વર્ષોથી ઉભરાતી ગટરોના ત્રાસથી કંટાળેલીશિરડીનગર સોસાયટીની મહિલાઓનો મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રોષ
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શિરડીનગર સોસાયટીમાં વર્ષોથી છાશવારે ઉભરાતી ગટરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ ગત શનિવારે સાંજે ધારાસભ્ય કાર્યાલયમાં દોડી આવી કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલે કાંસા એન.એ. સરપંચને બોલાવી તેમની સાથે ચર્ચા કર્યા બાદ ચોમાસા પછી શિરડીનગર, સામવેદ, સાંઈકુટીર સહિતની સોસાયટીઓમાં નવિન ગટરલાઈનનું કામ શરૂ કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે. હવે આ વિસ્તારમાં ગટરલાઈનનું કામ ક્યારે શરૂ થાય છે તેની રહીશો રાહ જોઈને બેઠા છે.
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શિરડીનગર, સામવેદ, સાંઈકુટીર સહિત આજુબાજુની સોસાયટીઓમાં ગટરો ચોકઅપ થતા છાશવારે ગટરો ઉભરાય છે. ગટરોનુ પાણી રોડ ઉપર ફેલાતા સોસાયટીના રહીશોને નાક ફાટી જાય તેવી ભારે દુર્ગંધ મારે છે.
ચોમાસા બાદ શિરડીનગર, સામવેદ, સાંઈકુટીર સહિતની સોસાયટીઓમાં નવિન ગટરલાઈન નાખવાનું કામ શરૂ થશે- કાંસા એન.એ. સરપંચ
વર્ષોથી ઉભરાતી ગટરોની સમસ્યાથી રહીશો ત્રાસી ગયા છે. વારંવાર ઉભરાતી ગટરોથી ત્રાસેલી શિરડીનગર સોસાયટીની મહિલાઓ ગત શનિવારે સાંજે ધારાસભ્ય કાર્યાલયમાં દોડી આવી હતી. જ્યાં મહિલાઓએ વર્ષોથી સોસાયટીમા ઉભરાતી ગટરોની સમસ્યા બાબતે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. મહિલાઓની રજુઆત સાંભળી મંત્રી ઋષિભાઈ પટેલે કાંસા એન.એ. સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલને તાત્કાલિક કાર્યાલય બોલાવી શિરડીનગર સહિત આજુબાજુની સોસાયટીમા ઉભરાતી ગટરોની સમસ્યા બાબતે ચર્ચા કરી હતી. જેમાં સરપંચે કહ્યુ કે, અમે ૧૭-૧-૨૦૨૨ના રોજ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો તેના અઠવાડીયા બાદ તરત જ આ વિસ્તારમાં ગટર લાઈન નાખવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ ગ્રામ કક્ષા નાણાંપંચમાં દરખાસ્ત કરી હતી. જે ગટરલાઈનની મંજુરી મળતા એગ્રીમેન્ટ પણ થઈ ગયો છે અને હવે ચોમાસાબાદ શિરડીનગર, સામવેદ, સાંઈકુટીર સહિતની સોસાયટીઓમાં નવિન ગટરલાઈન નાંખવાનું કામ શરૂ કરવામાં આવશે. જોકે અત્યારે આ વિસ્તારની સોસાયટીઓમાં ઉભરાતી ગટરોની સમસ્યા હલ કરવા એન.એ. ગ્રામ પંચાયત દ્વારા જેટીંગ મશીનથી ગટરોની સફાઈ કરવામાં આવી છે અને ગટરો ન ઉભરાય તે માટે વૈકલ્પીક વ્યવસ્થાની કાર્યવાહી શરૂ કરી છે. હવે આ વિસ્તારમાં એન.એ. પંચાયત દ્વારા ગટરલાઈન નાખવાનું કામ ક્યારે શરૂ થાય છે તેની સોસાયટીના રહીશો રાહ જોઈને બેઠા છે.