Select Page

ગંજબજાર વેપારીઓની લાલ આંખ-તાત્કાલિક કેનાલ સફાઈ કરાઈ

પાલિકાના આંતરીક વિખવાદમાં લોકો હેરાન થતા હોવાનો બળાપો

  • કેનાલ તોડી અંદરથી કાદવ કાઢી નાખતા પાણી ભરાવવાની સમસ્યા નહી રહે- ચીફ ઓફિસર

વિસનગરમાં અઢી ઈંચ વરસાદમા ઠેર ઠેર પાણી ભરાવવાની સાથે ગંજબજારમાં પાણી ઘુસી ગયા હતા. છેલ્લા ઘણા વર્ષની રજુઆત છતાં પાલિકા હરકતમા નહી આવતા પાણી ભરાવવાથી નુકશાનના કારણે ગંજબજાર વેપારી મંડળ લાલઘુમ થયુ હતુ. પાલિકાના આંતરિક વિખવાદમા કામ થતા નહી હોવાનો બળાપો કાઢ્યો હતો. ગંજ બજારના વેપારીઓનો રોષ જોઈ પાલિકા તંત્ર હરકતમાં આવી પાણીના નિકાલ માટે કેનાલ તોડી કાદવ કાઢી સાફ કરવામાં આવી હતી.
વિસનગર પાલિકા બોર્ડની અણ આવડતના કારણે સમસ્યાઓનો ઉકેલ નહી આવતા કે નિકાલ નહી થતા હવે કોઈ એક સોસાયટી એક વિસ્તારના નહી પરંતુ વેપારી મંડળો મેદાને પડ્યા છે. તા.૩૦-૬-૨૦૨૩ની સાંજે અઢી ઈંચ વરસાદમાં ગંજ બજાર વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયુ હતુ. માર્કેટયાર્ડમા પાણી ઘુસી જતા નુકશાનીના ડરથી વેપારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. આગમચેતી રૂપ રજુઆત કરવા છતાં તાત્કાલીક કેનાલ બનાવવાની કે અન્ય કોઈ વ્યવસ્થા કરવામા નહી આવતા પાલિકા બોર્ડ વિરૂધ્ધ ગંજબજારના વેપારીઓનો રોષ ફાટી નિકળ્યો હતો.
વિસનગર માર્કેટયાર્ડમાં સરદાર ગંજના હોલમાં તા.૧-૭ને શનિવારના રોજ એ.પી.એમ.સી.ના ચેરમેન સહિત બોર્ડ ઓફ ડીરેક્ટર્સ અને ગંજબજાર વેપારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ (લાછડી) તથા વેપારી મંડળના સભ્યોએ ચોમાસામાં ગંજબજારમાં ભરાતા વરસાદી પાણીનો નગરપાલિકા દ્વારા કોઈ નિકાલ કરવામાં નહી આવતા રોષ ઠાલવ્યો હતો. જેમાં પ્રમુખે કહ્યુ હતુ કે, ગંજબજાર વેપારીઓ દર વર્ષે પાલિકામાં આશરે રૂા.૧૫ થી ૨૦ લાખ વેરો ભરે છે. છતાં પાલિકાતંત્ર વરસાદી પાણીનો નિકાલ કરતુ નથી. પાણી ભરવાથી વેપારીઓનો માલ બગડે છે. જો પાલિકા ગંજબજારમા ભરાતા વરસાદી પાણીનો નિકાલ ન કરે તો વેપારીઓ પણ વેરો ભરશે નહી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે વેપારી મંડળના સભ્ય પ્રવિણભાઈ ચૌધરીએ રોષ ઠાલવ્યો હતો કે, નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચાલતો હોવાથી વિસનગરમાં કોઈ કામ થતા નથી. પાલિકાના હોદ્દેદારોના વિખવાદના લીધે આખુ વિસનગર હેરાન થઈ રહ્યુ છે.
થોડા દિવસ પહેલા પાલિકામાં ભાજપના એક સભ્યએ વિકાસકામના મુદ્દે રાજીનામુ આપવાની ચિમકી આપતા તરતજ બીજા દિવસે જે.સી.બી. ગોઠવી કામ પુરૂ કર્યુ હતુ. પાલિકાના હોદ્દેદારોની શહેરમા વિકાસકામો કરવાની કોઈ ઈચ્છાશક્તિ નથી અને પાલિકાના કોન્ટ્રાક્ટરોને પણ ગમે તે કારણે કામ કરવામાં કોઈ રસ હોય તેવુ લાગતુ નથી. પાલિકાની બેદરકારીના લીધે ગત વર્ષે ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાયુ હતુ. જેમાં શાળામાંથી ઘરે જતી એક કિશોરી કેનાલમાં પડી જતા જીવ ગુમાવ્યો હતો. ત્યારે પાલિકાના હોદ્દેદારો પોતાની આબરૂ બચાવવા તાત્કાલિક દોડતા થયા હતા. પાલિકાના હોદ્દેદારો કોઈ અનિચ્છનિય બનાવ ન બને ત્યાં સુધી જાગતા નથી. જ્યારે એ.પી.એમ.સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલે વરસાદી પાણીના નિકાલ માટે જે સહયોગ જોઈએ તે આપવાની ખાત્રી આપી હતી. આ મિટીંગમાં ગંજબજારના વેપારીઓએ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પતિ હર્ષદભાઈ પટેલનો પણ ઉધડો લીધો હતો. આ બેઠકમાં રાજુભાઈ પટેલ (આર.કે.), નટુભાઈ પટેલ (સદુથલા), પી.સી.પટેલ, રાજીવભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, જગદીશભાઈ ચૌધરી સહિત ગંજબજાર વેપારી મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગંજબજાર વેપારીઓનો રોષ જોઈ ગંજબજાર અને દગાલા વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર દોડતુ થયુ હતુ. તાલુકા સેવા સદન તરફથી આખી કેનાલ ઉપરથી સ્લેબ તોડી અંદર જામેલો કાદવ અને કચરો કાઢવામાં આવ્યો હતો. દગાલાથી કાંસા ચાર રસ્તા સુધીની કેનાલ સાફ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર કેનાલ નહી બનાવે ત્યા સુધી ઉપરથી પથ્થરથી ઢાંકવામાં આવશે. ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, કેનાલની સફાઈ કરવામાં આવી હોવાથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહેશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us