Select Page

રફતારના રાક્ષસો બડે બાપ કી બીગડી ઔલાદ૯ નો ભોગ લેનાર તથ્ય પટેલના બનાવ બાદ સરકારની તથ્યહિન ટ્રાફીક ઝુંબેશ

રફતારના રાક્ષસો બડે બાપ કી બીગડી ઔલાદ૯ નો ભોગ લેનાર તથ્ય પટેલના બનાવ બાદ સરકારની તથ્યહિન ટ્રાફીક ઝુંબેશ

તંત્રી સ્થાનેથી…
અમદાવાદમાં કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રીજ ઉપર તથ્ય પ્રજ્ઞેશ પટેલે ૧૪૦ ની સ્પીડે જેગુઆર કાર ચલાવી અકસ્માતગ્રસ્ત વાહનોને જોવા ટોળે વળીને ઉભા રહેલા લોકોને ટક્કર મારતા સ્થળ ઉપરજ ૯ લોકોના મૃત્યુ થયા હતા અને ૨૦ થી વધુ લોકોને ઈજા થઈ હતી. જોકે આ બનાવ પાછળ ગુજરાતમાં ૨૮ વર્ષથી એકધારૂ શાસન કરતી ભાજપ સરકાર જવાબદાર છે. અકસ્માત તથ્ય પટેલે કર્યો તો ભાજપ સરકાર કેમ જવાબદાર તેવો પ્રશ્ન થશે. પરંતુ તેની પાછળનુ કારણ છે, સરકારની અને સરકારના અધિકારીઓની નબીરાઓને છાવરવાની નીતિ. આઈ.એ.એસ., આઈ.પી.એસ., જજ, બીલ્ડરો, મંત્રીઓ, ધારાસભ્યો જેવા મોટા માથાના કપુત્રોનો છેલ્લા ઘણા વર્ષથી સીંધુ ભવન રોડ ઉપર મોઘી દાટ કારો લઈને રાત્રે અડ્ડો જમાવે છે. આ કપુત્રોનો રાત્રે ૧૧-૦૦ વાગ્યા પછી તો દિવસ ઉગે છે. જે આખી રાત બેસી રહે છે. મોડી રાત્રે કોઈ એકલ દોકલ હોય તો પોલીસ પુછપરછ કરી ખોટી રીતે હેરાન કરે છે. જ્યારે આ કપુત્રોને કેમ મોડી રાત સુધી બેઠા છો તેવી પુછવાની કોઈ પોલીસ હિંમત કરતી નથી. રાત્રે ૧૨-૦૦ વાગ્યા પછી કાર અને મોટા અવાજ કરતા બુલેટની એસ.જી. હાઈવે ઉપર રેસ જામે છે. પુરી સ્પીડથી વાહનો ચલાવી સ્ટંટ કરવામાં આવે છે. આજનુ નથી, ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. સરકાર કે પોલીસની કોઈ રોક ટોક નહી હોવાથી, આ નબીરાઓને કોઈ રોકનાર નહી હોવાથી નવ નિર્દોષોનો ભોગ લેવાયો. અકસ્માત માટે ફક્ત ને ફક્ત જવાબદાર હોય તો તે છે ભાજપ સરકાર. અકસ્માતની ગંભીરતા જોઈ સરકારના મંત્રીઓ મૃતકોના સ્વજનોને અને ઈજાગ્રસ્તોને સાત્વના આપવા અને દેખાડો કરવા હોસ્પિટલમાં પહોચી ગયા. સરકાર નબીરાઓ ઉપર અંકુશ નહી રાખી શકતા આ હિચકારો બનાવ બન્યો છે. બનાવ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોનો સરકાર વિરોધનો રોષ ઠારવા કેસની અઠવાડીયામાં ચાર્જસીટ જઈ જશે. કડકમાં કડક સજા થશે. કોઈને છોડવામાં આવશે નહી વિગેરે વિગેરે સ્ટેટમેન્ટ આપ્યા. પરંતુ જેમના ઘરનો દિવો હોલવાતા અંધારૂ થઈ ગયુ ત્યા હવે કંઈ રીતે ઉજાસ પથરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃતકોના વારસદારોને રૂા.૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.૫૦ હજાર સહાય જાહેર કરી. પરંતુ સરકારની નિષ્ક્રીયતાથી નબીરાએ કરેલા અકસ્માતમાં જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા તેમની ખોટ કોણ પુરશે. અકસ્માતમાં મૃતકોની કિંમત રૂા.૪ લાખ, વાહરે સરકાર તમારી સંવેદના. પહેલા નબીરાઓ સામે નિષ્ક્રીયતા હવે લાગણીના નાટક. જેગુઆર કંપનીના રીપોર્ટ આધારે તથ્ય પટેલે બ્રેક મારીજ નથી. અકસ્માત થયા પછી કાર ઓટો બ્રેક થઈ છે. બ્રીજ ઉપર ઉભા રહેલા લોકોને જોવા છતા બ્રેક મારી નહી અને ૯ લોકોને ઉડાવી માર્યા. જાણ હોવા છતા ટક્કર મારી તો તથ્ય પટેલ વિરુધ્ધ હત્યાનો ગુનો કેમ નોધાયો નથી. ગૃહમંત્રી કડકમાં કડક કાર્યવાહી કરવાની શેખી મારે છે તો હજુ પણ સરકાર નબીરા તથ્ય પટેલ માટે કૂણુ વલણ અપનાવતા હોવાની કાર્યવાહી કરી રહી છે. આતો ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સરકારની હવે કાર્યવાહી થઈ રહી છે. સ્પેશ્યલ ટ્રાફીક ડ્રાઈવ, ઓવર સ્પીડ, સ્ટંટબાજો સામે દેખરેખમાં હવે ભોગ તો સામાન્ય જનતાનોજ લેવાશે. તથ્ય પટેલ અકસ્માત કેસના બહાને ખોટા ચેકીંગના નાટક કરી, ખોટા દંડ ફટકારી છેવટે તો સામાન્ય જનતાનેજ હેરાન થવાનુ છે. અમદાવાદ ટ્રાફીક સિગ્નલ ઉપર લગાવવામાં આવેલ કેમેરામાં કોઈ મોટા માથાનો વ્યક્તિ કે તેનો પુત્ર ટ્રાફીક ભંગ કરતા કેદ થયો ખરો? ઘણા સમયથી એસ.જી.હાઈવે ઉપર નબીરાઓના રફતારની રેસ લાગે છે. સીસીટીવી ઘણા લગાવ્યા છે, ત્યારે કેમ કોઈ રફતારના રાક્ષસ સામે કાર્યવાહી થઈ નથી. ભાજપ સરકારની ફક્ત દેખાવની અને સામાન્ય જનતાને હેરાન કરવાની કાર્યવાહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us