વિસનગરમાંથી શંકાસ્પદ ઘી તેલનો જથ્થો ઝડપાયો
ફૂડ એન્ડ ડ્રગ્સની મીઠી નજરતળે આરોગ્ય સામે ખતરા સમાન ગોરખધંધાને છુટો દોર
- અગાઉ ફ્રુડ વિભાગે વડનગર રોડ ઉપર આવેલ તેલની એક ફેક્ટરીમાંથી તેલનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલતા સેમ્પલ ફેલ આવ્યુ હતુ પણ કાર્યવાહી કોઈ નહી
વિસનગર શહેરના દેણપ ત્રણ રસ્તા પાસે ડાભી ભુવનની બાજુમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી બનતુ હોવાની શહેર પોલીસને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસે રાત્રીના સમયે સ્થળ ઉપર તપાસ કરતા શંકાસ્પદ તેલ અને ઘી નો આશરે ૪૦ કીલો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે મહેસાણા ફ્રુડ વિભાગને જાણ કરતા ફ્રુડ વિભાગની ટીમ દોડી આવી હતી. જ્યાં ફ્રુડ વિભાગની ટીમે શંકાસ્પદ તેલ અને ઘીનું સેમ્પલ લઈ તેની ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જોકે અગાઉ ફ્રુડ વિભાગે વડનગર રોડ ઉપર આવેલ તેલની એક ફેક્ટરીમાં સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલતા તેનો રિપોર્ટ ફેલ આવ્યો હતો.
વિસનગર શહેરના દેણપ ત્રણ રસ્તા પાસે ડાભી ભુવનની બાજુમાં આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતો અશોકભાઈ શિવાભાઈ દેવીપુજક ઘરે ડુપ્લીકેટ ઘી બનાવતો હોવાની શહેર પોલીસને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસે બુધવારે રાત્રીના આશરે ૮-૦૦ વાગે સ્થળ ઉપર રેડ કરતા ત્યાંથી શંકાસ્પદ ઘી અને પામોલીન તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતની પોલીસે મહેસાણા ફુડ વિભાગને જાણ કરતા ફુડ સેફ્ટી ઓફીસર એચ.વી.ગુર્જર, એસ.કે.પ્રજાપતિ સહિતની ટીમ દોડી આવી હતી. જ્યાં ફુડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘી અને પામોલીન તેલનું સેમ્પલ લઈ ૧૫ કીલો તેલ અને ૨૦ કીલો શંકાસ્પદ ઘી મળી કુલ ૩૫ કીલો જથ્થો સીઝ કર્યો હતો.
અત્રે નોંધપાત્ર બાબત છે કે, અગાઉ ફ્રુડ વિભાગની ટીમે વિસનગર માટેલ હોટલની સામે ગજાનંદ માર્કેટમાંથી ડુપ્લીકેટ ઘીનો જથ્થો પકડ્યો હતો. જેમાં ફુડ વિભાગે ડુપ્લીકેટ ઘી બનાવતા વેપારીની પુછપરછ કરતા વેપારીએ ઘી બનાવવા માટે વડનગર રોડ ઉપર આવેલ એક ફેક્ટરીમાંથી તેલનો જથ્થો લાવ્યા હોવાથી કબુલાત કરી હતી. ફ્રુડ વિભાગની ટીમે આ ફેક્ટરીમાંથી તેલનું સેમ્પલ લઈ તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલતા તેનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. ત્યારે ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તેલના વેપારી સામે દિવાળીના તહેવારો પહેલા તપાસ કરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.