
વિકાસની વાતો હવામાં બાચકા ભર્યા જેવી વિસનગર શહેર રામ ભરોસે,ભાજપનુ શાસન નિષ્ફળ-શામળભાઈ દેસાઈ

વિસનગર પાલિકાનો વહિવટ ખાડે જતા અત્યારે શહેરમાં ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે. પાલિકાને લગતી સેવાઓમાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ ઠાલવ્યો છેકે, વિસનગર શહેર રામ ભરોસે છે અને પાલિકામાં ભાજપનુ પાંચ વર્ષનુ શાસન નિષ્ફળ નિવડ્યુ છે. આરોગ્ય મંત્રી વિસનગરના હોવા છતા કોઈ સ્પેશ્યલ પ્રોજેક્ટ લાવી શક્યા નથી તે બતાવે છેકે ભાજપને ફક્ત સત્તાનીજ ભૂખ છે. નગરજનોને નવી સગવડ અને સુવિધા મળે તેની કોઈને પડી નથી.
વિસનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા તેમજ સિનિયર સભ્ય શામળભાઈ દેસાઈએ પાલિકાની નિષ્ફળ કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છેકે, વિસનગરના લોકો અત્યારે એક નહી પરંતુ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યા ગટર ઉભરાતી ન હોય. ઠેર ઠેર પાણીની લાઈનોમાંથી લિકેજ જોવા મળી રહ્યુ છે. લિકેજ રીપેરીંગ માટે કરવામાં આવેલા ખાડા બબ્બે મહિનાથી પુરાતા નથી. પાઈપલાઈન રીપેરીંગ માટે પાલિકામાં માલ સામાન નથી કે અનુભવી સ્ટાફ નથી. સ્વચ્છ ભારત અભિયાનના નાટક કરવામાં આવે છે પરંતુ શહેરમાં નિયમિત સફાઈ થતી નહી હોવાથી પારાવાર ગંદકી છે. કચરો ઉઘરાવતી ડોર ટુ ડોર સેવાના સમયના કોઈ ઠેકાણા નથી. દિવસમાં ગમે તે સમયે ટ્રેક્ટર આવતુ હોવાથી મહિલાઓ આ સેવાનો લાભ લઈ શકતી નથી. એઠવાડ જેવી ગંદકી ઘરમાં રાખી શકાય તેમ ન હોઈ છેવટે લોકો ખુલ્લામાં કચરો નાખવા મજબુર બને છે. સ્વચ્છતા પાછળ વર્ષે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ તેનો કોઈ લાભ જોવા મળતો નથી. નર્મદા યોજના આધારીત ખાસ વિસનગર શહેર માટે જૂથ યોજના હોવા છતા પીવાના પાણીના ધાધીયા થાય છે.
પાંચ વર્ષના શાસનમાં સ્પેશ્યલ પ્રોજેક્ટનો કોઈ લાભ મળ્યો નહી
શામળભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ હતું કે, અત્યારે વિકાસના નામે સમગ્ર શહેર ખોદી નાખ્યુ છે. વિકાસની સાથે લોકોને તકલીફ ન પડે તે જોવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. શહેરની પાલિકાને લગતી વિવિધ સમસ્યાઓ બાબતે પ્રમુખ કે ચીફ ઓફીસરને રજુઆત કરવા છતા લાંબા સમય સુધી તેનો નિકાલ થતો નથી. ચીફ ઓફીસર પ્રમુખના ટુ વ્હીલર પાછળ બેસીને ફરે છે પણ કયા કારણે ફરે છે તે સમજાતુ નથી. ઉત્તમભાઈ પટેલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારે ગંજબજાર ફાટક રોડની સાઈડના ખાડા પુરવા માટે રજુઆત કરી હતી જે કામ દોઢ વર્ષે થયુ. આવીજ રીતે તમામ કામ થાય છે. ગટર ઉભરાતી હોય કે પાઈપલાઈન લિકેજ હોય તો યુધ્ધના ધોરણે કામ થયુ હોય તેવુ ક્યારેય આ બોર્ડમાં જોવા મળ્યુ નથી. પાલિકામાં વર્ષ-૨૦૨૧ માં ભાજપનુ બોર્ડ સત્તામાં આવ્યુ અને તેના થોડા મહિના પછી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા ત્યારે કમલ પથ, તમામ બ્યુટિફિકેશન, બાગ રિનોવેશન જેવા વિકાસની વાતો કરવામાં આવતી હતી. પાલિકાના વર્તમાન બોર્ડનો સમય હવે એક વર્ષનો બાકી રહ્યો છે ત્યારે વિકાસની વાતો હવામાં બાચકા ભર્યા જેવી સાબીત થઈ છે. પાલિકાના નવા બોર્ડની શરૂઆતની મીટીંગમાં મધક તળાવના રિનોવેશન માટે દરખાસ્ત કરવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ શહેર માટે સ્પેશ્યલ પ્રોજેક્ટ ખેંચી લાવવાની કોઈ કામગીરી થઈ નથી. વિસનગર પાસે કેબીનેટ મંત્રીની પોસ્ટ હોવા છતા પાલિકાના શાસકો પાસે વિકાસની કોઈ દ્રષ્ટી નહી હોવાથી લાભ લઈ શક્યા નથી. શહેરનો નવો વિકાસ નકશો અને હદ વધારવાની દરખાસ્તના પણ કંઈ ઠેકાણા નથી. ફક્ત ભાજપના નામે ચુંટાવાથી વિકાસ થતો નથી તેનુ વિઝન પણ હોવુ જોઈએ. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પણ પાલિકામાં કેવો વહિવટ ચાલે છે અને પ્રજાની શુ મુશ્કેલીઓ છે તેનુ ધ્યાન રાખવામાં નિષ્ફળ ગયા છે.
વિસનગરના લોકોને પણ ટકોર કરતા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યુ છેકે, ખોબલે ખોબલે એક તરફી મત આપવાના કારણે છેવટે તો આવી હાલાકીઓનોજ સામનો કરવો પડે છે. વિપક્ષ જો થોડુ ઘણુ મજબુત હોય તો શાસક પક્ષ પણ જાગતો રહે. વિપક્ષનો સફાયો કરી નાખવાના કારણે આજ પરિસ્થિતિ એવી થઈ છેકે શાસક પક્ષને કોઈની કંઈ પડી નથી અને મનમાની ભર્યો વહીવટ કરી રહ્યો છે. પ્રજા જ્યા સુધી જાગૃત નહી થાય ત્યા સુધી લોકોની અવગણના કરતો ભાજપનો વહિવટ રહેશે.