Select Page

આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેને જોડતો રોડ પહોળો કરવાની દરખાસ્ત દોઢ વર્ષથી પેન્ડીંગ

આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેને જોડતો રોડ પહોળો કરવાની દરખાસ્ત દોઢ વર્ષથી પેન્ડીંગ
  • ટ્રાફીક વધતા ર૦ર૧મા હયાત રોડ પહોળો કરવા રજૂઆત કરાઈ હતી
  • રેલ્વે ફાટક બંધના સમયે જાણકાર વાહન ચાલકો તો આ રોડનો જ ઉપયોગ કરે છે

વિસનગરમાં પીડારીયા રોડ આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેના જોડતા માર્ગ ઉપર વાહનોનો ટ્રાફીક ખુબજ વધી ગયો છે.આ રોડ પહોળો કરવા થયેલી રજૂઆત આધારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી દરખાસ્ત કરવામા આવી હતી. જેને દોઢ વર્ષંનો સમય થવા છતા રોડ પહોળો કરવાની કાર્યવાહી આગળ વધતી નથી. વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી કેબીનેટ મંત્રી સુચના આપી રોડ પહોળો કરવાની કાર્યવાહી આગળ વધારે તેવી લોકોની લાગણી છે.
વિસનગરમાં પીંડારીયા રોડ ઉપર આશાપુરી માતાના મંદિરથી વડનગર હાઈવેને જોડતો રોડ ઉપર અત્યારે વાહનોની ભારે અવર જવર થઈ રહી છે. સુંશી ભાલક રોડ તથા વિજાપુર રોડ તરફના વડનગર તરફ અવર જવર કરતા મોટા ભાગના નાના વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. વળી રેલ્વે ફાટક બંધ હોવાના સમયે કેટલાક વાહન ચાલકો પણ આ રોડનો ઉપયોગ કરવાનુ પસંદ કરે છે. હયાત રોડ ૩.૭પ મીટર પહોળાઈનો છે. સાંકડો રોડ હોવાથી સામ સામે પસાર થવામા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાંકડા રોડના કારણે ટ્રાફીક વધારે હોવાથી અકસ્માતના પણ બનાવો બને છે. ત્યારે હયાત ૩.૭પ મીટર રોડની પહોળાઈ વધારી પ.પ૦ મીટરનો કરવા પૂર્વ કોર્પોરેટર દ્વારા નવેમ્બર ર૦ર૧મા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને સમક્ષ રજુઆત કરવામા આવી હતી. રોડ પહોળો કરવાની માંગણી સંદર્ભે કેબીનેટ મંત્રી દ્વારા માર્ગ મકાન વિભાગમાં ભલામણ કરવામા આવી હતી. જે અનુસંધાને આ ર.૩૦ કિ.મી.લંબાઈના ૩.૭પ મીટરની પહોળાઈનો રસ્તો પ.પ૦. મીટર પહોળાઈનો કરવા બાઈડનીંગ અને સ્ટ્રેથનીંગ કરવા રૂા.૧૪૦ લાખનો એસ્ટીમેટ તૈયાર કરી નવા નોન પ્લાન રસ્તાની પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત કર્યા બાદ આજ દોઢ વર્ષનો સમય થવા આવ્યો છતા રોડ પહોળો કરવાની કોઈ કાર્યવાહી આગળ વધતી નથી. રોડ પહોળો કરવાની કામગીરી ઝડપી થાય તેવી વાહન ચાલકોની લાગણી અને માંગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts