વિસનગરમાં રૂા.૧૦,૯૦૦ લાખના ૮૫ વિકાસ કામોનું ભૂમિપુજન-ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે
વિસનગરમાં કાંસા રોડ ઉપર આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે સરકાર દ્વારા રૂા.૧૦,૯૦૦ લાખના ખર્ચે વિસનગર સહિત સમગ્ર મહેસાણા જીલ્લામાં થયેલા અને થનાર ૮૫ વિકાસકામોનું લોકાર્પણ, ભૂમિપુજન તથા ખાતમુહુર્તના કાર્યક્રમનું તા.૩૦-૧૦ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યના પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, રાજ્યસભાના પુર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા, મહેસાણા સાંસદસભ્ય શારદાબેન પટેલ, પાટણ સાંસદસભ્ય ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય ડા. સી.જે.ચાવડા, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર તથા તાલુકા-જીલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
સરકારે રાજ્યના દરેક શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને આરોગ્ય, શિક્ષણ, પાણી, વિજળી જેવી અન્ય પાયાની સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકામો કર્યા છે. અને આજે પણ થઈ રહ્યા છે. જેમાં સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન મહેસાણા જીલ્લામાં વિકાસકામો કરવામાં સરકારે કોઈ કસર બાકી રાખી નથી. સરકારે મહેસાણા જીલ્લાના તાલુકા અનેે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. જેમાં વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ગુજરાત સરકારમાં આરોગ્યમંત્રી બનતા તેમને શહેરની સિવિલ હોસ્પિટલ તથા તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં લોકોને સારી સુવિધા સાથે તબીબી સેવા મળી રહે તે માટે સતત ચિંતા કરી છે. ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને સમયસર અનાજનો જથ્થો તેમજ ખેડુતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવા માટે પ્રયત્નો કર્યા છે.
આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી સરકારે કંસારાકુઈ ગામના તળાવમાં ઈનલેટ સ્ટ્રેક્ચર ટો-વોલ પીચીંગ બનાવવા રૂા.૪૫.૬૭ લાખ, ધામણવા ગામના તળાવમાં ઈનલેટ સ્ટ્રેક્ચર બનાવવા રૂા.૧૧ લાખ, ભાન્ડુ તળાવમાં ટો-વોલ તેમજ પથ્થર પીચીંગ કામ માટે રૂા.૪૭.૨૦ લાખ, કુવાસણા ગામના તળાવમાં ટો-વોલ તેમજ પથ્થર પીચીંગ કામ માટે રૂા.૨૪.૫૦ લાખ, ખદલપુર ચેકડેમના રીપેરીંગ કામ માટે રૂા.૯ લાખ, કમાણા ચોકડીથી મહેસાણા ચોકડી સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવા રૂા.૧૩૫ લાખ, ઉમતા રૂપેણ નદી ઉપર મોટા ચેકડેમના બાંધકામ માટે રૂા.૭૪૦ લાખ, એમ.એન.કોલેજના નવીન કંમ્પાઉન્ડ વોલની કામગીરી માટે રૂા.૩૬૩.૨૨ લાખ, મહંમદપુર રૂપેણ નદી ઉપર મોટા ચેકડેમનુ બાંધકામ કરવા રૂા.૮૧૪ લાખ, રામપુરા રૂપેણ નદી ઉપર મોટા ચેકડેમના બાંધકામ માટે રૂા.૬૬૬ લાખ, એમ.એન.કોલેેજમાં નવુ કોમ્પ્યુટર સેન્ટર, ઓફિસ, બિલ્ડીંગ, પરિક્ષા ખંડ તથા રેકર્ડ રૂમના બાંધકામ માટે રૂા.૫૯૦.૮૭ લાખ, એમ.એન.કોલેજમાં સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નિર્માણના કામ માટે રૂા.૧૩૮૧.૯૧ લાખ, એમ.એન.કોલેજના કોમ્પ્યુનીટી હોલમાં એકોસ્ટીક વોલ, સીલીગ, ફર્નીચર, સેન્ટ્રલ એ.સી. તથા સાઉન્ડ સીસ્ટમના કામ માટે રૂા.૪૦૫ લાખ મંજુર કર્યા છે. જ્યારે રૂા.૧૫૪.૨૮ લાખના ખર્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓ.પી.ડી. બિલ્ડીંગ, મેટરનીટી વિસ્તાર સી.એમ.ટી.સી., તથા ઈમરજન્સી એન્ડ ન્યુ ઓ.પી.ડી. બિલ્ડીંગમાં ફાયર પ્રોટેક્શનની કામગીરી તેમજ રૂા.૯૦૦ લાખના ખર્ચે ૫૦ પથારીવાળી નવીન આયુર્વેદિક હોસ્પિટલનું બાંધકામ કરવામાં આવ્યુ છે.આ સાથે હોસ્પિટલમાં રૂા.૧૨ લાખના ખર્ચે ડીજીટલ એક્સ-રે મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
વિસનગર સહિત સમગ્ર મહેસાણા જીલ્લામાં થયેલા અને થનાર ૮૫ વિકાસકામોનું કાંસા રોડ ઉપર આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં તા.૩૦-૧૦-૨૦૨૩ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ, ભૂમિપુજન તથા ખાતમુહુર્તના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન, જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશ, જીલ્લા આરોગ્ય અધિકારી ડા.મહેશભાઈ કાપડીયા, વિસનગર પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ તથા પ્રાન્ત અધિકારી ગજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ થઈ રહી છે.