Select Page

વિસનગર સબ રજીસ્ટ્રારે માનવતા રાખી દસ્તાવેજનું કોકડુ ઉકેલ્યુ

લકવાગ્રસ્ત વારસદાર પરણિત દિકરી વિડીયોગ્રાફી કેમેરા સામે બોલી નહી શકતા

વિસનગર તાલુકાના લાછડી ગામના નિવૃત શિક્ષિકા પોતાની વેચાણ કરેલ જમીનનો દસ્તાવેજ કરવા બુધવારના રોજ વારસદારો સાથે વિસનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવ્યા હતા. જેમાં એક પરણિત વારસદાર દિકરી લકવાગ્રસ્ત હોવાથી તે વિડીયોગ્રાફી કેમેરામાં બોલી નહી શક્તા વેચાણ દસ્તાવેજનો મામલો ગુંચવાયો હતો. ત્યારે મહિલા સબ રજીસ્ટ્રાર, વિસનગર સિવિલ હોસ્પિટલના RMO અને મહેસાણા જીલ્લા નોંધણી અધિકારી(I.R)એ કાયદાકીય પ્રક્રિયા સાથે માનવતા દાખવતા સાંજે મહિલાની જમીનનો દસ્તાવેજ થયો હતો.
વિસનગર તાલુકાના લાછડી ગામના નિવૃત શિક્ષિકા મકવાણા મણીબેન મુળજીભાઈએ વિસનગરના એક મોટા વેપારીને પોતાની જમીન વેચાણ આપી હતી. જેઓએ ઓન લાઈન ટોકન મેળવી બુધવારના રોજ બપોરે પોતાના વારસદારોને લઈને જમીનનો દસ્તાવેજ કરવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં આવ્યા હતા. જેમાં એક વારસદાર પરણિત દિકરીનેે અગાઉ બ્રેઈન સ્ટ્રોકના લીધે પેરાલીસીસ (લકવો) થતા તેમની અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે તેમના નાકમાં નળી નાખતા તેઓ બોલી શક્તા ન હોતા. જ્યારે જમીનનો વેચાણ દસ્તાવેજ કરવા માટે કાયદાકીય પ્રક્રિયામાં સબ રજીસ્ટ્રાર મહિલા અધિકારી સમક્ષ વિડીયોગ્રાફી કેમેરા સામે વારસદાર તરીકે તેમને પોતાનું પુરૂ નામ અને અન્ય પ્રશ્નોનો હા કે ના માં જવાબ આપવો ફરજીયાત જરૂરી હતુ. પરંતુ આ વારસદાર દિકરી લકવાગ્રસ્ત અને નાકમાં નળી હોવાને લીધે પોતાનુ નામ પણ બોલી શકે તેવી હાલતમાં ન હોતા. જેથી આ દસ્તાવેજની પ્રક્રિયાનુ કોકડુ ગુંચવાતા વેચનાર અને લેનાર બંન્ને પક્ષોને સબ રજીસ્ટ્રાર કચેરીનો ધક્કો ખાવાની નોબત આવી હતી. અને દસ્તાવેજ માટેનુ ઓનલાઈન ટોકન રદ થાય તેમ હતુ ત્યારે સબ રજીસ્ટ્રાર મહિલા અધિકારીએ નાકમાં નળી સાથે ગાડીમાં આવેલ લકવાગ્રસ્ત પરણિત દિકરીને પહેલા તેમનુ નામ બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નાકમાં નળી અને મોંઢાના ભાગે લકવાની ગંભીર અસરના લીધે તેઓ કંઈપણ બોલી શક્તા ન હોતા. ત્યારે મહિલા સબ રજીસ્ટ્રારે વેચાણ દસ્તાવેજની પ્રક્રિયામાં આ વારસદાર દિકરીને વિડીયોગ્રાફી કેમેરા સામે પોતાનુ નામ અને પ્રશ્નોનો હા કે ના માં જવાબ આપવો ફરજીયાત હોવાનુ જણાવતા મામલો ગુચવાયો હતો. જોકે આ લકવાગ્રસ્ત પરણિત દિકરીની હાલત જોઈને તેમને ફરીથી ધક્કો ના થાય તે માટે મહિલા રજીસ્ટ્રાર પાયલબેન દેસાઈ (ચૌધરી)એ આ દસ્તાવેજ બાબતે પોતાની સમકક્ષના સિનિયર અધિકારીને ફોન કરી સલાહ લેતા તેમને સરકારી હોસ્પીટલના તબીબના રિપોર્ટ આધારે તેમના પરિવારના જવાબદાર સભ્યોનુ નિવેદન લઈ દસ્તાવેજ કરવાનું જણાવ્યુ હતુ. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડા. પારૂલબેન પટેલ અને આર.એમ.ઓ. ડા.એસ.વી.કોરીયાના પ્રયત્નોથી સિવિલના ફિઝીશીયન ડા. મેમણ સાહેબે આ લકવાગ્રસ્ત પરણિત દિકરીની શારિરીક કંન્ડીશનનો રીપોર્ટ આપ્યો હતો. જે રિપોર્ટ આધારે મહિલા રજીસ્ટ્રારે મહેસાણા જીલ્લા નોંધણી અધિકારી
(I.R)ની મદદથી નવો ઓનલાઈન ટોકન મેળવી કાયદાકીય પ્રક્રિયા સાથે માનવતા દાખવતા સાંજે જમીનનો દસ્તાવેજ થયો હતો. વિસનગર સબ રજીસ્ટ્રાર કચેરીના મહિલા અધિકારી, સિવિલ હોસ્પિટલના તબીબો અને મહેસાણા જીલ્લા નોંધણી અધિકારીની કાયદાકીય પ્રક્રિયા સાથેની માનવતા ખરેખર બિરદાવવા લાયક કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us