Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની નિરર્થક ટ્રાફીક પારાયણ કથા

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની નિરર્થક ટ્રાફીક પારાયણ કથા

મીટીંગમાં અધિકારીઓને સૂચનો થાય છે પણ અમલ કોઈ નહી

  • રાજુભાઈ પટેલનો બળાપો – ટ્રાફીકના કારણે શહેરના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે
  • ટ્રાફીક કાર્યવાહીમાં મારી પણ ભલામણ ચલાવતા નહી-મંત્રી ઋષિભાઈ પટેલ
  • ભરતભાઈ પટેલની આઈટીઆઈ ફાટક નાના વાહનો માટે ખોલવા રજુઆત

વિસનગર શહેરની અત્યારે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ટ્રાફીક. ટ્રાફીક નિવારણ માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે અત્યાર સુધીમાં ઘણી મીટીંગો કરી અને ટ્રાફીકના કારણે શહેરીજનોને કોઈ મુશ્કેલી પડે નહી તે માટે અધિકારીઓને ઘણા સૂચનો કર્યા. પરંતુ પરિણામ શૂન્ય રહ્યુ છે. કેબીનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં ટ્રાફીક પારાયણ કથા યોજાઈ હતી. જેમાં શહેરના આગેવાનોની રજૂઆત મુજબ મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા. ત્યારે દોઢ બે કલાકની આ ટ્રાફીક પારાયણ કથા સાર્થક નિવડે છેકે નિરર્થક રહે છે તે સમય બતાવશે.
આઈટીઆઈ ફાટક ઓવરબ્રીજ બનશે ત્યારે તેનો ઘણો લાભ થશે. પરંતુ અત્યારે હાઈવેનો મહેસાણા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ હોવાના કારણે શહેર ટ્રાફીકના બાનમાં આવી ગયુ છે. ટ્રાફીકની ગંભીર સમસ્યાના ઉકેલ માટે તા.૮-૧૧-૨૦૨૫ ને શનિવારના રોજ પાલિકાના સભાખંડમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી. દોઢ કલાકની ટ્રાફીક પારાયણ કથામાં ડી.એસ.પી. સોલંકી, ડી.વાય.એસ.પી.ડી.એમ. ચૌહાણ, પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા, ચીફ ઓફીસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પી.આઈ. કે.બી.પટેલ, રાજુભાઈ આર.કે., પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન, ઈશ્વરભાઈ નેતા, જે.કે.ચૌધરી, પટેલ કરશનભાઈ લાછડી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પીનાબેન શાહ વિગેરે અધિકારીઓ, પદાધિકારીઓ તથા વેપારી મંડળના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં ભરતભાઈ એકાઉન્ટન્ટે ભાદરવી પૂનમની જેમ નાના થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે આઈટીઆઈ ફાટક ખોલવામાં આવે તો મોટાભાગની ટ્રાફીક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે તેમ રજુઆત કરી હતી. ભરતભાઈ પટેલે બંસલ મૉલથી કોલેજ ફાટક સુધીનો એમ.એન.કોલેજના વરંડા પાસે વૈકલ્પીક રસ્તો ખોલવાની પણ વિચાર વ્યક્ત કર્યો હતો. જે રજુઆતમાં રાજુભાઈ પટેલ તથા અન્ય વેપારીઓ પણ સંમત થયા હતા. આ ઉપરાંત્ત ટ્રાફીક પોઈંટ ફક્ત કાગળ ઉપરજ હોવાની નારાજગી વ્યક્ત કરી હતી. ફાટક ખોલવામાં આવે તો બ્રીજની કામગીરી દરમ્યાન અકસ્માતની શક્યતા હોવાનુ જણાવી જીયુડીસીના અધિકારીે ભરતભાઈ પટેલની ફાટક ખોલવાની રજુઆત ઉપર પાણી ફેરવી દીધુ હતુ. જ્યારે એમ.એન.કોલેજમાંથી વૈકલ્પીક રસ્તો ખોલવાની શક્યતા બાબતે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચન કર્યુ હતુ.
