Select Page

બરબાદ કરતી ઓનલાઈન ગેમ્બલીંગમાં કેન્દ્ર સરકારની છુટછાટ કેમ?

બરબાદ કરતી ઓનલાઈન ગેમ્બલીંગમાં કેન્દ્ર સરકારની છુટછાટ કેમ?

ફિલ્મ અભિનેતાઓ કમાણીની લાલચમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે

તંત્રી સ્થાનેથી…

અત્યારે ભારત દેશમાં એન્ડ્રોઈડ ફોન તથા ઈન્ટરનેટનો કરોડો લોકો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા જેટલુ ઉપયોગી છે તેટલુજ સમજપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે નુકશાનકારક પણ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર એક તરફ લોકો પગભર બને, આર્થિક સક્ષમ બને, અમિર અને ગરીબ વચ્ચેનો રેશીયો ઓછો થાય તે માટે યોજનાઓ પાછળ અબજો રૂપિયાનુ ફંડ ફાળવી રહી છે. લોકો પૈસાની બચત કરે, કમાણીમાંથી સુખ સુવિધા સંપન્ન થાય તે માટેના સરકારના પ્રયત્નો હોવા જોઈએ. ત્યારે સરકાર ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપી રહી છે. મોબાઈલ ઈન્ટરનેટ ઉપર ઓનલાઈન એવી અનેક ગેમ્સ છે જે લોકોને જુગાર રમવા માટે પ્રેરીત કરી રહી છે. જુગાર પણ એક પ્રકારનો નશો છે. જુગારથી કોઈ કરોડપતિ બની ગયુ હોય અને જેનાથી પેઢીઓ તરી ગઈ હોય તેવો કોઈ દાખલો કે ઉદાહરણ નથી. ઓનલાઈન ગેમ્સ અને ગેમ્બલીંગ નશા જેવા છે. ઓનલાઈન ગેમ્બલીંગની લત લાગ્યા પછી તેનાથી છુટવુ મુશ્કેલ બની જાય છે. એક વાર જુગારની લત લાગ્યા પછી બીજુ કંઈ સુજતુ હોતુ નથી. જુગારની ટેવ ધરાવતા લોકોને પરિવારની કે સમાજની ચિંતા રહેતી નથી. ગેમ્બલીંગમાં રચ્યોપચ્યો રહેતો વ્યક્તિ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. જે પોતાની જીંદગી પણ બરબાદ કરે છે અને પરિવારને પણ બરબાદ કરે છે. ઓનલાઈન ગેમ્બલીંગમાં શરૂઆતમાં જીત અપાવી બરોબરની લત લાગ્યા બાદ હાર અપાવી બરબાદ કરી નાખે છે. ગેમ્બલીંગની લત ખુબજ ખતરનાક હોય છે. અત્યારે મોટાભાગના યુવાવર્ગ પાસે મોબાઈલ હોય છે. ત્યારે આ યુવાવર્ગ દેખાદેખીમાં ગેમ્બલીંગના રવાડે ચડે છે અને દેવાદાર બને છે. જે દેવુ ચુકવવા ખરાબ આદતે ચડી જાય છે. અત્યારે દેશની કુલ વસતીમાં યુવાધનની ટકાવારી મોટી છે. જેના કારણે ભારત દેશ યુવાન છે તેવો સરકાર ગર્વ લઈ રહી છે. ત્યારે બીજી તરફ યુવા પેઢીને બરબાદ કરતી ગેમ્બલીંગમાં આવક કરવાની તક સરકાર છોડવા માગતી નથી. યુવા પેઢીને બરબાદ કરતા ઓનલાઈન ગેમ્બલીંગના વ્યવસાયમાંથી ૨૮ ટકા ટેક્સ વસુલવાની સરકારે જાહેરાત કરી જુગારને કાયદેસરનો કરી દીધો છે. શ્રાવણ માસમાં બાજીપત્તાનો જુગાર રમતા લોકોને પકડીને જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. વરલીમટકાના જુગારને પણ ગેરકાયદેસર ગણવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ઓનલાઈન ગેમ્બલીંગને છુટ આપવામાં આવી છે. સરકાર તેમાં ટેક્સ પણ લઈ રહી છે. દેશનો સૌથી મોટી ટકાવારી ધરાવતો યુવાવર્ગ સાચા માર્ગે જાય તે જોવાની જવાબદારી સરકારની છે. ત્યારે યુવાવર્ગ જાય જહાન્નુમમા આપણે તો ટેક્સની કમાણી કરી લો તેવી સરકારની માનસિકતા છે. નેતા, અભિનેતા એ દેશના લોકોનો માર્ગદર્શક હોય છે. ત્યારે જ્યારે કેન્દ્ર સરકારજ જુગાર ઉપર ટેક્સ વસુલી રહી છે તો આપણે શુ કામ ચિંતા કરીએ તેવી માનસિકતાથી ફિલ્મ અભિનેતાઓ પણ હવે ગેમ્બલીંગની જાહેરખબરમાં કામ કરી રહ્યા છે. હમણા થોડા સમય પહેલાજ ગેમ્બલીંગની જાહેરખબરમાં કામ કરનાર ફિલ્મ કલાકાર શાહરૂખખાન તથા ક્રિકેટર સચીન તેંડુલકર વિરુધ્ધમાં મુંબઈમાં તેમના નિવાસ્થાન સામે દેખાવો થયા હતા. આવા તો અનેક ફિલ્મ કલાકાર છે જેમને સિધ્ધાતોની નહી પરંતુ ફક્ત કમાણીનીજ પડી છે. યુવાનોને સદમાર્ગે દોરવા એ દેશના સેલીબ્રીટીની નૈતિક ફરજ છે. જ્યારે ગેમ્બલીંગની એડ કરી યુવાનોને બરબાદી તરફ ધકેલી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us