Select Page

વિસનગર પોલીસની અસામાજીક પ્રવૃત્તિઓને છાવરતી પોલ ખુલી

વિસનગર પોલીસની અસામાજીક પ્રવૃત્તિઓને છાવરતી પોલ ખુલી

સ્ટેટ મોનીટરીંગ સેલની અડ્ડા ઉપરની રેડમાં રૂા.૧.૭૫ લાખના મુદ્દામાલ સાથે ૧૭ જુગારીયા ઝડપાયા

  • પોલીસની છત્રછાયામાં શહેર મધ્યે વર્ષોથી વરલી મટકા અને હાજર જુગારનો અડ્ડો ધમધમે છે
  • હેડ ક્વાટર સુધી હપ્તા પહોચતા હોવાથી જીલ્લા પોલીસ રેડ કરતી નહી હોવાની ચર્ચા
  • પંચાલ માર્કેટના ધાબા ઉપર હાજરનો જુગાર ધમધમતો હતો
  • જુગારનો ધમધમતો અડ્ડો પકડાયો હોવા છતા સ્થાનિક પોલીસના જવાબદાર કર્મચારી સામે કોઈ એક્શન નહી
  • છ માસ અગાઉ પણ પટણી દરવાજા વિસ્તારમાં અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ છતા અડ્ડા બંધ થતા નથી

વિસનગર પોલીસની છત્રછાયામાં શહેરમાં અસામાજીક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. દારૂ વેચતા અને જુગારના અડ્ડા ચલાવતા તત્વોને પોલીસની આળપંપાળથી શહેર મધ્યે જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. મોટા હપ્તા મળતા હોવાથી શિક્ષણપ્રેમી અને સંસ્કારી લોકો ઉપર કેવી છાપ ઉભી થશે તેની પોલીસને કંઈ પડી નથી. અસામાજીક પ્રવૃત્તિઓ વિરુધ્ધ આંખે પાટા બાંધ્યા હોવાથી સીટી પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટરે અને ડી.વાય.એસ.પી. ઓફીસથી ૧૦૦ મીટરે સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાસે ધમધમતો અડ્ડો દેખાતો નથી. દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવાની ફક્ત દેખાવ પુરતી વાતો કરાય છે પણ સ્ટેટ મોનીટરીંગ સેલે વરલી મટકાના અને હાજર જુગારના અડ્ડા ઉપર રેડ કરી રૂા.૧.૭૫ લાખના મુદ્દામાલ સાથે ૧૭ જુગારીયા પકડી અસામાજીક પ્રવૃત્તિઓ છાવરતી વિસનગર પોલીસની પોલ ખોલી છે. મહત્વની બાબત છેકે જુગારનો મોટો અડ્ડો પકડાયો છે ત્યારે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કોઈ એક્શન લેવાઈ નથી. જે બતાવે છેકે હપ્તા છેક હેડ ક્વાટર સુધી પહોંચતા હશે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેર મધ્યે સવાલા દરવાજા પંચાલ માર્કેટમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર વારંવાર રેડ કરવામાં આવે છે. પરંતુ આ અડ્ડો પોલીસ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન હોઈ બંધ થતો નથી. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. આર.બી.ઝાલાને બાતમી મળી હતી કે, વિસનગરમાં સવાલા દરવાજા પાસે આવેલ પંચાલ માર્કેટમાં રાજુભાઈ રતીલાલ મોદી અને પુનમચંદ નારણજી મારવાડી વરલી મટકાનો અને હાજરનો જુગાર રમાડી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલનો કાફલો ખાનગી વાહનોમાં સાદા કપડામાં સ્થળ ઉપર આવતા કેટલાક ઈસમો ચીઠ્ઠીઓ લખતા અને લેતા જોવા મળ્યા હતા. પોલીસે આ રેડમાં વરલી મટકાનો જુગાર રમતા ૭ ને ઝડપ્યા હતા. પંચાલ માર્કેટના ધાબા ઉપર હિલચાલ જોવા મળતા પોલીસ ધાબા ઉપર પહોચતા ઝીરો અને ૧ થી ૯ નંબર લખેલા બોર્ડ ઉપર ગંજી પાના તથા ચલણી નોટો પડી હતી. ધાબા ઉપરથી પોલીસે ૧૦ જુગારીયાઓને પકડ્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલની આ રેડમાં રાજુભાઈ રતીલાલ મોદી, પુનમચંદ નારણજી મોચી, મોહમદભાઈ ઈમામભાઈ બલોચ, વિક્રમજી સરતાનજી ઠાકોર, અરવિંદભાઈ લવજીભાઈ રાવળ, જેક્શન અરવિંદભાઈ પટેલ, અલ્કેશ નારણભાઈ પટેલ, હરીશ ખેંગારભાઈ પરમાર, નારણભાઈ ઉર્ફે લાલાભાઈ ગાંડાભાઈ સથવારા, ચંદુભાઈ શંકરભાઈ દેવીપૂજક, મુકેશજી કચરાજી ઠાકોર, કનુજી દુધાજી ઠાકોર, હર્ષદકુમાર ગોવિંદભાઈ રાવળ, દિવાનજી વેલાજી ઠાકોર, મંગળભાઈ પુનમભાઈ દેવીપૂજક, સુરેશજી અરખાજી ઠાકોર તથા રંગાજી બાબુજી ઠાકોરને પકડ્યા હતા. રેડમાં રૂા.૪૦,૪૩૦/- ની રોકડ, રૂા.૩૮,૫૦૦ ની કિંમતના ૧૪ મોબાઈલ, રૂા.૯૫,૦૦૦ ની કિંમતના ૩ બાઈક, પ્લાસ્ટીક ટેબલ, ગોદળા, ચાદર, પાણીનો જગ, ગાદી, તકીયા, પ્લાસ્ટીક ખુરશીઓ, કેલ્ક્યુલેટર, જુગાર રમાડવાનુ ચાર્ટ બોર્ડ, બાજી પત્તાની ૨૮ કેટ, કોરી સટ્ટા બુક, લાકડાનુ પેડ, કાર્બન પેપર, બોલપેન સહિત કુલ રૂા.૧,૭૫,૨૩૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારના અડ્ડાથી ૫૦ મીટરના અંતરે શૈક્ષણિક સંસ્થા આવેલી છે. જુગાર રમતા જોઈ વિદ્યાર્થીઓના માનસ ઉપર ખરાબ છાપ ઉભરી રહી છે. ત્યારે ખીસ્સા ભરવાની લાલચમાં વિસનગર પોલીસને કોઈની પડી નથી અને જુગારના અડ્ડાઓને છુટો દોર આપવામાં આવ્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની રેડનો પગ તળે રેલો આવતા અટકાવવા

