Select Page

૨૪ મહિનામાં કામ પુરૂ કરવાની શરત સાથે આઈ.ટી.આઈ.ફાટક ઓવરબ્રીજનુ રૂા.૫૯.૮૫ કરોડનુ ટેન્ડરીંગ

૨૪ મહિનામાં કામ પુરૂ કરવાની શરત સાથે આઈ.ટી.આઈ.ફાટક ઓવરબ્રીજનુ રૂા.૫૯.૮૫ કરોડનુ ટેન્ડરીંગ

વિસનગર શહેરના વિકાસની સાથે વાહનોની સંખ્યા વધતા ટ્રાફીક વ્યવસ્થાપન માટે ઓવરબ્રીજની જરૂરીયાત ઉભી થઈ છે. જેમાં રેલ્વે શરૂ થતા હવે ફાટક ઉપર ટ્રાફીક જામની સમસ્યા જટીલ બની છે. ત્યારે જાગૃત ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજની મંજુરી મળતા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂા.૫૯.૮૫ કરોડનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. બે વર્ષની મુદતમાં કામ પૂર્ણ કરવાની શરત છે ત્યારે બ્રીજનુ કામ શરૂ થશે તે સમયે શહેરમાં હાઈવેના વાહનોથી ભારે ટ્રાફીક ન થાય તે બાબતનુ ધ્યાન રાખવાની અને તેનુ સુયોજીત આયોજન કરવાની પણ એટલીજ જરૂર છે.
વિસનગરમાં રેલ્વે વ્યવહાર શરૂ થતા શહેરના ત્રણ ફાટક ઉપર ટ્રાફીક જામની સમસ્યા વિકરાળ બની છે. ગંજબજાર ફાટક રોડ ખુબજ સાંકડો હોવાથી આ ફાટક ઉપર ઓવરબ્રીજ બને તેવી માગણી અંતર્ગત સાંસદ શારદાબેન પટેલની ભલામણથી અંડરબ્રીજ સાથેના ઓવરબ્રીજની ડિઝાઈન એપ્રુવ થઈ હતી. પરંતુ બ્રીજના કારણે વેપાર ધંધાને અસર થશે તેવા વેપારીઓના વિરોધથી ઓવરબ્રીજનુ કામ પડતુ મુકાયુ હતુ. ગંજબજાર બ્રીજની ગ્રાન્ટ લેપ્સ ન થાય અને શહેરના આઈ.ટી.આઈ. ફાટકમાં ફળવાયેલ ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને સફળતા મળી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા આઈ.ટી.આઈ. ફાટકના ઓવરબ્રીજ માટે રૂા.૫૯,૮૫,૭૯,૭૬૫/- ની કિંમતનુ ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. ૨૪ મહિનામાં બ્રીજનુ કામ પૂર્ણ કરવાની ટેન્ડરમાં શરત છે. બ્રીજનુ કામ કરતા છછ ક્લાસ અને સ્પેશિયલ કેટેગરીના કોન્ટ્રાક્ટરજ ટેન્ડર ભરી શકશે. તા.૧-૩-૨૪ બીડ ઓપનીંગ ડેટ છે. જ્યારે ૧૮૦ દિવસનો બીડ વેલીડીટી પીરીયડ છે. એટલે બ્રીજનુ કામ શરૂ થતા હજુ ૬ થી ૮ માસનો સમય લાગશે તેવુ જણાય છે. આઈ.ટી.આઈ. બ્રીજ બનશે ત્યારે હાઈવે ઉપર આ ફાટક ઉપર થતા ટ્રાફીકનો કાયમી અંત આવશે.
આઈ.ટી.આઈ. ફાટક ઓવરબ્રીજનો ટેકનિકલ ડેટા હજુ સુધી વિસનગરના કોઈ આગેવાન કે કોઈ ઓફીસ સુધી પહોચ્યો નથી. પરંતુ જાણવા મળ્યા પ્રમાણે ફાટકથી ધરોઈ કોલોની રોડ બાજુ વિદ્યાનગર સોસાયટી આસપાસ સુધી અને ફાટકથી આઈ.ટી.આઈ.નો વરંડો પુરો થાય ત્યા સુધી બ્રીજ બનશે. બ્રીજની બન્ને બાજુ સર્વિસ રોડ પણ બનશે. જેથી સ્થાનિક અવરજવરમાં કોઈ તકલીફ રહેશે નહી. આઈ.ટી.આઈ. બ્રીજનુ ટેન્ડરીંગ થતાની સાથે સોશિયલ મીડિયામાં ગંજબજાર ઓવરબ્રીજનો નકશો ફરી રહ્યો છે. જે વર્ષ ૨૦૨૦ માં તૈયાર કરવામાં આવેલો નકશો છે. પરંતુ સ્થાનિક વેપારીઓ અને ગંજબજારના વેપારીઓના વિરોધના કારણે ઓવરબ્રીજ નામંજુર થયો હતો. સોશિયલ મીડિયામાં ગંજબજાર ઓવરબ્રીજ મંજુરીની અફવા ચાલી રહી છે.
હમણા થોડા સમય અગાઉજ આઈ.ટી.આઈ. ફાટક રીપેરીંગના કારણે બે દિવસ બંધ કરવામાં આવ્યો હતો. હાઈવે ઉપરના ભારે વાહનોનુ શહેરમાં ડાયવર્ઝન આપવામાં આવતા વિસનગરમાં આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી એમ.એન.કોલેજ રોડ, સવાલા દરવાજા, મહેસાણા ચાર રસ્તા સુધી વાહનોની કતાર જોવા મળી હતી. ઓવરબ્રીજનું કામ શરૂ થતા આઈ.ટી.આઈ. ફાટક બે વર્ષ સુધી બંધ રહેશે. વિસનગરનો બાયપાસ હાઈવે શરૂ થતા હજુ ત્રણ ચાર વર્ષનો સમય થાય તેવુ જણાય છે. ત્યારે બે વર્ષ ફાટક બંધ રહે તો શહેરમાં ટ્રાફીકની શુ હાલત થશે તેતો વિચાર કરી અત્યારથી આયોજન વિચારવુ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us