વિસનગરમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયોકાળા કાચની ગાડીઓવાળા સામે કાર્યવાહી કરો-SPઅચલ ત્યાગી
વિસનગર હરિહર સેવા મંડળના હોલમાં જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ લોક દરબાર યોજાયો હતો. જેમાં શહેર- તાલુકાના આગેવાનોએ ટ્રાફીક, રખડતા ઢોર, સાયબર ક્રાઈમ, કાળા કાચની ગાડીઓ સહિત શહેરની અન્ય સમસ્યાઓ બાબતે રજુઆત કરી હતી. જીલ્લા પોલીસ વડાએ શહેરમાં કાળા કાચવાળી ગાડી લઈને ફરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને સુચના આપી હતી. જોકે આ લોક દરબારમાં દારૂ, જુગાર, સટ્ટો તથા અન્ય અસામાજીક પ્રવૃતિઓ વિશે કોઈએ રજુઆત નહી કરતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
વિસનગર હરિહર સેવા મંડળના હોલમાં જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર અને ગ્રામ્યના આગેવાનોએ તાલુકામાં સાયબર ક્રાઈમના વધતા ગુના અને ચોરીઓની સમસ્યા બાબત, શહેરના ગંજબજાર રેલ્વે ફાટક પાસે થતી ટ્રાફીક સમસ્યા બાબત, સ્કુલ વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરવા બાબત, શહેરમા ફરતી કાળા કાચવાળી ગાડીઓ બાબત, ગંભીરગુનામાં સમય મર્યાદામાં પોલીસ ફરિયાદ નોંધવા બાબત, શહેરના હાઈવે ઉપર રખડતા ઢોર, હાઈવે ઉપર ચાલતી કેટલીક રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા તથા ચાની કિટલીઓ ઉપર રાત્રે ૧૦-૦૦ વાગ્યા પછી ચાલતી અસામાજીક પ્રવૃતિઓ તથા ડ્રાઈવીંગ કરતી વખતે મોબાઈલ ઉપર વાત કરતા બસના ચાલકો સામે કાર્યવાહી કરવા બાબતે રજુઆત કરી હતી. ત્યારે જીલ્લા પોલીસવડાએ તમામ આગેવાનોની રજુઆત ધ્યાનથી સાંભળી પ્રજાની સમસ્યાઓ દુર કરવા હૈયાધારણા આપી હતી. જેમાં જીલ્લા પોલીસ વડાને કાળા કાચવાળી ગાડીઓ લઈને બિન્દાસ્ત ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા, શહેર-ગ્રામ્ય વિસ્તારમા થતી ચોરીઓ અટકાવવા પોલીસ પેટ્રોલીંગ વધારવા તથા હાઈવે ઉપર અસામાજીક પ્રવૃત્તિઓ સામે બાજનજર રાખવા પી.આઈ.એસ.એસ.નિનિમાને સુચાન આપી હતી. આ સાથે જીલ્લા પોલીસ વડાએ સાયબર ફ્રોડથી બચવા માટે કોઈપણ અજાણ્યા ઈસમોને વડીયો કોલ નહી ઉપાડવા તથા પોતાના સગીર બાળકો ઉપર દેખરેખ રાખવા લોકોને જાહેર અપીલ કરી છે. આ લોક દરબારમાં વિસનગર એ.પી.એમ.સી. ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પુર્વ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ (આર.કે.), પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ, પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ રબારી, સામાજીક કાર્યકર ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ), જીવણભાઈ દેસાઈ, અરવિંદભાઈ પટેલ (ઘાઘરેટ), વિસનગ એ.પી.એમ.સી.ના ડીરેક્ટર પરેશભાઈ પટેલ, ઈશ્વરલાલ નેતા, ઈર્શાદભાઈ વકીલ, મહેશભાઈ પટેલ (સુંશી), ભરતભાઈ પટેલ ગામી (કાંસા), પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલ, બાબુભાઈ પટેલ વાસણવાળા, પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, પુર્વ પાલિકા કોર્પોરેટર મુસ્તાકભાઈ સિંધી, સહિત શહેર-તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. એન.એન. ગોહેલ, પી.એસ.આઈ.બી.વી.ભગોરા તથા અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.