જાહેર માર્ગ ઉપરના લોકડાયરા પદયાત્રીઓ માટે નડતરરૂપ
મહેસાણા જીલ્લા વહિવટી તંત્ર આવતા વર્ષની ભાદરવી પૂનમ માટે અત્યારથીજ વિચારે
- ટ્રાફીકમાં માતાજીના રથ બબ્બે કલાક સુધી ફસાયા
ભાદરવી પૂનમના દિવસોમાં જાહેર માર્ગ ઉપર થતા લાઈજ ઓરકેસ્ટ્રાના પ્રોગ્રામ અને લોકડાયરાના કારણે એટલો બધો ટ્રાફીક થાય છેકે હવે આ કાર્યક્રમો પદયાત્રીઓ માટે મુશ્કેલીરૂપ બન્યા છે. વાહનોના આડેધડ થતા પાર્કિંગથી ટ્રાફીક જામ થતા સંઘમાં જતા માતાજીના રથ બબ્બે કલાક સુધી ફસાયા હતા. લોકડાયરા એ એક માત્ર શક્તિ પ્રદર્શન કરવાનો તથા કલાકારોને પ્રમોટ કરવાનો કાર્યક્રમ છે. જેમાં પદયાત્રીઓની કોઈ સેવા થતી નથી અને ઉપરથી પદયાત્રા માર્ગમાં મુશ્કેલી વધારે છે. મહેસાણા જીલ્લા વહિવટી તંત્રએ આવતા વર્ષની ભાદરવી પૂનમ માટે અત્યારથીજ વિચાર કરવાનો છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા પદયાત્રીઓ માટે કરવામાં આવતા સેવા કેમ્પો એ પદયાત્રીઓને રાહત આપે છે. નાસ્તા, જમવાના, ન્હાવાના, આરામ કરવાના, મેડિકલ, ચા-પાણી, લીંબુ શરબત, માલીસ કરવાના વિગેરે કેમ્પથી પદયાત્રીઓને સેવા થાય છે. માઈભક્તોની સેવા કરવા માટે દુર દુરથી લોકો આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પદયાત્રીઓના માર્ગે હાઈવે ઉપર લાઈવ ઓરકેસ્ટ્રા અને લોકડાયરાના જે કાર્યક્રમો કરવાનો ક્રેઝ વધ્યો છે તે માત્ર ને માત્ર શક્તિ પ્રદર્શન છે. આવા કાર્યક્રમો પદયાત્રીઓની સેવા માટેના હોતા નથી. પરંતુ કાર્યક્રમોમાં વી.આઈ.પી.ઓને બોલાવી સમાજમાં પોતાની વગ બતાવવાના પેતરા છે. સેવા કેમ્પોમાં લગાવેલ સ્પીકરમાં વાગતા ગરબામાં માઈભક્તો થોડુ ઉછળ કુદ કરી લે છે. પરંતુ ડાયરામાં કે લાઈવ ઓરકેસ્ટ્રાના ગરબામાં કોઈ પદયાત્રીને ગરબે ઘુમતો જોવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા થકી ઘણા ઉગતા કલાકારોને જાહેરમાં આવવા માટે સ્ટેજ જોઈતુ હોય છે. નવરાત્રીના ગરબા મહોત્સવમાં ઓરકેસ્ટ્રા પાર્ટી માટે કલાકાર મળતા નથી. જ્યારે ભાદરવી પૂનમના મેળામાં થતા આવા જાહેર સ્ટેજ પ્રોગ્રામમાં ગાવા માટે કલાકારોની લાઈનો લાગે છે. જાણવા મળ્યા પ્રમાણે કેટલાક કલાકારો એક બે ગરબા ગાવા માટે આયોજકોને ૨૫ થી ૫૦ હજાર રૂપિયા પણ આપે છે. ભાદરવી પૂનમના આવા જાહેર કાર્યક્રમમાં ગાવા માટે ચાર્જ આપ્યા બાદ ફેમસ થઈ ગયા પછી કાર્યક્રમોમાં મો માગ્યા ચાર્જ વસુલે છે. આમ ભાદરવી પૂનમે થતા લોક ડાયરા એક પ્રકારનુ શક્તિ પ્રદર્શનનો અને કલાકારોને જાહેરમાં લાવવાનો કાર્યક્રમ છે. જેનાથી પદયાત્રીઓની કોઈ સેવા થતી નથી.
વિસનગરમાં કડા રોડ ઉપર બે જગ્યાએ, પાલડી રોડ ઉપર, ઉમતાથી સુંઢીયા વચ્ચે, ટીંબા પાસે વિગેરે સ્થળે લોકડાયરાના જાહેર કાર્યક્રમો થયા હતા. ડાયરો જોવા આવનાર વાહનો લઈને આવતા હોવાથી રોડ ઉપર પાર્ક કર્યા હતા. જેના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેટલીક જગ્યાએ તો બબ્બે કલાક સુધી ટ્રાફીક જામ થયો હતો. ચાલતા જતા પદયાત્રીઓ માટે માર્ગ ખુલ્લો હોવો જોઈએ તેની જગ્યાએ ટ્રાફીક જામથી પદયાત્રીઓને મુશ્કેલી પડી હતી. ટ્રાફીક જામમાં માતાજીના રથ પણ ફસાયા હતા. રથ નિકળવામાં બબ્બે કલાકનો સમય થયો હતો. અંબાજી જતા પદયાત્રીઓને ચાલવામાં મુશ્કેલી ન પડે તે જોવાની જવાબદારી વહિવટી તંત્રની છે. લાઈવ ઓરકેસ્ટ્રા અને લોકડાયરાના કારણે પદયાત્રીઓને પડતી મુશ્કેલી જોઈ પાલનપુર કલેક્ટરે દાંતા અને અંબાજી આસપાસ આવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે મહેસાણા જીલ્લા કલેક્ટરે પણ આવતા વર્ષની ભાદરવી પૂનમ માટે અત્યારથીજ વિચાર કરવો જોઈએ.