મોટી હિરવાણી સ્કુલના વિદ્યાર્થીઓ બેસાડી સંખ્યા બતાવી
કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફિયાસ્કો
- કૃષિ મહોત્સવની આમંત્રણ પત્રિકામાં પાટણ-સાંસદનુ નામ ગાયબ કરાયુ
- ખેડુતોની પાંખી હાજરી જોઈ ધારાસભ્યએ કૃષિ અધિકારીને તતડાવ્યા હતા
ગુજરાત સરકારના કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજીત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નિમિત્તે કૃષિ પ્રદર્શન, સસ્ટેનેબલ ફાર્મિગ, ખેતી અને બાગાયતી પાક મુલ્ય વૃધ્ધી જેવા વિષયોને આવરી લેતા કૃષિ પરિસંવાદ, સરદાર પટેલ કૃષિ સંસોધન પુરસ્કાર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય મેળા, પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત તેમજ ખેડુત લક્ષી યોજનાઓનો કાર્યક્રમ દોતોર વિદ્યામંદિર મોટી હિરવાણી ખાતે યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભુપતજી ઠાકોર તથા ખેરાલુ એ.પી.એમ.સી.ચેરમેન ભીખાલાલ ચાચરીયા, પ્રાન્ત અધિકારી, મામલતદાર હાજર રહ્યા હતા. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સ્થાનિક સાંસદનું નામ ન હોવાથી કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખેડુતોની પાંખી હાજરી જોઈ કૃષિ અધિકારીને તતડાવ્યા હતા.
રાજ્ય સરકારનો કાર્યક્રમ હોય અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખેડુતોને માર્ગદર્શન આપવાના હોય ત્યારે સરકારી અધિકારીઓએ કોના ઈશારે સાંસદ ભરતસિંહ ડાભીનું નામ આમંત્રણ પત્રિકામાં લખ્યુ નહોતુ તે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે મુખ્યમંત્રીનું ભાષણ શરૂ થાય તે પહેલા સંખ્યા બતાવવા માટે દોતોર વિદ્યામંદિર મોટી હિરવાણીના વિદ્યાર્થીઓને ચાલુ સ્કુલે ક્લાસરૂમમાંથી બોલાવી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડી ખુરશીઓમાં ગોઠવી દીધા હતા. કૃષિ અધિકારીઓને કૃષિ મહોત્સવ માટે આવેલી ગ્રાન્ટ વાપરવામાંજ રસ હોય છે. વધુમાં વધુ ખેડુતો કૃષિ મહોત્સવનો લાભ લે અને પોતાની રવિ સિજનનો વધુ પાક મેળવે તેવા આશય સાથે યોજાયેલ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થતા સાંસદ ભરતસિંહ ડાભીની અવગણના ભારે પડી હતી.
કૃષિ મહોત્સવની આમંત્રણ પત્રિકા કોણે બનાવી? પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સંસદ ચાલતી હોય ત્યારે ઉપસ્થિત રહેવાના નથી તેસૌ કોઈ જાણે છે. પરંતુ તેમના સમર્થક ખેડુતો આમંત્રણ પત્રિકામાં નામ ન જોતા કૃષિ મહોત્સવમાં ભરતસિંહનુ અપમાન થયુ છે તેમ સમજી આવ્યા ન હોતા. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ધ્યાન રાખી પાટણ-સાંસદનુ આમંત્રણ પત્રિકામાં નામ લખાવવુ જોઈએ. પરંતુ તેમની આળસને કારણે ભરતસિંહ ડાભીના સમર્થક ખેડુતોએ કૃષિ મહોત્સવમાં આવવાનું ટાળ્યુ હતુ. કૃષિ અધિકારીઓની અણ આવડતને કારણે કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થતા ભાજપની આબરૂ ધૂળધાણી થઈ ગઈ હતી. બે દિવસે ચાલતા કૃષિ મહોત્સવમાં બીજા દિવસે પણ કાગડા ઉડતા હતા.