Select Page

વિસનગરમાં મહેસુલ શાખા અને ઈ-ધરા કેન્દ્રમાં ભ્રષ્ટાચારની આશંકા

વિસનગર મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગ અને ઈ-ધરા કેન્દ્રમાં એજન્ટો અને વચોટીયાઓનું રાજ ચાલતુ હોવાથી અરજદારો કચેરીના ધક્કા ખાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે. ત્યારે રાજ્યના એ.સી.બી. વિભાગના અધિકારીઓ આ બંન્ને શાખામાં ગુપ્ત તપાસ કરી કાર્યવાહી કરે તો કચેરીમાંથી એજન્ટો અને વચોટીયા રાજ દુર થાય અને મામલતદાર કચેરીમાં ધક્કા ખાતા અરજદારો કામ ગાંધીજીનો ફોટો બતાવ્યા વિના ઝડપથી થાય.
એક બાજુ સરકારી કચેરીઓમાં થતો ભ્રષ્ટાચાર દુર કરવાની વાતો કરે છે. જ્યારે બીજી તરફ સરકારી કચેરીઓમાં લેતી દેતીના વ્યવહાર વગર અરજદારોના કામ થતા નથી તેવુ જાણવા મળે છે. જેમાં વિસનગર મામલતદાર કચેરીમાં મહેસુલ શાખા અને ઈ-ધરા કેન્દ્રમાં અત્યારે એજન્ટો અને વચોટીયાઓની બોલબાલા હોવાનું ચર્ચાય છે. આ બંન્ને શાખાના નાયબ મામલતદાર શહેર અને તાલુકાના ગામડાઓમાંથી આવતા અરજદારો અને ખેડુતોને પોતાના અંગત સ્વાર્થમાં કચેરીના ધક્કા ખવડાવી રહ્યા છે. જો તેજ કામ અરજદારો રૂપિયા આપીને એજન્ટો કે વચોટીયા મારફતે કરાવે તો આ અધિકારીઓ તેમનુ કામ ઝડપી કરી આપતા હોવાનું ચર્ચાય છે. અરજદારોમાં થતી ચર્ચા મુજબ મહેસુલ શાખા અને ઈ-ધરા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું મામલતદાર ગજેન્દ્રભાઈ પટેલ જાણે છે. પરંતુ તેઓ ગમે તે કારણે આ ભ્રષ્ટાચાર બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. અત્યારે મામલતદાર કચેરીમાં સુધારા હુકમ, એકત્રિકરણ, નવી શરત અને જુની શરતમાં ફેરફાર, એન.એ. હુકમ, નોંધો સહિત મિલ્કતોને લગતા કોઈ કામોમાં મામલતદાર સહી કરવામાં વિલંબ કરે છે. જ્યારે તેજ કામ એજન્ટો અને વચોટીયા છાતી ઠોકીને ઝડપી કામ પુરૂ કરવાની ખાત્રી આપે છે. જેમાં ઈ-ધરા નાયબ મામલતદાર અગાઉ આજ જગ્યાએ ફરજ બજાવતા હતા. જેના કારણે એજન્ટો અને વચોટીયાઓ સાથે તેમના સારા સબંધો હોઈ તેઓએ રાજકીય વગનો ઉપયોગ કરી ફરીથી વિસનગર બદલી કરાવી છે. ઈ-ધરા કેન્દ્ર અને મહેસુલ શાખામાં કોઈપણ અરજદાર નાણાં કોથળી લીધા વગર જાય તો તેને ધક્કા ખાવાની તૈયારી રાખવી પડે. જેથી પોતાનુ કામ કરાવવા કચેરીના ધક્કા ખાતા અરજદારો મજબુર થઈને આ બંન્ને અધિકારીઓની ઈચ્છા પુરી કરે છે. ત્યારે રાજ્યના એ.સી.બી. વિભાગના અધિકારીઓ આ ચર્ચાને ગંભીરતાથી લઈ ગુપ્ત તપાસ કરે તો બંન્ને શાખામાં થતો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી અરજદારો શક્યતા સેવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us