રાજુભાઈ પટેલ આર.કે. એ શહેરમાં વકરેલી ટ્રાફીક સમસ્યા બાબતે બળાપો કાઢતા જણાવ્યુ હતું કે, ટ્રાફીકના કારણે શહેરના વેપારીઓના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ટ્રાફીકના કારણે વાહનો લઈને આવતા ગ્રાહકો આસપાસના શહેરોમાં ડાયવર્ટ થઈ રહ્યા છે. ટ્રાફીકના કારણે વેપારીઓની દિવાળી બગડી છે. ટ્રાફીક હોવાથી માયાબજારમાં ખરીદી કરવા ગ્રાહકો આવતા નથી. માયાબજારમાં બારેમાસ ચોમાસા જેવી હાલત હોવાની પણ ચર્ચા થઈ હતી. રાજુભાઈ પટેલની રજુઆત સાંભળી મંત્રીશ્રીએ પોલીસ અને પાલિકાના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, બે વર્ષ સુધી વિકાસ કામ ચાલવાના હોવાથી ટ્રાફીક સમસ્યા હલ કરવા કડક કાર્યવાહી કરવી. મંત્રીશ્રીએ ત્યા સુધી કહ્યુ હતું કે, ટ્રાફીકની દંડનીય કાર્યવાહી કરવામાં કોઈની તો શુ પણ મારી પણ ભલામણ ચલાવવાની નહી. આ મીટીંગમાં વેપારી પ્રવિણભાઈ ચૌધરીએ શહેરમાં રખડતા ઢોર બાબતે, કિર્તિભાઈ પટેલે આદર્શ હાઈસ્કુલ પાસે ફરીથી થયેલા દબાણો મુદ્દે તેમજ કરશનભાઈ લાછડીએ શહેરમાં આડેધડ લગાવેલા પ્લાસ્ટીકના બંપ બાબતે રજુઆત કરી હતી. આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી રામાપીર મંદિર સુધીનો ગુરૂકુળ રોડ ઉપરનુ કામ ઝડપથી પૂર્ણ કરવા પણ ચર્ચા થઈ હતી.
મીટીંગમાં વિવિધ રજુઆત બાદ કેબીનેટ મંત્રીશ્રીએ ટ્રાફીક નિવારણ માટે આડેધડ પાર્ક કરતા વાહનચાલકો તથા દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવા, તેમજ ઓવરબ્રીજનુ ૨૦૨૭ સુધીમાં સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચન કર્યા હતા. ટ્રેનના સમયે બન્ને ફાટકો ઉપર પોલીસ કર્મચારીઓને એલર્ટ રાખવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ ટ્રાફીકના જટીલ પ્રશ્નનો ઉકેલ લાવવા રોડ ઉપર નડતરરૂપ વાહનો અને લારીઓવાળા સામે કડક કાર્યવાહી કરવા તેમજ કોઈની પણ શેહ શરમ કે ભલામણની પરવા કર્યા વગર દંડની કાર્યવાહી કરવા પોલીસને કડક સૂચના આપી હતી. મીટીંગમાં ઉભરાતી ગટરો, પાણીનો બગાડ, શહેરના ખાડાઓ વિગેરે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
નોંધપાત્ર બાબત છેકે, વર્ષ ૨૦૨૪ ની દિવાળી બાદ બ્રીજનુ કામ શરૂ થયુ ત્યારથી અત્યાર સુધી શહેરના ટ્રાફીક બાબતે અનેક વખત મીટીંગો થઈ ચુકી છે. દિવસ દરમ્યાન ભારે વાહનોનો પ્રતિબંધ હોવા છતા જાહેરનામાનો કોઈ અમલ થતો દેખાતો નથી. ત્યારે કેબીનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રાફીક નિવારણની આ મીટીંગ સાર્થક રહે છેકે નિરર્થક રહે છે તે સમય બતાવશે.