Select Page

વિપુલભાઈ ચૌધરીને વિધાનસભાની ચુંટણી આવતા સમાજ યાદ આવ્યો

વિપુલભાઈ ચૌધરીને વિધાનસભાની ચુંટણી આવતા સમાજ યાદ આવ્યો

• ઋષિભાઈ પટેલે વિસનગર તાલુકામાં ચૌધરી સમાજને પુરેપૂરુ સન્માન આપ્યુ છે
• સમાજના મજબુત સંગઠન માટે ચૌધરી સમાજ એક થાય તેમાં મારો તન, મન, ધનથી સહકાર રહ્યો છે અને રહેશે-રાજુભાઈ ચૌધરી

વિસનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ માર્કેટયાર્ડના ડીરેક્ટર રાજુભાઈ ચૌધરી હંમેશા રાજકીય સ્ટેટમેન્ટ અને આક્ષેપબાજીથી દુર રહ્યા છે. ચુંટણી સભાઓમાં કાયમ હકારાત્મક ભાષણો કર્યા છે. પરંતુ ચૌધરી સમાજના સંગઠનના નામે આમંત્રણ આપી સ્ટેજ ઉપર સ્થાન આપી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપ વિરોધમાં ઝેર ઓકતા ભાષણો થતા રાજુભાઈ ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી છેકે, વિધાનસભાની ચુંટણી આવી ત્યારે વિપુલભાઈ ચૌધરીને સમાજની યાદ આવી છે. ઋષિભાઈ પટેલે વિસનગર તાલુકામાં ચૌધરી સમાજને પૂરેપૂરુ સન્માન આપ્યુ છે. રાજકીય વેરઝેરમાં ઋષિભાઈ સમાજ વિરોધી છે તેવા વાહિયાત ભાષણો કરી વિપુલભાઈ ચૌધરી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી અર્બુદા સેનાના નામે સમાજને સંગઠીત કરવા વિસનગર અને ખેરાલુ તાલુકામાં ચૌધરી સમાજના ગામોમાં સભાઓ યોજી રહ્યા છે. જે મુજબ વિસનગર તાલુકાના ખરવડા ગામમાં તા.૫-૩-૨૦૨૨ ના રોજ વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જાહેર સભાનુ આયોજન કરાયુ હતુ. સમાજના સંગઠન માટેની મીટીંગ હોવાનુ જણાવી વિસનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર રાજુભાઈ લવજીભાઈ ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. સમાજ સંગઠન માટેના વિચારો હોઈ ચૌધરી સમાજના અન્ય આગેવાનોની જેમ રાજુભાઈ ચૌધરી પણ આ સભામાં હાજર રહ્યા હતા. જે સભામાં વિપુલભાઈ ચૌધરીએ સમાજને સંગઠીત કરવાની વાતો વચ્ચે વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ અને ભાજપ સરકાર વિરુધ્ધ આક્ષેપો શરૂ કર્યા હતા. ઋષિભાઈ પટેલ વિરુધ્ધ સમાજમાં રોષ ઉભો કરવા જણાવ્યુ હતુ કે, ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના વિરોધી છે. જે ચૌધરી સમાજે ગત વિધાનસભાની ચુંટણીમાં જીતાડ્યા હતા તે સમાજના લોકોને અવગણના કરી રહ્યા છે. સમાજ સંગઠનની સભામાં વિપુલભાઈ ચૌધરીએ ઋષિભાઈ પટેલ અને ભાજપ સરકાર વિરુધ્ધ ઝેર ઓક્યુ હતુ.
