Select Page

વિજ કંપનીએ લીધેલી ડિપોઝીટો પરત કરવી પડશે

વિજ કંપનીએ લીધેલી ડિપોઝીટો પરત કરવી પડશે

વિસનગર ગ્રાહક સુરક્ષાએ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી

  • નોટીસો ગેરકાયદેસર આપી છે ત્યારે ભરેલી ડિપોઝીટ વિજ કંપની પરત ન કરે તો ગ્રાહકોએ ધ્યાન દોરવુ-ભરતભાઈ પટેલ પ્રમુખ વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ

વિજ કંપનીના ગ્રાહકો નિયમિત બીલ ભરે છે ત્યારે ગ્રાહકોને ડિપોઝીટની નોટીસ આપી વિજ કંપનીએ મોટુ ફંડ મેળવવાનો કારસો રચ્યો હતો. જેનો ભારે વિરોધ થયો હતો. વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે પણ કારણ વગર ગ્રાહકોને હેરાન કરવા બદલ વિજ કંપનીને નોટીસ ફટકારી હતી. ચોમેરથી વિરોધ થતા છેવટે વિજ કંપનીએ ડિપોઝીટની નોટીસો રદ કરવાનો નિર્ણય કરાયો હતો.
ગુજરાતની વિજ કંપનીઓ દ્વારા વખતો વખત ફ્યુઅલ ચાર્જ કે અન્ય ચાર્જ પેટે ગ્રાહકોને લુંટવામાં આવે છે. છેલ્લે વિજ ગ્રાહકોને ડિપોઝીટ ભરવા માટે નોટીસો આપવામાં આવી હતી. ડિપોઝીટની નોટીસ મળતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. વિજ કંપનીના ગ્રાહકોએ આ બાબતે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળનુ ધ્યાન દોર્યુ હતુ. જેમાં ગ્રાહક સુરક્ષા મંડળે તા.૧૧-૬-૨૦૨૩ ના પત્રથી ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર ઓફીસના નાયબ ઈજનેરને ડિપોઝીટ ભરવા માટે જે નોટીસો આપવામાં આવી છે તે નોટીસો સદ્દતર કાયદા વિરુધ્ધની અને ગેરકાયદેસરની હોવાથી નોટીસો રદ કરવા તાકીદ કરી હતી. ગ્રાહક સુરક્ષા મંડળે આપેલી નોટીસમાં જણાવ્યુ હતું કે, ગ્રાહક વિજ કનેક્શન મેળવે છે ત્યારેજ ડિપોઝીટ ભરી દે છે. ગ્રાહકો વપરાશ પ્રમાણે રકમ પણ વિજ કંપનીમાં ભરે છે. કોઈ ગ્રાહક મુદત બાદ બીલ ભરે તો તેની પેનલ્ટી પણ ભરે છે. તો પછી વધારાની ડિપોઝીટ કયા આધારે અને કયા કારણે ભરવાની થાય. વિજ કંપનીએ ગ્રાહકો જોડે કનેક્શન લેતી વખતે કરેલ કરારનો ભંગ કરી ગ્રાહકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. નોટીસો રદબાતલ ગણવામાં નહી આવે તો જીલ્લા આયોગમાં દાદ માગવાની ફરજ પડશે. ગ્રાહકોને ડિપોઝીટ ભરવાની નોટીસથી ચોમેરથી તેનો વિરોધ થયો હતો. જે અંતર્ગત ડિપોઝીટની ફટકારેલી નોટીસો રદ કરવાનો વિજ કંપની દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ગ્રાહકોને રૂા.૮૫૦ કરોડનો ફાયદો થશે.
ગ્રાહકોને રૂા.૫૦૦ થી ૭૦,૦૦૦ સુધીની ડિપોઝીટ ભરવા નોટીસો આપી ૩૦ દિવસમાં ડિપોઝીટ નહી ભરાય તો વિજ જોડાણ કાપી નાખવામાં આવશે તેમજ દર અઠવાડીયે ૦.૨૫ ટકા સરચાર્જ ચુકવવો પડશે તેમ જણાવતા કેટલાક ગ્રાહકોએ ડિપોઝીટ ભરી દીધી છે. ત્યારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યુ છેકે વિજ કંપનીએ જ્યારે ડિપોઝીટની નોટીસો રદ કરી છે ત્યારે જે ગ્રાહકોએ ડિપોઝીટ ભરી છે તેમને પરત આપવી. અથવા તો બીલની રકમમાં ડિપોઝીટની રકમ મજરે આપવી. વિજ કંપનીએ ગેરકાયદેસર નોટીસ આપી ડિપોઝીટ વસુલી છે ત્યારે ગ્રાહકોએ ભરેલી ડિપોઝીટની રકમ પરત આપવામાં નહી આવે તો ગ્રાહકોના વિશાળ હિતમાં ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લા આયોગમાં દાદ માગવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts