ સમજી હવે તો લોકો જન્મદિન, લગ્નતિથિ, સ્નેહીજનની નિર્વાણતિથિ વિગેરે પ્રસંગો નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરે છે. વર્ષ દરમ્યાન આવા અવિરત પ્રયત્નોના પરિણામે વિસનગર વોલન્ટરી બ્લડબેંકમાં બ્લડની બોટલો ખુટતી નથી. વિશ્વ રક્તદાન દિવસે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સંચાલકો, પ્રોત્સાહન આપવા ભેટ આપનાર દાતાઓ, રક્ત આપનાર દાતાઓને સો સો સલામ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us