Select Page

પ્રમુખની સેન્સના માર્ગદર્શનની સંકલનમાં સભ્યોની ફુલ હાજરી

પ્રમુખની સેન્સના માર્ગદર્શનની સંકલનમાં સભ્યોની ફુલ હાજરી

વિસનગર પાલિકાના ભાજપના ૩૧ સભ્યોમાંથી કેટલાકની પાર્ટીના કાર્યક્રમોમાં સતત ગેરહાજરીને લઈને ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં પાલિકા સભ્યો ગેરહાજર રહેતા તેની ગંભીર નોધ લેવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે પાલિકા પ્રમુખની સેન્સના માર્ગદર્શન માટેની સંકલનમાં પ્રમુખની ઓફીસ ફુલ ભરાઈ જતા લાભ લેવા માટેજ સભ્યો ચુંટાયા છેકે શુ તેની ચર્ચાઓ થઈ રહી છે. નવાઈની વાતતો એ છેકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિના કાર્યક્રમોને પણ કેટલાક સભ્યો ગણકારતા નથી.
વિસનગર પાલિકા પ્રમુખની મહિલા સીટની અઢી વર્ષની મુદત પુરી થતી હોઈ નવી ટર્મના પ્રમુખ પદ માટે ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં તા.૩૧-૮-૨૦૨૩ ને ગુરૂવારના રોજ શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખની ઓફીસમાં ભાજપના ૩૧ સભ્યોની સંકલન બોલાવવામાં આવી હતી. જેમાં જીલ્લા ભાજપ સમક્ષ સેન્સ પ્રક્રિયામાં કંઈ રીતે સેંસ આપવી અને કોઈ પણ સભ્ય પ્રમુખની દાવેદારી કરી શકશે તેની સમજણ આપવામાં આવી હતી. પ્રથમ પ્રમુખના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ પાલિકા સભ્યોની સેન્સ લેવામાં આવશે. એક પછી એક પાલિકા સભ્યને બોલાવી કોને પ્રમુખ બનાવવા માગે છે તેની સેન્સ લેવામાં આવશે. પાર્ટીની આ પધ્ધતિથી અઢી વર્ષ હોબાળા કર્યા છે અને વિકાસ કામમાં રૂકાવટ કરી છે તેવા પ્રમુખના દાવેદારોમાં ફફડાટ ફેલાયો છે. શહેર પ્રમુખે ગૃપીજમ અને ખોટા વિવાદ નહી કરવાની પણ કડક સુચના આપવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે આ સુચના આપવા પાછળ એવી ચર્ચા ચાલી રહી છેકે એક સિનિયર સભ્યએ પ્રમુખ બનાવવામાં નહી આવે તો સભ્યોના રાજીનામા પડશે તેવી ધમકી આપી હોવાથી સંકલન બોલાવાની ફરજ પડી હતી. પ્રમુખ પદની વરણી બાદ કમિટીઓના ચેરમેનનો લાભ લેવા માટે તમામ સભ્યોએ સંકલનમાં હાજરી આપી હોવાનુ પણ જણાય છે. જ્યારે પાર્ટીના કાર્યક્રમોમાં કેટલાક સભ્યો ક્યારેય જોવા મળતા નથી.
લોકસભાની ચુંટણી આવતી હોવાથી ભાજપે વિવિધ કાર્યક્રમોનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં થોડા સમય અગાઉ મંત્રી ઋષિભાઈ પટેલની હાજરીમાં ટીફીન બેઠક યોજાઈ. ત્યારબાદ પાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશનો પીંડારીયા ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય કાર્યાલય આગળ ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડીંગની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે કેનીબેટ મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં પંચશીલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને છેલ્લે મહેસાણા કમલમ ખાતે ૨૭ ટકા ઓબીસી અનામતની જાહેરાતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોમાં પાલિકાના કેટલાક સભ્યો નિષ્ક્રિય રહીને ગેરહાજર રહ્યા હતા. જેની પણ ગંભીર નોધ લેવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us