Select Page

વિસનગરમાં આગના બનાવો છતાં વોટર બાઉઝર ફળવાતુ નથી

વિસનગરમાં આગના બનાવો છતાં વોટર બાઉઝર ફળવાતુ નથી

શિવ માર્કેટના ભોયરામાં લાગેલી આગ મહામહેનતે કાબુમાં આવી

વિસનગરમા આગ હોનારતના બનાવો વારંવાર બની રહ્યા છે. પાલિકાની ફાયર ફાઈટર ટીમ અગ્નિશામકના નાના સાધનો સાથે આગને કાબુમા લેવા પ્રયત્ન કરે છે. પરંતુ નવાઈની બાબતતો એ છે કે ‘અ’ વર્ગની પાલિકાને મોટુ વોટર બાઉઝર ફાળવવાનો પત્ર મળ્યા બાદ પાચ માસ ઉપરાંતનો સમય થવા છતાં આ સાધનની ફાળવણી માટે લીલી ઝંડી આપવામાં આવતી નથી. વિવિધ પાલિકાઓમાં કરોડોના સાધનો ફાળવણીના કાર્યક્રમોનો તાયફો કરવાના ચક્કરમાં વોટર બાઉઝર ફળવાતુ નથી અને આગ હોનારતના બનાવોમા વિસનગરના લોકોને નુકશાન થઈ રહ્યુ છે. ત્યારે વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ શહેરને તાત્કાલિક વોટર બાઉઝર ફળવાય તેવી સરકારમા ભલામણ કરે તેવી જાગૃત લોકોની લાગણી છે.
વિસનગરમા બે મહિનાના સમયમા મોટી આગ લાગવાના ત્રણ બનાવ બન્યા. પ્રથમ મેઈન બજારમાં મોટી વ્હોરવાડના નાકે ડ્રેસ મટેરીયલ્સની દુકાનમા આગ લાગી. ત્યારબાદ મહેસાણા ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમા ફાઈનાન્સની ઓફીસમાં આગ લાગી આ બંન્ને આગ ખુબજ ભયાનક હતી. પાલિકાના ફાયર ફાઈટર નાના સાધનોથી આ બંન્ને આગ કાબુમા લીધી. આ બંને બનાવમા મોટુ વોટર બાઉઝર હોતતો ઝડપી આગ કાબુમા આવી શકી હોત અને નુકશાન ઓછુ થયુ હોત.
આ બંન્ને બનાવ બાદ તા.૯-૧-૨૦૨૬ને શુક્રવારના રોજ નૂતન હાઈસ્કુલ રોડ ટાઉન હોલની સામે શિવ માર્કેટમા ભયાનક આગ લાગી હતી. માર્કેટના ભોયરામાં કચરામા ગમે તે કારણોસર આગ લાગી હતી. જ્યા આગ લાગી તેની આજુબાજુ પુંઠા ભરેલા હતા. પાલિકાને જાણ થતાજ ફાયર ફાઈટર ટીમના ઈન્ચાર્જ ફાયર ઈન્સપેક્ટર જયેશભાઈ પટેલ અને તેમની ટીમ આગ હોલવવાના નાના સાધનો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ભોયરમા લાગેલી આગનુ વિકરાળ સ્વરૂપ જોઈ અન્ય દુકાનોમા ન ફેલાય તે માટે આસપાસની દુકાનોનો સામાન તાત્કાલિક ખસેડવો પડ્યો હતો. જ્યાં આગ લાગી તેની બાજુમાજ પેપર બોક્સનો વેસ્ટ પડ્યો હતો. આગ વધુ ફેલાય તો પાલિકાના નાના સાધનોથી પહોચી વળાય તેમ નહી લાગતા તાત્કાલિક મહેસાણા પાલિકાનુ મોટુ વોટર બાઉઝર મંગાવી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યુ હતુ. લગભગ પાંચ થી છ ટેન્કર જેટલો પાણીનો છંટકાવ કરવામાં આવ્યો ત્યારે આગ કાબુમા આવી હતી. આગના આ બનાવથી શિવ માર્કેટના વેપારીઓમા ભારે દોડધામ થઈ હતી. વિસનગર શહેરમા વારંવાર મોટી આગ હોનારતના બનાવ બને છે. લગભગ પાંચ મહિના પહેલા સરકાર દ્વારા વિસનગર પાલિકાને મોટુ વોટર બાઉઝર ફાળવવામાં આવ્યુ હતુ. પરંતુ તેની ડીલેવરી કરવામાં આવતી નથી. વિસનગર પાલિકાની હદ વધીને હવે ૨૮ કી.મી.ની થઈ છે. વસ્તી પણ વધી છે. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ પરિસ્થિતિની ગંભીરતા સમજી પાલિકાને તાત્કાલિક મોટુ વોટર બાઉઝર ફળવાય તેવા પ્રયત્નો કરે તેે જરૂરી છે.