ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખનુ ભરતી પહેલા રાજીનામુ
હાઈસ્કુલમા આચાર્યની ભરતીમાં રાજકીય વ્યક્તિની નિમણૂંકનો વિરોધ થતા
- ખેરાલુ મ્યુન્સિપલ હાઈસ્કુલમા આચાર્યની ભરતીમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની નિમણૂંક
ખેરાલુ વિધાનસભાની રસાકસી ભરી ચુંટણીમાં ભાજપના ઉમેદવાર સરદારભાઈ ચૌધરીને ચૌધરી સમાજમાંથી ૧૦% પણ મત મળ્યા નહોતા. રાજપૂત સમાજ અને ઈત્તર સમાજનુ સંપૂર્ણ સમર્થન મળ્યુ હતુ. તેમજ ઠાકોર સમાજના મતોમા ત્રણ ભાગ થયા હતા. સરદારભાઈ ચૌધરી ચુંટાયા પછી ઈત્તર સમાજ ખુબ જ ખુશ હતો. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાના બનાવોથી ઈત્તર સમાજમા ભારે નારાજગી જોવા મળે છે. ત્યારે હવે ઈત્તર સમાજના કરોડોના દાનથી આધુનિક રૂપરંગ ધરાવતી ખેરાલુ મ્યુનસિપલ હાઈસ્કુલમાં ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખની નિમણુંક બાબતે રાજકીય વ્યક્તિની નિમણૂંક ન કરવા જોર શોરથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ હતી. છતા પણ વિનુભાઈ ચૌધરીની આચાર્યપદે પસંદગી થતા ખેરાલુ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાયા પછી સતલાસણામા ૧૦૮ માં નોકરી કરતી ચૌધરી સમાજની મહિલાનુ ડિલેવરી દરમ્યાન મૃત્યુ થતા ચૌધરી સમાજને આંદોલન કર્યુ હતુ. આ આંદોલનને શાંત કરવા ડૉકટર્સ એસોશિએશને ધારાસભ્ય સમક્ષ રજુઆત કરી હતી. છતા ધારાસભ્ય દ્વારા આંદોલન શાંત કરવામા યોગ્ય ભૂમિકા ન ભજવતા ચૌધરી સમાજને તરફેણ કર્યાની ચર્ચાઓ શરૂ થઈ હતી.ત્યારબાદ ખેરાલુમા બાલાપીર પાસે બારોટ અને ચૌધરી સમાજના યુવાનો વચ્ચે થયેલા ઝગડામાં બારોટ સમાજના યુવાનો વિરૂધ્ધ લુંટ દાખલ થતા ચૌધરી સમાજની તરફેણ કર્યાની ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારબાદ હાઈવેના ગોગાપાર્લર ઉપર થયેલી બારોટ-ચૌધરી યુવકો વચ્ચેની મારામારીમાં ચૌધરી સમાજ વિરૂધ્ધ ૩૦૭ દાખલ થઈ હતી જેના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડતી નથી તેમા પણ ચૌધરી સમાજની તરફેણ કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલની ભરતીમાં ઈત્તર સમાજના દાતાઓના સહકારથી બનેલી ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલમા ચૌધરી સમાજના વ્યક્તિ અને ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચૌધરીની નિમણુક થઈ જતા ફરીથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ચૌધરી સમાજની તરફેણ કર્યાની ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વિરોધીઓ દ્વારા ઉભી કરાઈ હોય તેવુ લાગે છે. પરંતુ ટૂંક સમયમાં લોકસભાની ચુંટણી હોવાથી ભાજપને મોટુ નુકશાન કરે તેવી શક્યતાઓ જોવા મળે છે.
ખેરાલુ શહેરમાં આચાર્યની ભરતીના મુદ્દે રાજકીય વ્યક્તિની નિમણુંક ન થવી જોઈએ. તેવા હોબાળા થતા ખેરાલુ તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખ વિનુભાઈ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રાજીનામુ મોકલાવી દીધુ છે. જેમા જણાવ્યુ હતુ કે છેલ્લા ૧૪ વર્ષથી પક્ષના સક્રિય કાર્યકર તરીકે વફાદારીથી કામ કર્યુ છે. જેથી રાજી ખુશીથી ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા પક્ષના સક્રિય કાર્યકર તરીકે રાજીનામુ આપ્યુ હતુ. હવે ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલના પ્રિન્સીપાલ વિનુભાઈ ચૌધરી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થઈ છે. તે બાબતે વિનુભાઈ ચૌધરીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે હુ હવે માત્ર મ્યુનિસિપલ હાઈસ્કુલના ધોરણ ૧ર નુ રિઝલ્ટ સુધરે તેમા ધ્યાન આપીશ સમય સમયનુ કામ કરશે. હાલ હું રાજકારણથી સંપુર્ણ નિવૃત છુ. ગણીતનો શિક્ષક છુ હાઈસ્કુલની ટકાવારી સુધારવા હુ તનતોડ પ્રયત્ન કરીશ.