શહેરમા પીવાના પાણી પ્રશ્ને પ્રમુખ અને ચીફ ઓફીસર પાસે નક્કર આયોજનનો અભાવ બામણ ચાયડા સંપમાં કુવામાં નથી અને હવાડામાં નાખવાનો પ્રયત્ન
શહેરમા પીવાના પાણી પ્રશ્ને પ્રમુખ અને ચીફ ઓફીસર પાસે નક્કર આયોજનનો અભાવ
બામણ ચાયડા સંપમાં કુવામાં નથી અને હવાડામાં નાખવાનો પ્રયત્ન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમા પુરતા પ્રમાણમા પાણી પહોંચતુ કરવામા પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યુ છે. પાણી પ્રશ્ને પ્રમુખ અને ચીફ ઓફીસર પાસે નક્કર આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. બામણ ચાયડા સંપ તૈયાર છે. ત્યારે કુવામા નથી અને હવાડામા નાખવાનો બાલીસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પાણી વિતરણમા નિષ્ફળ વહીવટથી લોકો વાજ આવી ગયા છે.
વિસનગર પાણી વિતરણમા પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. શહેરમા અત્યારે પાણીની બુમરાડ જોતા વોટર વર્કસમાં કોઈ જોવા વાળુ ન હોય અને નધણીયાતુ હોય તેવુ જણાય છે. શહેરના મોટા ભાગના વિસ્તાર પુરતા પ્રમાણમાં પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે. પાલિકામા ભાજપનું શાસન આવ્યા બાદ જેમા મળતર છે તેવા વિકાસના કામના ધડાધડ ટેન્ડરો પડે તે માટેની મહેનત થઈ રહી છે. ત્યારે જીવન જરૂરીયાતની વસ્તુ પાણી વિતરણ વ્યવસ્થિત થાય, લોકોને પુરતુ પાણી મળી રહે તે માટે મહેનત કરવામાં આવતી નથી.
બામણ ચાયડા સંપની વાત કરવામાં આવે તો છેલ્લા છ માસથી સંપ અને ઓવરહેડ ટાંકી તૈયાર છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા થોડુ ઘણુ બાકી કામ પુરૂ કરવામા નહી આવતા ટાંકીઓનો ઉપયોગ થઈ શક્તો નથી. પાલિકા પ્રમુખની સુચનાથી છેલ્લા એક અઠવાડીયાથી વોટર વર્કસ દ્વારા સંપથી વિવિધ ઝોન સુધી પાઈપ લાઈનો નાખવાની શરૂઆત કરી છે. આ સંપથી પાંચ ઝોનમા પાઈપ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ધરોઈનુ પાણી સંપ સુધી ક્યાથી લાવવુ તેની હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આતો એવુ કહી શકાય કે કુવામાં નથી અને હવાડામાં નાખવાનો બાલીસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બામણ ચાયડામાં ટ્યુબવેલ છે. પરંતુ ૧૦ લાખની કેપેસીટીના સંપ માટે એક ટ્યુબવેલ કાફી નથી. બીજુ પાણી લાવવાની વ્યવસ્થા ન થાય ત્યા સુધી સંપ અને ઓવરહેડ ટાંકીથી પાણી વિતરણ કરી શકાય તેમ નથી. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને સાથે ફરતા સભ્યોને સમજવું જોઈએ કે, વાતો કરવાથી વહીવટ થતો નથી. દીર્ધ દ્રષ્ટી, સતત પ્રયત્નો અને નક્કર આયોજનથી વહિવટ થાય છે. પ્રમુખ ખુરશી બચાવવા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત પાણી વિતરણ વ્યવસ્થામાં કરવામાં આવે તો પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે. પરંતુ સ્વાર્થનો વહિવટ હોવાથી લોકો છતા પાણીએ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલિકાનુ આ બોર્ડ આગામી ડીસેમ્બર સુધી વહિવટમાં છે. ત્યારે ચીંતાનો વિષય એ છે કે, શીયાળામા પાણીની આટલી બુમરાડ જોવા મળતી હોય તો આગામી ઉનાળામાં શુ હાલત થશે ?