ઋષિભાઈ પટેલ અને ભાજપના આશિર્વાદથી તાલુકા પંચાયત પ્રમુખ અને એપીએમસીના ડીરેક્ટરનુ સન્માન મેળવનાર રાજુભાઈ ચૌધરીએ વિપુલભાઈ ચૌધરીના ખોટી આક્ષેપબાજી કરતા ભાષણો સામે નારાજગી વ્યક્ત કરતા પ્રચારને જણાવ્યુ હતુ કે, વિપુલભાઈ ચૌધરી સમાજને સંગઠીત કરવાના બહાને રાજકીય રોટલો શેકી રહ્યા છે. ચૌધરી સમાજમાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષની વિચારધારા ધરાવતા લોકો છે. ત્યારે વિપુલભાઈ ચૌધરી સમાજને તથા યુવાનોને ખરેખર સંગઠીત કરવા માગતા હોય તો સમાજ સંગઠનના નામે બોલાવવામાં આવતી સભાઓમાં રાજકીય પ્રવચનો બંધ કરવા જોઈએ. સમાજમાં રાજકારણનુ વેરઝેર ઘુસી જશે તો સમાજ ક્યારેય સંગઠીત થશે નહી અને લાબો સમય સંગઠન ટકશે નહી.
રાજુભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિપુલભાઈ ચૌધરી પોતાનો રાજકીય હિસાબ પુરો કરવા ઋષિભાઈ પટેલ અને ભાજપ સરકાર વિરુધ્ધ ખોટા આક્ષેપો કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના ક્યારેય વિરોધી નથી. ઋષિભાઈ પટેલ ચૌધરી સમાજના વિરોધી હોત તો એપીએમસીની ચુંટણીમાં ચૌધરી સમાજના પાંચ વ્યક્તિઓને ડીરેક્ટર બનાવ્યા ન હોત અને ચૌધરી સમાજના એક આગેવાનને વાઈસ ચેરમેન બનાવ્યા ન હોત. ઋષિભાઈ પટેલે ચૌધરી સમાજને ભાજપ સંગઠનમાં અલગ અલગ હોદ્દાઓ આપ્યા છે. તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ચૌધરી સમાજને ટીકીટો આપી મહત્વ આપ્યુ છે. સમાજના એક મહિલાને તાલુકા ડેલીગેટ બનાવ્યા છે. ચૌધરી સમાજના ગામોમાં વિકાસ કામમાં મહત્વ આપી રહ્યા છે અને વિકાસ કામ કરાવી રહ્યા છે. દૂધસાગર ડેરીની ચુંટણી સંદર્ભે જણાવ્યુ છેકે, પ્રદેશ ભાજપે દૂધસાગર ડેરીની ચુંટણીની જવાબદારી ઋષિભાઈ પટેલને સોપતા પાર્ટીના આદેશનુ પાલન કર્યુ છે. તેમાં ઋષિભાઈ પટેલનો કોઈ અંગત સ્વાર્થ નહોતો. દૂધસાગર ડેરીમાં પણ વિસનગર તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ચેરમેન બન્યા છે. વિસનગર તાલુકામાં ઋષિભાઈ પટેલે ચૌધરી સમાજને પૂરેપૂરુ સન્માન આપ્યુ છે. પછી ચૌધરી સમાજના વિરોધી છે તેવુ કેવી રીતે કહી શકાય. ભૂતકાળમાં મને પણ ઋષિભાઈ પ્રત્યે થોડુ મનદુઃખ હતુ પણ ક્યારેય જાહેરમાં તેમના વિશે ટીપ્પણી કરી નથી.
ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે. તેનો લાભ લેવા વિપુલભાઈ ચૌધરી અર્બુદા સેનાના ઓઠા તળે ગામેગામ સભાઓ કરી પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા સમાજના લોકોની લાગણીઓ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચૌધરી સમાજના ભાઈ-બહેનોને વિનંતી કરતા રાજુભાઈ ચૌધરીએ જણાવ્યુ છેકે, સમાજનુ મજબુત સંગઠન કરવુ જોઈએ. ચૌધરી સમાજની એકતા થાય તેમાં મારો તન, મન અને ધનથી પુરો સહયોગ રહ્યો છે અને રહેશે. પણ સમાજને સંગઠીત કરવાના બહાને કોઈ પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષવા માગતા હોય તો ખોટા ભરમાશો નહી. વિપુલભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન નહી બનતા હવે સમાજની યાદ આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us