ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ચૌધરી સમાજના બનશે તેમજ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પદ ઠાકોર સમાજને મળશે
ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ પદની મુદ્દત ૧૬-૯-૨૦૨૩ના રોજ પુર્ણ થાય છે. હવે ટુંક સમયમાં તાલુકા પંચાયત પ્રમુખ પદની ચુંટણીનુ જાહેરનામુ પ્રસિધ્ધ થશે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી થશે. ખેરાલુ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો વચ્ચે સમાધાન થયુ હતુ કે તત્કાલિન ધારાસભ્ય અજમલજી ઠાકોર હોવાથી તાલુકા પંચાયતનુ પ્રમુખ પદ ચૌધરી સમાજને આપવામાં આવે, આ ગોઠવણ ચૌધરી સમાજને ખુશ રાખી ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મતમાં ફાયદો લેવા ગોઠવણ કરી હતી. તે વખતે પાન્છા સીટના સભ્ય અસ્મીતાબેન જસુભાઈ ચૌધરીને પ્રમુખ બનાવ્યા હતા તેમની વિરૂધ્ધ રાજકીય ષડયંત્રો રચીને રાજીનામુ લઈ લેવાયુ હતુ. ત્યારબાદ ચાણસોલ સીટના સભ્ય બબુબેન ભરતભાઈ ચૌધરીને પ્રમુખ બનાવ્યા હતા. વિધાનસભાની ચુંટણીમાં સરદારભાઈ ચૌધરીને ભાજપે ઉમેદવારી કરાવી હતી છતાં સમગ્ર વિધાનસભામાંથી માત્ર ૧૦% ચૌધરી સમાજના વોટ સરદારભાઈ ચૌધરીને મળ્યા હોવાનો રાજકીય નિષ્ણાંતો દાવો કરે છે. હવે ખેરાલુ તાલુકા પંચાયતમાં ચૌધરી સમાજને પ્રમુખ પદ મળ્યુ હોવાથી તેમજ ધારાસભ્ય પદ પણ ચૌધરી સમાજને મળ્યુ હોવાથી સમજુતી થયા પ્રમાણે ઠાકોર સમાજને તાલુકા પંચાયત પ્રમુખપદ મળશે તે નિશ્ચિત થયુ છે.
ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પ્રમુખ પદે દાવો કરવામાં આવ્યો છે કે, વિઠોડા જુથ સીટના બાબુજી દિવાનજી ઠાકોરને પ્રમુખ પદ મળવુ જોઈએ. તેમની સામે ડભોડા-૧ સીટના વાસુબેન ભૂપતજી ઠાકોર માટે પણ ઠાકોર સમાજના આગેવાનો દાવો કરે છે બંન્ને પૈકી ગમે તે એકને પ્રમુખ બનાવવા પડશે. આ બાબતે બાબુજી દિવાનજી ઠાકોરને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપ મોવડીમંડળે ગત અઢી વર્ષની ટર્મમાં મહિલાને પ્રમુખ પદ આપ્યુ હતુ. જેમાં અનેક વિવાદો થતા વચ્ચે પ્રમુખપદ બદલવુ પડ્યુ હતુ. હવે પુરૂષ ઉમેદવારનો વારો છે છતાં પણ ભાજપ મોવડી મંડળ બંન્ને ઠાકોર સમાજના દાવેદારોમાંથી ગમે તેને પસંદ કરે તો બીજો દાવેદાર તેનો વિરોધ કરશે નહી તવી સમજુતી થઈ ગઈ છે. એટલે કે, વસુબેન ભુપતજી ઠાકોર કે બાબુજી દિવાનજી ઠાકોર બન્નેમાંથી કોઈ એકજ પ્રમુખ બનાવશે તે નિશ્ચિત વાત છે.
ખેરાલુ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ ચૌૈધરી સમાજને આપવાનુ હોવાથી બે સભ્યોએ દાવો કર્યો છે જેમાં અરઠી સીટના પ્રવિણાબેન વિનુભાઈ ચૌધરી તથા મલેકપુર સીટના હિરાબેન મહેશભાઈ ચૌધરી પૈકી ગમે તે એક ને ઉપપ્રમુખ પદ મળે તેવી શક્યતા લાગે છે. ઉપપ્રમુખ પદ માટે બીજા કોઈ સભ્યનો દાવો આવ્યો નથી પરંતુ પ્રમુખ પદમાં અધવચ્ચેથી ઉતારી મુકેલા અસ્મીતાબેન જસુભાઈ ચૌધરીને પદ મળે તો નવાઈ ન કહેવાય. કારોબારી ચેરમેન પદે મંદ્રોપુર સીટના કાજલબેન જસુભાઈ ચૌધરી દાવેદારી આવી છે. બીજા કોઈની દાવેદારી સામે આવી નથી પરંતુ અસ્મીતાબેન જસુભાઈ ચૌધરીને ઉપપ્રમુખ પદ ન મળે તો કદાચ કારોબારી ચેરમેન બની જાય તો નવાઈન કહેવાય. અસ્મીતાબેન ચૌધરીના પતિ જસુભાઈ ચૌધરી હાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે પડછાયાની જેમ ફરતા વિશ્વાસુ કાર્યકરો પૈકીના એક હોવાથી કદાચ અસ્મીતાબેન ચૌધરીને પદની લોટરી લાગે પણ ખરી.
ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન પદ માટે આમ કોઈ ખેંચતાણ હોય તેવુ લાગતુ નથી. પરંતુ ખાનગી રાજકીય લોબિંગમાં ફેરફાર થાય તો નવાઈ ન પામતા.