દેણપ રોડ ૧૦ મી.પહોળો કરવા રૂા.૧૧ કરોડ મંજુર
વિસનગર દેણપ કહોડા રોડ ઉપર ભારે વાહનોનો ટ્રાફીક રહે છે. રોડનુ રીસરફેસીંગ કામ શરૂ થતા રોડ પહોળો કરવા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆત ધ્યાને લેવામાં આવી નહોતી. ત્યારબાદ સરકાર બદલાતા કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી દેણપ સુધી ૧૦ મીટરનો રોડ બનાવવા રૂા.૧૧૨૩ લાખની મંજુરી મળી છે.
રાજકીય કિન્નાખોરીની પણ કોઈ હદ હોવી જોઈએ. જ્યારે લોક સુવિધા અને લોકહિતની રજુઆત હોય ત્યારે રાજકીય દ્વેષભાવને કારણે મુકી રજુઆત ઉપર ધ્યાન આપવુ જોઈએ. વિસનગર, દેણપ, કહોડા રોડ ૭ મીટરનો છે. અમદાવાદ, મહેસાણા તેમજ વિજાપુર તરફથી વિસનગર આવતા અને પાલનપુર રાજસ્થાન તરફ જતા મોટાભાગના ભારે વાહનો વિસનગર દેણપ-કહોડાના માર્ગે પસાર થાય છે. ભારે વાહનોની અવરજવરના કારણે રોડ સાંકડો પડતા અકસ્માતના પણ વારંવાર બનાવો બને છે. ૭ મીટરની જગ્યાએ ૧૦ મીટરનો રોડ કરવા ઋષિભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે રજુઆત કરવામાં આવી હતી. કહોડાથી વિસનગર તરફ રોડનુ રીસરફેસીંગ કામ શરૂ થયુ ત્યારે પણ રીસરફેસીંગ કામ અટકાવી ૧૦ મીટરનો રોડ કરવા રજુઆત કરવામાં આવી હતી. પરંતુ રાજકીય વિખવાદમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની રજુઆત ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નથી. કહોડાથી ડામર રીસરફેસીંગ કામ શરૂ થયુ જે કામ આગળ વધતા વિસનગર તાલુકાના દેણપ ગામ સુધી આવ્યુ ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન આવ્યુ.
વિસનગર-દેણપ-કહોડા રોડ પહોળો કરવો જરૂરી હોઈ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા રોડનુ કામ અટકાવ્યુ હતુ. દેણપથી વિસનગર તરફ રીસરફેસીંગ કામ આગળ વધવા દીધુ નહોતુ. ૭ મીટરથી ૧૦ મીટરનો રોડ પહોળો કરવો કેમ જરૂરી છે તે બાબતે માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી સમક્ષ કેબીનેટ ઋષિભાઈ પટેલ દ્વારા રજુઆત કરાઈ હતી. ત્યારે કેબીનેટ મંત્રીના પ્રયત્નોથી વિસનગરથી કહોડા રોડ ઉપર વિસનગરથી દેણપ સુધીની ૧૦ કી.મી.નો રોડ હયાત ૭ મીટરમાંથી ૧૦ મીટરનો પહોળો કરવા રૂા.૧૧૨૩ લાખ એટલે કે ૧૧.૨૩ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપી આગળની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત કાર્યપાલક ઈજનેરને સુચના આપવામાં આવી છે.