Select Page

રેલીંગના અભાવે કાર અને એક્ટીવા કેનાલમાં ખાબક્યા

મંત્રી ઋષિભાઈ પટેલ માર્ગ મકાન વિભાગને ટકોરશે ખરા?

કડા રોડ અંધજન મંડળથી વિસનગર રોડ તરફ સાઈડમાં રેલીંગના અભાવે કેનાલમાં વાહન પડવાથી અકસ્માત થયાનો ટુંક સમયમાં ત્રીજો બનાવો બન્યો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ માર્ગ મકાન વિભાગના કાન આંબળી રેલીંગ લગાવડાવશે નહી તો કોઈ મોટી દુર્ઘટના થવાની પુરેપુરી શક્યતા છે.
કડા રોડ ઉપર સદુથલા જવાના રોડથી વિસનગર તરફ આઠ ગામની વાડી સુધી રોડ સાઈડમાં વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલી છે. અગાઉ આ કેનાલની આગળ લોખંડની રેલીંગ લગાવવામાં આવી હતી. પરંતુ રોડ પહોળો થયા બાદ રેલીંગ લગાવવામાં નહી આવતા વાહનચાલકો અંદર પડીને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. કોઈ મોટી હોનારત થાય તે પહેલા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ માર્ગ મકાન વિભાગને કેનાલ પાસે રેલીંગ લગાવવા સુચન કરે તે જરૂરી છે.
વિસનગર તાલુકાના કડા રાઠોડીપુરા ગામના કાર્તિકસિંહ પ્રહલાદસિંહ શંભુજી રાઠોડ તથા તેમના કુટુંબી ભાઈ દિલીપસિંહ બળદેવસિંહ રાઠોડ બન્ને જી.જે.૦૨ બી.એન. ૧૮૮૭ નંબરના એક્ટીવા ઉપર વિસનગર તરફ આવતા હતા. જેઓ દર્શન હોટલથી થોડા આગળ વિસનગર તરફ નિકળતા પાછળથી પુરઝડપે આવતી જી.જે.૦૨ ઈ.એ.૦૪૪૧ નંબરની સ્વીફ્ટ ડીઝાયર કારે ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે રેલીંગ નહી હોવાથી એક્ટીવા તથા કાર બન્ને કેનાલમાં ખાબક્યા હતા. કેનાલમાં પાણી ઓછુ હોવાથી એક્ટીવા સવાર તથા કારમાં બેઠેલા લોકો બચી ગયા હતા. અકસ્માત જોઈ રોડ ઉપરથી પસાર થતા લોકો એકઠા થઈને અકસ્માતનો ભોગ બનનાર લોકોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં કેનાલમાં પડવાથી કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ગેસની ટાંકી ડેકીમાંથી બહાર નિકળી પાણીમાં તરતી હતી. એક્ટીવા કેનાલના પાણીમાં ડુબી ગયેલુ જોવા મળ્યુ હતુ. એક્ટીવા સવાર તથા કારમાં બેઠેલા લોકોને ઈજાઓ થતા નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રણ માસના અંતરમાં કેનાલ આગળ રેલીંગના અભાવે આ ત્રીજો બનાવ બન્યો છેકે જેમા અકસ્માત બાદ વાહન કેનાલમાં પડ્યા છે.
કેનાલમાં પડવાથી અકસ્માતનુ જોખમ વધી જાય છે. માર્ગ મકાન વિભાગ વાહનો કેનાલમાં પડવાનો તમાશો જોઈને બેસી રહે છે. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, કેનાલ આગળ રેલીંગ નાખવા કેમ કોઈ સુચના આપતા નથી અને વારંવાર અકસ્માતના બનાવો બાદ રેલીંગ કેમ નાખવામાં આવતી નથી તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us