સ્લમ વિસ્તારના મિલ્કતધારકોને ગેરકાયદેસરના ભયમાંથી મુક્તિ ક્યારે
આઝાદી કા અમૃત મહોત્સવમાં વેરા દંડ વળતર આપતી સરકારનો ગરીબ લક્ષી નિર્ણય ક્યારે?
- ચુંટણી સમયે મત નહી આપો તો દબાણો દુર કરવાની ધમકી આપવામાં આવે છે-મનુજી ઠાકોર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા મિલ્કત વેરામાં વ્યાજ અને દંડ માફીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વર્ષોથી સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ શ્રમજીવી વર્ગને ગેરકાયદેસરના બંધનમાંથી આઝાદી અપાવવા માટે ભાજપ સરકારે વિચાર કરવો જોઈએ. ગેરકાયદેસર દબાણો દુર કરવાની ધમકીઓ આપી મત મેળવવાની લાલચમાં ભાજપ સરકાર સ્લમ વિસ્તારની મિલ્કતોને કાયદેસર કરતી નથી કે શુ તેવો કટાક્ષ વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરે કર્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ સરકાર છેલ્લા બે વર્ષથી બાકી વેરામાં ચડેલ વ્યાજ – પેનલ્ટી માફી આપવાનો પરિપત્ર કરી મિલ્કતધારકોને લાભ રૂપી અમૃત આપી રહી છે. જેમાં દર વર્ષે રીઢા બાકીદારોને લાભ મળી રહ્યો છે. જ્યારે વેરાબીલ હાથમાં આવે એટલે તુર્તજ વેરો ભરતા મિલ્કતધારકોને કોઈ લાભ મળતો નથી. બાકીવેરામાં વ્યાજ – પેનલ્ટી માફીની આ યોજના પ્રમાણે ભાજપ સરકાર દ્વારા અગાઉ પણ વેરા બાકીદારોને લાભ આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જેમના નામે મિલ્કત છે તેવા લોકોને લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષોથી વસાહતોમાં કાચા મકાનમાં રહેતા લોકોને માલિકી હક્ક મળે તે માટે સરકાર દ્વારા કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવતો નથી. ગુજરાતમાં સ્લમ વિસ્તારમાં આવેલી કાચા મકાનોની એવી ઘણી વસાહતો છેકે જ્યા બે-ત્રણ પેઢીઓથી વસવાટ કરે છે. છતા જગ્યાની કાયદેસરની માન્યતા માટે તંત્ર વિચારતુ નથી. સરકારી આવાસો બનાવીને રાહતદરે ફ્લેટ આપવામાં આવે છે. પરંતુ વર્ષો જૂના સ્લમ વિસ્તારમાં આવેલ મિલ્કતોને કાયદેસરની માન્યતા આપવામાં આવતી નથી.
આ બાબતે વિસનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છેકે વિસનગરમાં ભાથીટીંબા, દગાલા, પાંચ આંબા, કેડીયા મહાદેવ, સાત પીપળી, ધુળીમાનુ પરૂ, ગંજી અને દિપરાના ઢાળમાં વિગેરે વિસ્તારોમાં ગરીબ શ્રમજીવી વર્ગના લોકોની વસાહતો આવેલી છે. જ્યા ગરીબ વર્ગના લોકો બે-ત્રણ પેઢીઓથી રહે છે. પરંતુ પાલિકા દ્વારા કાયદેસરની માન્યતા આપવામાં આવતી નથી. મનુજી ઠાકોરે એ પણ જણાવ્યુ છેકે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છેકે, વર્ષો જુની વસાહતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એન.ઓ.સી. આપે તો આકારણી કરીને માલિકી હક્ક આપવો. આવો પરિપત્ર થવા છતા સ્લમ વિસ્તારના લોકો અશિક્ષિત હોવાથી તેનો લાભ લઈ શકતા નથી અને પાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવતુ નથી. વગ ધરાવતા મોટા સમાજ કરોડોની કિંમતની જગ્યા ગેરકાયદેસર કોર્ડન કરે તો માલિકી હક્ક અપાવવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે સ્લમ વિસ્તારના ગરીબો વર્ષોથી જ્યા રહે છે તે મકાનની જગ્યાનો માલિકી હક્ક અપાવવા કોઈ વિચારતુ નથી. ભાજપ સરકારમાં ફક્ત ગરીબી હટાવવાની વાતો થાય છે. પરંતુ ગરીબોના હક્ક માટે કોઈ પ્રયત્ન કરતુ નથી. મનુજી ઠાકોરે એ પણ આક્ષેપ કર્યો છે કે ચુંટણીમાં ગરીબોને દમ મારી વોટ લેવા માટે સ્લમ વિસ્તારના રહેણાંકનો માલિકી હક્ક આપવામાં આવતો નથી. ચુંટણીમાં મત ન આપે તો દબાણો દુર કરવાની ધમકીઓ આપવામાં આવે છે. ભાજપ સરકાર સ્લમ વિસ્તારના ગરીબોનુ હિત ઈચ્છતી હોય તો વર્ષો જુની વસાહતોના રહેણાંક મકાનોની જગ્યાને કાયદેસરની માન્યતા આપી ગેરકાયદેસરના બંધનમાંથી આઝાદી અપાવવી જોઈએ.