વિસનગર બ્લડ બેંકમાં સમર્થ ડાયમંડ ગૃપનુ રૂા.૩૧ લાખનુ દાન
વિસનગર બ્લડ બેંકમાં સમર્થ ડાયમંડ ગૃપનુ રૂા.૩૧ લાખનુ દાન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમર્થ ડાયમંડ ગૃપ એ વિસનગર પંથકમાં અસંખ્ય લોકોને રોજગારી આપતી ઔદ્યોગીક સંસ્થા છે. ડાયમંડ ગૃપ આવક કરે છે તો વિસનગર પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ તેવી ભાવનાથી આ ગૃપ દ્વારા શૈક્ષણિક, સામાજીક, તેમજ આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપવા હંમેશા તત્પરતા દાખવી છે. રાજુભાઈ પટેલ આર.કે.એ વિસનગર વોલન્ટરી બ્લડ બેંકનુ સંચાલન લીધા બાદ બ્લડ બેંકનો વિકાસ તથા પ્લાઝમા સેન્ટર માટે દાનની અપીલ કરતા શહેરના ભામાશાની અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેમાં સમર્થ ડાયમંડ ગૃપ તરફથી રૂા.૩૧ લાખનુ દાન અર્પણ કરી સમર્થ ગૃપે શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓને સંદેશો આપ્યો છેકે, આવકમાંથી થોડી ઘણી રકમ સમાજ સેવા પાછળ ખર્ચવી જોઈએ. બ્લડ બેંકના વિકાસ માટે પરોપકારી તથા સમાજનુ ઋણ અદા કરનાર સમર્થ ગૃપ દ્વારા માતબર રકમનુ દાન આપવામાં આવતા રાજુભાઈ પટેલ, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન, સ્વસ્તિક મિત્ર મંડળ, કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન તથા બ્લડ બેંક પરિવારે દાતાનો આભાર માન્યો હતો.
વિસનગર શહેરમાં ગોવિંદભાઈ એમ.પટેલ, દશરથભાઈ એમ.પટેલ અને દિનેશભાઈ એમ.પટેલ એમ ત્રણેય ભાઈઓના સંયુક્ત સાહસથી સમર્થ ડાયમંડ ગૃપ ચાલી રહ્યુ છે. આ ગ્રુપ દ્વારા ડાયમંડ, જ્વેલર્સ તેમજ બગાયતી ક્ષેત્રમાં મોટા પાયે ઉદ્યોગ વિકાસ ચાલી રહ્યો છે. જેમના થકી વિસનગરમાં પાંચ હજારથી વધુ લોકોને રોજીરોટી આપવામાં આવી રહી છે અને તેઓ વિસનગરના વિકાસમાં અને સેવા કાર્યમાં સતત સહયોગી રહ્યા છે. રાજુભાઈ કે.પટેલ કે આર કે જ્વેલર્સની, કિર્તીભાઈ જે.પટેલ કલાનિકેતન તથા તેમની ટીમ દ્વારા વિવિધ સેવાઓ થઈ રહી છે. તેમાં પણ સમર્થ ગ્રુપ દ્વારા સહયોગ પ્રાપ્ત થતો રહે છે. અગાઉ પણ વીસ ઇન્ડિયા ક્રેડીટ સોસાયટીમાં અને વિશ્વ પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટમાં સમર્થ ગૃપ સહયોગી બન્યુ છે. તાજેતરમાં વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના કોમ્પોનન્ટ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે ગોવિંદભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હતા. અને તેમને તે દિવસે બ્લડ બેંકને આર્થિક રીતે સહયોગ પ્રાપ્ત કરવાની એક ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના અનુસંધાને સમર્થ ગ્રુપના ત્રણેય ભાઈઓએ સંયુક્ત રીતે નિર્ણય કરીને રૂપિયા ૩૧ લાખનું માતબર દાન વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને જાહેર કરેલ છે. આ દાન મળવાથી હવે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને આગામી વિકાસ કરવામાં સરળતા રહેશે. જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર મિહિરભાઈ જોશી, ર્ડા.મહેશભાઈ ગાંધી તથા ડાયમંડ વેપારી કિરીટભાઈ શાહ દ્વારા ભૂતકાળમાં બ્લડ બેંકનુ સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. જેમણે રાજુભાઈ કે.પટેલના નેતૃત્વ નીચે સ્વસ્તિક મિત્ર મંડળ અને કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનને બ્લડ બેંકનું સંચાલન આપ્યુ હતું. જેના પછી બ્લડ બેંકને સારા પ્રમાણમાં દાન મળી રહ્યું છે. સમર્થ ગ્રુપ દ્વારા મળેલ રૂપિયા ૩૧ લાખના દાન માટે બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઇ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીભાઇ જે.પટેલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સમર્થ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો છે. અને તેમના પરિવાર ઉપર ઈશ્વરની અસીમ કૃપા બની રહે તેવી હૃદયથી ઇશ્વરને પ્રાર્થના કરી છે.