વિસનગર પોલીસની દેખાવ પુરતી ઝાંપલીપોળના અડ્ડા ઉપર રેડ

  • રેડની મોટી રકમ બતાવવા પોલીસે ખીસ્સામાથી રકમ ઉમેરી હોવાની ચર્ચા

વિસનગરમાં ગુંદીખાડ ઝાંપલીપોળ વિસ્તારમાં ઘણા સમયથી વરલી મટકાનો અડ્ડો ધમધમી રહ્યો છે. વિસનગર પોલીસ દ્વારા આ અડ્ડા ઉપર ફક્ત દેખાવ પુરતી રૂા,૧૦૦૦-૧૫૦૦ની રકમના મુદ્દામાલ સાથે એક બે જુગારીયાઓને પકડી રેડ કરવામાં આવે છે. આ અડ્ડા ઉપરથી ક્યારેય ત્રણ થી ચાર જુગારીયા પકડાયા નથી અને અસમાજીક તત્વોને છાવર્યા છે. ત્યારે પંચાલ માર્કેટમા સ્ટેટ મોનીટરીંગ સેલની બપોરે ૧૩૦ કલાકે પડેલ રેડનો રેલો પગતળીયે ન આવે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ઝાંપલીપોળ વિસ્તારમાં બપોરે ૩-૪૫ કલાકે રેડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડી હોવાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી ને રૂા.૧૩૯૫૦/-ની મુદ્દામાલ સાતે ૬ જુગારીયાઓને ઝડપ્યા હતા. પોલીસે વસીમખાન હૈદરખાન લાલખાન, અરજણજી ઈશ્વરજી કડવાજી ઠાકોર, ડાહ્યાભાઈ કેસાભાઈ વરવાભાઈ દેવીપુજક, જયંતિભાઈ નાગરજી વિરમજી ઠાકોર, કનુજી અમરતજી પ્રધાનજી ઠાકોરને વરલી મટકાનો જુગાર રમતા ઝડપ્યા હતા. જ્યારે અડ્ડાનો સુત્રધાર આરીફશા દિવાનશા ફકીર હાજર મળી આવ્યો ન હતો. જાણવા મળ્યા પ્રમાણે જુગારની મોટી રકમ બતાવવા પોલીસે ખીસ્સામાથી રકમ ઉમેરી હતી. બપોરે ૧-૩૦ કલાકે સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી રેડના ખાતાકીય એક્શનમાં શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા વિસનગર પોલીસે આજ દિવસે બપોરે ૩-૪૫ કલાકે ઝાંપલીપોળ રેડ કરી રેકર્ડ ઉપર બતાવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts