૧૯૫૨ વેરા બાકીદારોના ૪ કરોડની વસુલાત માટે પાલિકાની કવાયત
નોટીસ આપ્યા બાદ પણ વેરો નહી ભરનારના નામ જાહેર કરાશે-ચીફ ઓફીસર
૧૯૫૨ વેરા બાકીદારોના ૪ કરોડની વસુલાત માટે પાલિકાની કવાયત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
માર્ચ મહિનો નજીક આવતાજ વિસનગર પાલિકા દ્વારા વેરા વસુલાતનો ટાર્ગેટ પૂર્ણ કરવા કાર્યવાહી આરંભી છે. જેમાં રૂા.૨૦,૦૦૦ ઉપરાંત્તના વેરા બાકીદારોને નોટીસ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. નોટીસ બાદ પણ વેરો ભરવાની ફરજ ચુકનાર બાકીદારોના નામ ન્યુઝ પેપરમાં પ્રસિધ્ધ કરવામાં આવશે તેવુ ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક દ્વારા જણાવાયુ છે.
વિસનગર પાલિકા દ્વારા લગભગ છ માસ અગાઉ તમામ વોર્ડમાં વેરા બીલ પહોચતા કરવામાં આવ્યા હતા. ત્યારે નાના અને મધ્યમ વર્ગના મોટાભાગના લોકોએ વેરો ભરીને પોતાની ફરજ અદા કરી છે. ત્યારે પૈસા પાત્ર અને કહેવાતા નામાંકીત એવા કેટલાક લોકો છેકે જેમને હજુ સુધી વેરો ભર્યો નથી. લોકોએ પાલિકાની વિવિધ સુવિધાઓ જોઈએ છે પરંતુ ટેક્ષ ભરવાની ફરજ અદા કરવામાં માનતા નથી. વિસનગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૬૧ ટકા વેરા વસુલાત થઈ છે. જેમાં રૂા.૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ સુધીના એવા બાકીદારો છે જેમણે વેરો ભર્યો નથી. આવા કુલ ૧૯૫૨ બાકીદારો પાસેથી રૂા.૪ કરોડ ઉપરાંત્તની વસુલાત માટે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પેનલ્ટીથી બચવા લોકો સમયસર ઈન્કમટેક્ષ રીટર્ન ભરીને ટેક્ષ ભરવાનુ ચુકતા નથી. ત્યારે જે સંસ્થા દ્વારા એકપણ દિવસની રજા સિવાય વર્ષના ૩૬૫ દિવસ વિવિધ સુવિધાઓ અને સેવાઓ આપવામાં આવે છે તે સંસ્થામાં ટેક્ષ ભરવાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહેનાર બાકીદારોને ફરજનુ ભાન કરાવવા હવે કાયદાનુ હથિયાર ઉગામવામાં આવ્યુ છે. વિસનગર પાલિકા દ્વારા આવા ૧૯૫૨ રીઢા બાકીદારો પાસેથી વેરાની વસુલાત માટે નોટીસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાંથી રૂા.૨૦,૦૦૦ ઉપરાંત્તના કેટલાક બાકીદારોને નોટીસ બજી ગઈ છે અને બાકીનાને ટુંક સમયમાં વેરા વસુલાતની નોટીસ મળી જશે. નોટીસ મળ્યા બાદ પણ વેરો ભરવાની ચુક કરનાર રીઢા બાકીદારોના નામ ન્યુઝ પેપરમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
વિસનગર પાલિકાની હદમાં આવતા મિલ્કત વેરા બાકીદારો જોગ ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ છેકે વેરો ભરવો એ પાલિકાની સેવા તથા સુવિધાનો લાભ લેતા તમામ લોકોની પ્રાથમિક ફરજ છે. તેમ છતાં કહેવાતા નામાંકિત લોકો વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે. જેમને વેરા બીલ મળી ગયા છે તે તુર્તજ વેરો ભરી દે અને વેરા બીલ નથી મળ્યા તે પાલિકા કાર્યાલયમાં આવી વેરા બીલ મેળવી વેરો ભરી દે. બીલ નથી મળ્યુ કે અન્ય કોઈ બહાનુ ચલાવી લેવામાં આવશે નહી. બાકીદારોને નોટીસો આપવાનુ ચાલુ છે ત્યારે નોટીસ મળી હોય કે ન મળી હોય તમામ બાકીદારોએ વેરો ભરવા વિનંતી છે. રૂા.૨૦,૦૦૦ ઉપરાંત્તના બાકીદારોને નોટીસ મળી ગયા બાદ પણ વેરો ભરવામાં નહી આવે તો પાલિકાને ન છુટકે વોર્ડ વાઈઝ નામ સરનામા સાથે આવા રીઢા વેરા બાકીદારોના નામ ન્યુઝ પેપરમાં પ્રસિધ્ધ કરવાની ચીફ ઓફીસરે ચીમકી આપી છે. પૈસા કરતા પ્રતિષ્ઠા વધારે મહત્વની છે. ત્યારે વેરા બાકીદારોને વહેલાસર વેરો ભરવા વિનંતી કરાઈ છે.