Select Page

વિસનગરની લાઈનમાં વારંવાર ભંગાણથી તહેવારોમાં પાણીની સમસ્યા

વિસનગરની લાઈનમાં વારંવાર ભંગાણથી તહેવારોમાં પાણીની સમસ્યા

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયાસો ઉપર કોન્ટ્રાક્ટર પાણી ફેરવી રહ્યા છે

  • ક્યારેક ઈલેક્ટ્રીક ફોલ્ટ તો ક્યારેક પાઈપલાઈન લીકેજના કારણે ધરોઈ જુથ યોજના જેવીજ હાલત

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ફક્ત વિસનગર પુરતીજ જુથ પાણી પુરવઠા યોજના અમલમાં આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રીયતાથી વારંવાર ભંગાણ સર્જાતા ધરોઈ જુથ યોજના સમયે જે હાલત હતી તેવીજ હાલત અત્યારે જોવા મળી રહી છે. પાણી પુરવઠો વારંવાર ખોરવાતા કરોડોની યોજના ઉપર કોન્ટ્રાક્ટરોના કારણે પાણી ફરી વળ્યુ છે. તહેવારોના સમયે પુરવઠો બંધ રહેતા પીવાના પાણી વગર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
વિસનગર શહેર પીવાના પાણી માટે ધરોઈ જુથ પાણી પુરવઠા આધારીત હતુ. ધરોઈ પાણી પુરવઠાની વર્ષો જૂની મશીનરી વારંવાર બગડતા તેમજ પાઈપલાઈનોમાં કાટ આવવાથી વારંવાર ભંગાણ સર્જાતા વિસનગરમાં વર્ષ દરમ્યાન અનેક વખત પુરવઠો બંધ રહેતો હતો. વિસનગરના ભૂગર્ભમાં ફ્લોરાઈડયુક્ત પાણી હોવાથી ટ્યુબવેલનું પાણી આપી શકાય તેમ નહોતુ જેથી કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી કરોડોના ખર્ચે નર્મદા આધારીત વિસનગર જુથ પાણી પુરવઠા યોજના અમલમાં આવી. આ જુથ યોજના શરૂ થયા બાદ વિસનગર શહેર અને તાલુકાના ૫૬ ગામડામાં હવે ક્યારેય પાણીની મુશ્કેલી સર્જાશે નહી તેવી ધારણા હતી. પરંતુ વાલમ હેડ વર્કસ ખાતેની હલકી ગુણવત્તાની મશીનરી અને પાઈપલાઈનોના કારણે ભંગાણ સર્જાતા પહેલાની જેમજ પાણી પુરવઠો બંધ થવાની સમસ્યા થઈ રહી છે.
વિસનગર પાણી પુરવઠા જુથ યોજના શરૂ થયા બાદ એકજ વર્ષમાં અનેક વખત પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ક્યારેક લાઈટ કે મશીનરી મેઈન્ટેનન્સના નામે તો ક્યારેક નાખવામાં આવેલી નવી પાઈપલાઈનોમાં ભંગાણ થતા પાણી સપ્લાય બંધ કરવામાં આવે છે. મહત્વની બાબત તો એ છેકે મશીનરી નવી છે અને પાઈપો પણ નવી છે તો વારંવાર ફોલ્ટ કયા કારણોથી થાય છે. વાલમ હેડ વર્કસ દ્વારા એક ડ્રાફ્ટીંગ તૈયાર કરવામાં આવ્યુ છે. જેવો ફોલ્ટ થાય કે તુર્તજ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવે છે. નવી જુથ યોજના શરૂ થયા બાદ વિસનગરમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી મળશે તેવી આશા હતી. પરંતુ પીવાના પાણીની સમસ્યા તો પહેલા જેવીજ છે. વાલમ હેડ વર્કસ દ્વારા એક દિવસ પાણી બંધ કરવામાં આવે તો તેની અસર બે દિવસ સુધી રહે છે. શહેરમાં હજુ પણ એવા અણમાનિતા વિસ્તારો છેકે જ્યા પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. વિસનગર પાલિકામાં પીવાના પાણીનો હોબાળો વારંવાર જોવા મળે છે. અત્યારે તહેવારોના સમયે પણ પીવાના પાણીની બુમરાડ છે. જેમાં વાલમ હેડ વર્કસમાં ભંગાણના કારણે સપ્લાય બંધ કરવામાં આવતા બળતામાં ઘી હોમવા સમાન સાબીત થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts