Select Page

મહેસાણા ફૂડ વિભાગના કર્મચારીઓ સામે સરકાર અને એસીબીમાં રજુઆત છતાફૂડ એન્ડ ડ્રગ્સના રૂા.૮ લાખના તોડથી વેપારીઓમાં હાહાકાર

મહેસાણા ફૂડ વિભાગના કર્મચારીઓ સામે સરકાર અને એસીબીમાં રજુઆત છતાફૂડ એન્ડ ડ્રગ્સના રૂા.૮ લાખના તોડથી વેપારીઓમાં હાહાકાર

મોટો ટેક્ષ ચુકવતા વેપારીઓને ધંધામાં ખોટી કનડગત ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. ત્યારે જાણે સરકારના કોઈ મોટા કદના નેતાની છત્રછાયા મળી હોય અને મોટા નેતાને મોટા હપ્તા ચુકવતા છુટ મળી હોય તેમ મહેસાણા જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓ બેફામ બની રૂા.૮-૮ લાખના મોટા તોડ કરતા વેપારીઓમાં હાહાકાર મચી ગયો છે. હંમેશા લુંટફાટના બનાવોને યુ.પી., બીહારના ગુંડાઓ સાથે સરખાવીએ છીએ. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓ હપ્તા વસુલતા અને લુંટફાટ કરતા ગુંડાઓથી કમ નથી તેવો રોષ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે.
મહેસાણા જીલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વેપારીઓના ત્યા ચેકીંગ થાય છે, સેમ્પલ લેવાય છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થતી નથી. ચેકીંગ કરી સેમ્પલ લઈને વેપારીઓને મહેસાણા બોલાવી પાછળથી પતાવટ કરવામાં આવે છે. વિસનગરનીજ વાત કરીએ તો છેલ્લા બે માસમાં ફાસ્ટ ફૂડ, સ્વિટમાર્ટ અને હોટલો રેસ્ટોરન્ટમાં કુલ ત્રણ તબક્કામાં ચેકીંગ કરી લગભગ ૪૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં વાસી, ડુપ્લીકેટ અને ભેળસેળવાળી ખાદ્યવસ્તુઓનો સ્થળ ઉપરજ નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી જેમના સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી કોઈનો રીપોર્ટ આવ્યો નથી. કોઈ વેપારી વિરુધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ નથી. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેકીંગમાં તમામ સેમ્પલ પાસ થઈ ગયા? વિસનગરમાં મોટા પ્રમાણમાં રેડ કરી સેમ્પલ લઈ મોટા તોડ કરવામાં આવ્યા હોવાનુ ચર્ચાય છે.
હમણા થોડા સમય પહેલા ઉંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીની કારમાં કાગળમાં વીંટેલ નોટોનુ બંડલ મુકતો વિડિયો વાયરલ થયો હતો. જેની એ.સી.બી.માં રજુઆત પણ થઈ હતી. પરંતુ કાગળના બંડલમાં શુ છે તેની સ્પષ્ટતા થતી નહી હોવાનુ જણાવી ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીનો બચાવ કરવામાં આવ્યો હતો. ગત અઠવાડીયે કડીમાં ઘી ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યા બે વેપારીઓના ત્યા રૂા.૮-૮ લાખના તોડ કરવાની ચર્ચાથી વેપારીઓમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવારો માટે વેપારીઓ ધંધામાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓ ચેકીંગ અને તપાસના નામે તોડ કરવામાં વ્યસ્ત બની ગયા છે. જેમાં એક મોટા તોડબાજ કર્મચારીની તો સહકારી ક્ષેત્રે સંકળાયેલા ભાજપના એક મોટા નેતાના ઈશારે મહેસાણામાં બદલી થઈ હોવાનુ જાણવા મળ્યુ છે.
ઉંઝામાં જીરૂ અને વરીયાળીના સેમ્પલના ચેકીંગમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા તોડ થતા હોવાની ફરિયાદ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, લાંચ રૂશ્વત બ્યુરો શાહીબાગ અને વિજીલન્સ કચેરી ગાંધીનગર સમક્ષ થઈ છે. ઉંઝા તાલુકાના મક્તુપુરની સીમમાં આવેલી ઓમ ક્લીનીંગ ફેક્ટરીના પેટા ભાડુઆત વિરેન્દ્રકુમાર પરષોત્તમદાસ પટેલે મહેસાણા જીલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓથી ત્રાસી જઈને આ ફરિયાદ કરી છે. વેપારીની રજુઆત છેકે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેટલાક કર્મચારીઓ તપાસના બહાને ફેક્ટરી ઉપર આવી ભેળસેળ કરો છો તેવી ધમકી આપી માનસિક ત્રાસ આપી તોડ કરી રહ્યા છે. વેપારી દ્વારા આવા આક્ષેપ થતા હોય તે સરકાર માટે તપાસનો વિષય છે. મહત્વની બાબત તો એ છેકે, સેમ્પલ લીધા બાદ કાર્યવાહી ન કરી પતાવટ કરવી, કડીમાં રૂા.૮-૮ લાખના તોડ કરવા, ઉંઝામાં વેપારીઓને ધમકાવી તોડ કરવા જેવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે. ત્યારે ભાજપ સરકાર આવા તોડબાજ કર્મચારીઓ સામે કેમ પગલા ભરતી નથી? વેપારીઓને લુંટતા ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓની બદલી કેમ કરતી નથી? ફૂડ એન્ડ ડ્રગ્સના આવા કર્મચારીઓને કોના આશિર્વાદથી છાવરવામાં આવી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો વેપારીઓને મુંજવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us